સમુદ્રને સકંજામાં લઈ લેવા માંગતા
ઓક્ટોપસની નજરે તું મને જુએ છે
અને હું તારી આંખોમાં
માછલી બનીને રહેવા તૈયાર થઇ જઉં છું.
તું કહે છે કે મારા શરીરમાં માછલીના કાંટા નથી.
હું કહું છું કે તારી આંખોમાં સમુદ્રની ખારાશ નથી.
અને ફરી એક વાર,
અગાધ સમુદ્રમાં આપણે ખોવાઈ જઈએ છીએ.
જો, હું પાછી આવી છું.
રંગબેરંગી, કાંટાળી માછલી બનીને તરી રહી છું.
પણ તારી નજર મારા પર નથી.
તું હવે મરજીવો બનીને
શોધે છે, માત્ર સાચાં મોતીને.
અને ફરી એક વાર,
અગાધ સમુદ્રમાં આપણે ખોવાઈ જઈએ છીએ.
હવે તેં છીપની જેમ
આંખો મીંચી દીધી છે,
અને હું તારી આંખોમાં
મોતી બનીને પાકવા તૈયાર થઈ જઉં છું.
સમુદ્રને જોઈ ન શકતા પણ સાંભળતાં રહેતા
અંધની જેમ આપણે એકમેકમાં ઊછરીએ છીએ,
અને ફરી એક વાર
અગાધ સમુદ્રમાં આપણે ખોવાઈ જઈએ છીએ.