મેં મારા હાથથી સમુદ્રની એક લહેરને અટકાવી દીધી.
અને એ પછી તો હું આખી જ બદલાઈ ગઈ.
મારો હાથ ઓક્ટોપસ બની ગયો.
મારી આંગળીઓ માછલી બની ગઈ.
મારા નખ સમુદ્રના પડ ઉકેલાય તેમ
ચામડીથી છૂટા થવા માંડ્યા.
મારા હાથની રેખાઓ પવનચક્કીનાં
ફરતાં પાંખિયાંઓ જેમ ધુમરાવા માંડી.
મારી મુઠ્ઠીમાં મીઠાના અગર બંધાયા.
મારી હથેળીમાં મોતી પાક્યું.
મારા હાથમાં સમુદ્રનો ભંગાર પણ આવ્યો.
મારા હાથમાંથી થોડુંક પાણી સરી પણ ગયું.
મારા હાથને તરસ પણ લાગી.
મારો હાથ જાણેકે મારો જ ન રહ્યો.
અને પછી તો સમુદ્રનાં મોજાં આવ્યાં,
જે મારા હાથને જ ખેંચી ગયા સમુદ્રમાં.
હવે તો ક્યારેક જ દેખાય છે મારો હાથ,
સમુદ્રનાં મોજાંઓ ભેગો ધસમસતો આવતો હોય છે.
અથડાઈ પડે છે ખડક સાથે અને
વેરાઈ જાય છે દરિયાઈ ફીણ જેવો.
પાછો ચાલ્યો જાય છે શાંતિથી, મોજાંઓ ભેગો.
❏