શહેરના જાહેરમાર્ગ પરથી પસાર થતાં
વાહનોના અને આમ આદમીઓના
ઘોંઘાટ વચ્ચે,
જમીનમાં દટાયેલા ટેલિફોનના દોરડાઓમાંથી
પસાર થઈ રહેલા
તારા મૃદુ સ્વરોને હું સાંભળું છું.
તારા અવાજની ધ્રુજારી
મારા પગને આગળ વધતા રોકી રહી છે.
તારા સ્વરો મને કંપનોની દુનિયામાં લઈ જાય છે.
જ્યાં એક વૃદ્ધ રહે છે.
એક વૃદ્ધ, જેના હાથનાં આંગળાં
ગૂંચવાઈ ગયાં છે અશક્તિને લીધે.
એક વૃદ્ધ, જે રિસિવરને બરાબર
પકડી નથી શકતો.
તારો અવાજ, એ વૃદ્ધના કાનના
જર્જરિત પડદાઓ પર ઝિલાયા વિના જ
ટેલિફોનના દોરડાઓમાં અટવાતો.
અસંખ્ય લોકોના પગ તળે કચડાઈ રહ્યો છે.
જો તું કોઈ ટેલિફ્રેન્ડ હોય તો મને મળ.
તારા માદક અવાજની મને જરૂર છે.