અસીમ અંધારની અરવ બીના
પરે તારકોનો મહાછંદ પ્રગટે નિશા,
એહનો લલિતલય લૈ, હવાની હિના
મંદ છલકાવતી, મુગ્ધ થૈ સૌ દિશા!
જેહની મત્ત મધુગંધથી મ્હેકતો
પ્રાણ શો સ્પર્શના સુખથકી બ્હેકતો!
નેત્રમાં ઘેનનાં અંજનો કોણ આંજી ગયું?
રોમરોમે કશું અંગ રાજી થયું!
એ પ્રભાતે જ પ્રિયનેત્રની ઝલકમાં
મૂક ઇંગિતનું ઇજન વાંચી લીધું,
ને અરે, પલકમાં
પ્રિયતણાં અંગઅંગે
અહો, એની અંગુલિએ એવું નાચી લીધું
કે જડ્યા પ્રાણ જ્યાં ગાઢ આશ્લેષમાં પ્રાણ સંગે,
અહો, એ જ ક્ષણથી હવાની હિના ને નિશા
ને હતી મુગ્ધ જે સૌ દિશા,
સકલનું સ્મરણ શું ભિન્ન જેવું થયું!
ને અહો, એ જ આશ્લેષમાં,
માદ્રીના વેષમાં,
મૃત્યુનું ગુપ્ત ગુંઠન કશું છિન્ન જેવું થયું!
૧૯૪૮