એક અંધારા ખૂણા માટે
રાતભર ઝઘડતા રહેલા કૂતરાઓના અવાજ વચ્ચે
ક્યારે પરોઢ થઈ જાય છે, ખબર નથી પડતી.
દિશાઓની ઉપરવટ જઈને પ્રસરી ગયું હતું અંધારું.
અંધારાની આડશે જન્મેલા ખૂણાઓમાં
લપાઈ ગયા હતા કૂતરાઓ.
અત્યારે હવે, પરોઢના ફેલાતા જતા અજવાળામાં
એ ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય ક્યાંય છે જ નહીં,
જાણે અહીં ક્યારેય હતા જ નહીં ખૂણાઓ.
ખૂણાઓને ન ભાળીને
કૂતરાઓ હવે ચૂપચાપ વળી રહ્યા છે, પાછા,
પોતપોતાની શેરીઓ તરફ.
શેરીઓ લંબાય છે, લંબાય છે,
તે છેક એનિમલ પાસ્ટ સુધી.
નિરાશ કૂતરાઓ પીંખી નાખે છે, એકબીજાનાં શરીરને.
ખૂલતા પરોઢમાં ખુલ્લું ચોગાન વધારે વિશાળ લાગે છે.
હેબતાઈ ગયેલા કૂતરાઓ
હવે માનવા લાગ્યા છે કે
દિશાઓને કોઈ માર્ગ નથી હોતો,
ને ખૂણાઓ કંઈ હૂંફાળા નથી હોતા.
ચોગાન માથે તપતા સૂરજની સામે
મોં ઊંચું કરીને ભસી રહ્યા છે કૂતરાઓ
અને ખુલ્લા ચોગાનમાં
ગલૂડિયાંને જન્મ આપી રહી છે કૂતરીઓ
ન કોઈ ખૂણો, ન કોઈ આડશ.