કંદરા/ખાંભી
Revision as of 23:56, 20 March 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''ખાંભી'''</big></big></center> <poem> ઘટાટોપ વનમાં ભરચક વૃક્ષોની વચ્ચે રહેતાં આ પાણી. સૂરજના સાત અશ્ચોમાંથી કોઈ ત્યાં ક્યારેય પાણી પીવા નથી આવતા. કે ન તો ક્યારેય ચંદ્ર, ક્રોધિત થઈને ધ્રૂજ...")
ઘટાટોપ વનમાં
ભરચક વૃક્ષોની વચ્ચે રહેતાં આ પાણી.
સૂરજના સાત અશ્ચોમાંથી કોઈ ત્યાં
ક્યારેય પાણી પીવા નથી આવતા.
કે ન તો ક્યારેય ચંદ્ર,
ક્રોધિત થઈને ધ્રૂજે છે એ પાણી પર.
ન કોઈ બગલો આવે છે માછલીઓને ખાવા.
એકમાત્ર બાજુની ખાંભી, લળી લળીને
ડોકિયાં કરે છે કે કદાચને,
એની અંદરની સતીનો ચહેરો
દેખાઈ જાય એ પાણીમાં!
એ સિવાય, નર્યા બિલોરી એ નીરમાં,
રહે છે એક નાગ.
જેની ફેણ પર છે, ચમેલીનાં ફૂલોનો ઢગલો.
અને, અને, એ પાણીનાં પોલાણોમાં રહેતો
બોખો કાચબો.
રાત પડ્યે એની શિથિલ ઢાલમાં
મોં છૂપાવી સુઈ જાય છે.
એને ખબર નથી
કે ક્યાંથી આવ્યા છે આ પાણી?
અને શા માટે અટકી ગયાં છે
અહીં, આ અરણ્યમાં?
❏