દરિયા પર દોડતા અશ્વનો
તબડક તબડક અવાજ
એ આખી રાત મને સંભળાતો રહ્યો.
સવારે જોયું તો
દરિયાની ભીની રેતી પર ઊઠી આવતા
તેના ડાબલાનાં નિશાન ક્યાંય દેખાયાં નહીં.
જળચરોના મડદાં વચ્ચે
એક અજાણ્યું શરીર અશ્વનું
પડયું હશે ક્યાંક દરિયામાં હવે.
અકરાંતિયો અશ્વ
પેટ ફાટી જાય તેટલું પાણી પીધા કરશે
એને ખબર નથી કે
જળઘોડો બનીને કેમ જીવાય.
તેની ફાટી આંખોએ હું
ઉલેચી રહી છું દરિયાને.
દરિયાનાં તળ આટલાં નજીક હશે.
તેવું નહોતું ધાર્યું.