રે પ્રીત, તું તો સુરલોકની સુધા,
મેં એમ માની તવ એક બિન્દુ
પીધું, થઈ તૃપ્તિ ન, કિન્તુ રે ક્ષુધા
જાગી, જલ્યો કો વડવાગ્નિ સિન્ધુ!
રે પ્રીત, તું તો વનરમ્યકુંજ,
મેં એમ માની કીધ જ્યાં પ્રવેશ,
રે ત્યાં દીઠો ચોગમ ભસ્મપુંજ,
એ રાખથી તો મુજ મ્લાન વેશ!
રે પ્રીત, તું પુષ્પિત કો વસંત,
માની લઈ હું તવ સ્પર્શ માગી
આવ્યો કશી આશભર્યો હસંત
ત્યાં ઝાળ શી પાનખરોની લાગી!
રે પ્રીત, તું જીવન દિવ્ય દેશે
માની લઈ મેં તવ પાસ મેલી
સૌ વાસનાને, પણ મૃત્યુવેશે
તેં તો અહો, શી અળગી ધકેલી!
રે પ્રીત, ભર્તૃહરિના ફલમાં તું મૂર્ત!
રે ધિક્ તને, છલમયી! છટ, હા, તું ધૂર્ત!
૧૯૪૬