મને રાહ જોવાનું નથી ગમતું.
જો કે તું સમય કરતાં વ્હેલો આવે તો પણ મને નહીં ગમે.
સમય એક પર્વત છે, જેની ટોચે હું ઊભી છું.
અને તું એનાં પગથિયાં ચડી રહ્યો છે.
તું વચ્ચે થાકીને વિસામો ખાવા બેસે છે ત્યારે.
મને મન થાય છે કે હું આવીને તારા પગ દબાવું.
પણ, જે પગથિયાં હું ચડી ગઈ એ પાછાં ઊતરવાનું?
સમય એક ખાઈ છે,
જેની ધાર પકડી લઈને હું લટકી રહી છું.
ગમે તે ક્ષણે મારો હાથ છૂટી જાય ને હું પડી જઉ,
મને ખબર છે કે તું આવી જ રહ્યો છે મને બચાવવા.
પણ તું રસ્તામાં કોઈની સાથે જરા વાત કરી લેવા રોકાયો છે.
સમય એક જ્વાળામુખી છે, ઠરી ગયેલો, સુષુપ્ત.
એ જમીન પર વસેલા ગામમાં જ
આપણે બંને એ ઘર બાંધવાનું નક્કી કર્યું.
રાત્રે બંને સૂતાં હોઈએ છીએ પથારીમાં, પાસે પાસે,
ત્યારે ઇચ્છીએ છીએ કે આ જ્વાળામુખી જીવતો થાય,
એનો લાવા વહેતો વહેતો આવે આપણા ઘર સુધી.
પણ એ સમય હજી આવતો નથી
અત્યારે તો હું મારા પેટમાંથી
આપણા બાળકના આવવાની રાહ જોઈ રહી છું.
ઠરી ગયેલ, સુષુપ્ત બાળક,
પછી આપણે રાહ જોઈશું,
એના જીવતા થવાની
❏