સ્વર્ગમાં ઊગતાં ફૂલોનાં મૂળ.
જમીનમાં ખૂંપેલાં નથી હોતાં.
મારાં સપનાંઓને કોણ પૂરાં પાડે છે
ખાતર અને પાણી?
એ ફૂલોના છદ્મવેશી રંગો
ભૂલ્યા ભુલાતા નથી.
લાલ રંગમાં થોડો સફેદ રંગ હું ભેળવું છું.
પણ ગુલાબીને બદલે
કૅનવાસ પર ઊપસી આવે છે, બ્લ્યુ રંગ.
કોરાધાકોર આકાશ જેવો.
આવું કેમ એ હજી સમજાય તે પહેલાં તો.
એ આકાશમાં રાત પડી જાય છે.
સફેદ રાતોમાં કાળા રંગના હંસોનું ટોળું
તરતું રહે છે.
બસ, આમ જ ઢોળાઈ જાય છે, રંગો
મારા હાથે, કૅનવાસ પર.
રાત સફેદ હોય તેથી શું?
હંસ કાળા હોય તેથી શું?
અર્થ રંગને છે કે હંસને?
અર્થ વગરના હંસ,
છબછબિયાં કરી રહ્યા છે, સરોવરમાં,
અર્થ વગરના રંગ,
ડૂબી ગયા છે, સરોવરમાં,
એ સરોવરમાં ફરી ખીલ્યાં છે, કમળ.
હું ચીતરી રહી છું, કમળ
સફેદ ગુલાબી, પીળાં અને કાળાં કમળ.