પશ્યન્તી/નિવેદન /અર્પણ

Revision as of 12:40, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs)


નિવેદન /અર્પણ

સુરેશ જોષી

પ્રિય ગીતાબહેન,

અપ્રગટ નિબન્ધોનો સંગ્રહ છાપો છો જાણી આનન્દ કોને ન થાય? જે લેખનનો આસ્વાદ માણી શકે તે સૌને આનન્દનો અધિકાર છે. એમને તો જીવનનું સાર્થક્ય, જીવનનો આનન્દ – આનન્દ તો દ્વન્દ્વાતીત શબ્દ છે, એનો કોઈ પર્યાય નથી – બ્રહ્મસ્વરૂપ જેવો આનન્દ લેખનમાં ને સાહિત્યની પ્રવૃત્તિમાં હતો. એક વાર મેં કહ્યું, હવે આપણને પાંસઠ થયાં, રામકૃષ્ણ પરમહંસનું કાર્ય જલદી કરી દઈએ, કેટલો વખત છે પ્રભુ જાણે! ત્યારે કહે કે, હજી આપણે દશ વર્ષ તો જીવીશું, કેટલું બધું કામ કરવાનું છે, નવું નવું આવ્યે જાય છે – આનન્દ, જીવનની પરાકાષ્ઠા એમાં માણીશું. પ્રભુને જે યોગ્ય લાગ્યું તે! પુસ્તક પ્રકાશિત થતાં અક્ષરદેહે એમનું સ્વાગત કે આતિથ્ય માણીશું. એક વાર કહે, શંકરાચાર્ય આપણી સંસ્કૃતિનો ચમત્કાર જ છે, કેવી અદ્ભુત અલૌકિક શક્તિના પારાવાર હતા! મેં કહ્યું, પ્રભુએ આટલું બધું આપીને આટલા વહેલા કેમ બોલાવી લીધા? સંસારના લાભાર્થે પણ થોડું કામ કરવા દેવું હતું ને! એટલે કહે, કરેલું કંઈ ઓછું નથી, આપણાથી એટલું વાંચીને સમજાતું કે જીવનમાં ઉતારાતું નથી, પછી બીજા પણ કંઈ કરે ને? મેં કહ્યું, એથી શું? પ્રભુના ઐશ્વર્યની કોઈ સીમા નથી. શંકરાચાર્ય ભલે સામાન્ય માનવી માટે નહોતા, પણ ‘વિપુલા ચ પૃથ્વી, બહુરત્ના વસુન્ધરા’માં કેટલાયે સમૃદ્ધ થતે? પછી કહે કે, ભગવાન વધારે સમજે ને, જે એને ઉચિત લાગ્યું તે, શંકરાચાર્યનું મૂલ્ય એથી કંઈ ઓછું થાય છે? એના અણુએ અણુમાં વિરાટ દર્શન પામનારા કેટલાય વિરલા હશે, આપણે સૌને પ્રણામ કરીએ.

પુસ્તક પ્રગટ કરવાની વાત કરી એથી આટલું યાદ આવ્યું. અર્પણ માટે પૂછ્યું છે, મારી ઇચ્છા છે કે પૌત્રો-પૌત્રી-દૌહિત્ર-દૌહિત્રીને પુસ્તક અર્પણ થાય. એ લોકો દાદાની મહત્તા વાગોળ્યા કરે છે. તેમાં એમનું નામ સાથે જુએ તો રાજી થાય. કોઈ વાર અમે કહેતા કે પેટ બહુ મોટું થયું છે, થોડું ઉતારો. તો કહેતા કે એ તો પોરિયાં માટે રમવા રાખ્યું છે, એની પર કૂદવાની ત્યારે જ મજા આવે ને, નહીં તો દાદાજી સાથે હસવા-રમવાની મજા કેવી રીતે આવે? તમે તબિયત સંભાળો. ઘણું કામ કરવાનું છે. – લિ. ઉષાનાં પ્રેમભર્યાં સ્મરણ

પૌત્રી સંવિત્તિ, પૌત્રો જનાન્તિક, જિગીષુ, પ્રત્યૂષ,

દૌહિત્ર ઇપ્સિત, દૌહિત્રી ક્ષિપ્રાને….

તનથી, મનથી આનન્દની લ્હાણ કરી હોત એ આજે સ્મરણમાં,

શબ્દબ્રહ્મના આવિષ્કારમાં પામો એવી અભિલાષા