ઉનાળાની બપોરની તરસ
ચબૂતરા પર મૂકેલી
માટીની ઠીબમાંથી પાણી પીતા
નાનકડા પંખીના શરીરમાં સમાઈ શકે
તેનાથી ઘણી વધારે હોય છે.
“ઠંડી, ચાંદની રાતોમાં
ટાઢી થયેલી માટીમાંથી
બનાવેલું માટલું છે આ.”
કુંભાર કહી રહ્યો છે,
“કોઠે ટાઢક ન વળે તો કહેજો.”
હું વિચારું છું,
ઠંડી, લાંબી રાતોમાં બહાર પડી રહેલી
એ એકલવાયી ઉદાસ માટીનું પાણી
મને શું શાતા આપી શકશે?
આ બપોર આવી તે કેવી
કે હું આમ બેસી રહું છું
પવનની એક લહેરખી માટે?
થાય છે કે ઊતરી જઉં જમીનમાં ઊંડેઊંડે
અળશિયાની માફક,
ને શોષી લઉં માટીની બધી જ ભીનાશ.
આ તરસ કંઈ નવી નથી.
આખરે તો શરીરને જરૂર પડે છે પાણીની
અને માટીને પણ જરૂર હોય છે, શરીરની.
દર ઉનાળે,
હું આમ જ દેહત્યાગ કરું છું અળશિયા રૂપે
અને ઊગી નીકળું છું ફરી,
તરસ્યા છોડવા રૂપે.