જેલની કાળકોટડીમાં રાખેલી બરફની એક પાટ છું હું!
પ્રખર તાપમાં રાખો તોય પીગળે નહીં એવી જડ, સખત.
રોજ એક નવા કેદીને હાથ-પગ બાંધીને
મારા પર સુવડાવવામાં આવે છે.
એ ખૂબ તરફડે છે પણ મોઢામાંથી એક હરફ બોલતો નથી,
થોડીવારમાં મરી જાય છે.
છેક બીજા દિવસે સિપાહીઓ એને ઊપાડી જાય છે.
હું ઠંડીગાર, સ્થિતપ્રજ્ઞ પડી રહું છું.
એણે એકરાર ન કરેલા ગુનાઓ મારામાં સમાઈ જાય છે.
હું એવી જ અકથ્ય, વધારે ને વધારે જિદ્દી બનતી જઉં છું.
મારામાંથી પણ એક ટીપું યે બરફ
પાણી બનીને વહેતો નથી.
જેલના લોખંડી સળિયાઓ પાછળ
કડક ચોકી-પહેરા વચ્ચે હું પડી છું.
જેલર એનો પગ મારા પર ટેકવીને, થાકેલો ઊભો છે.
એના બુટની અણીદાર ખીલીઓ મને ઉઝરડા પાડે છે.
એક નવો જ કેદી આવીને મારા પર સૂએ છે.
મરે છે, સૂએ છે, મરે છે, સૂએ છે....
❏