પહેલી આવૃત્તિ
ડિસેમ્બર 1953
કિંમત ૫ાા રૂપિયા
(સર્વ હક્ક લેખકને સ્વાધીન)
પ્રકાશક
તારાચંદ માણેકચંદ રવાણી
રવાણી પ્રકાશન ગૃહ
રિલીફ રોડ, અમદાવાદ
મુદ્રક
કિશનસિંહ ચાવડા
ચેતના પ્રેસ લિમિટેડ
નવાબજાર, વડોદરા
અર્પણ
મારાં બાળકોને
Point out the ‘Way’ however dimly, and lost among the host as does the evening star to those who tread their path in darkness.THE VOICE OF SILENCE
1947ની સાલ. ‘સંસ્કૃતિ’નો પહેલો અંક પ્રસિદ્ધ થઈ ગયો હતો. એક રાતે ભાઈ ઉમાશંકર, સ્નેહરશ્મિ અને અમે અલકમલકની વાતો કરતા હતા. વાતવાતમાં મારાથી એક પ્રસંગ કહેવાઈ ગયો. એના ઉપર હાસ્યવિનોદ થયો. એમાંથી હૂંફ મળી. બીજી વાતો નીકળી. ઉમાશંકરે આવા પ્રસંગો લખવાનો આગ્રહ કર્યો. સારા લખાશે તો ‘સંસ્કૃતિ’માં છાપવાની હામી આપી. પરંતુ એમ ઝટ માંહ્યલો માને નહીં. ‘સંસ્કૃતિ’ને કારણે ઉમાશંકરની આત્માયતા બધી ગઈ. એમાંથી મારી શ્રદ્ધાએ બળ મેળવ્યું. બેત્રણ પ્રસંગો લખી તો નાંખ્યા, પણ એ ઉમાશંકરની કસોટીમાં પાર ઊતરશે કે નહીં તેની બીક હતી. દરેક મહિનાની શરૂઆતમાં એઓ ‘સંસ્કૃતિ’ની આખરી રચના માટે અહીં આવે. એક વખત સંકોચપૂર્વક એ લખાણ એમને બતાવ્યું. વિધિનું કરવું કે એમને ગમ્યું. પણ મને સાચા નામે પ્રસિદ્ધ કરવાનો વસવસો થયો. વાચકોને, મિત્રોને આ લખાણ કેવું લાગશે તેની આશંકા હતી. એટલે મારી રખડુ વૃત્તિએ ‘જિપ્સી’ નામ સ્વીકાર્યું. ‘જિપ્સીની આંખે’ એ પ્રસંગાવલિ આ રીતે પ્રકાશ પામી.
જેમ જેમ આ લખાણ પ્રસિદ્ધ થતું ગયું તેમ તેમ એના વાંચકો તરફથી સમભાવની ઉષ્મા મળતી ગઈ. આગળ લખવાની શ્રદ્ધા એથી વધુ દ્રઢ થઈ. પણ એમાંથી એક બીજું કૌતુક થયું. અંદરની ધરતી પર નવું કુરુક્ષેત્ર મંડાયું. સંઘર્ષ જાગ્યો. એ ધરતીને ખૂણેથી આત્મશુદ્ધિનું ઝરણું ફૂટવા મથી રહ્યું હતું. હું એને નીકળતાં રોકવાનો પ્રયત્ન કરી રહ્યો. ત્યારે જ મને અનુભવ થયો કે આદમીની અંદર બે જણ વસે છે: સુંદર અને અસુંદર. આને વિષે શંકા તો ઘણા વખત પહેલાં ગઈ હતી. પરંતુ ઉપાસના વગર અનુભૂતિ ક્યાંથી મળે! એ મથામણમાં આ લખાણોએ મિત્રની જેમ મદદ કરી છે ને હાથ ઝાલ્યો છે. મારામાં ‘જિપ્સી’ જન્મ્યો ના હોત તો જીવનની જરા જેટલીય શ્રી જોવાનું મારું ગજું નહોતું. એટલે એને જીવાડવા-જીરવવા નિષ્ઠાથી પ્રયત્નશીલ રહીશ.
પ્રસંગો તો જીવનમાં બનેલા પડ્યા હતા અઘોરીની જેમ. ક્યારેક કોઈ કાવ્યસત (Poetic Truth) સ્ફુરે ને એની આંગળી ઝાલીને એ પ્રસંગ ઊભો થઈ જાય. બસ આમ બનવા પામ્યું છે. અનુભૂતિ એની ભોં છે. આકૃતિ ઘડતી વખતે કલ્પનાની છૂટછાટ મેં લીધી છે. રંગોની મેળવણી કરી છે. કલમ વાપરતાં ન આવડી હોય તો એમાં અશક્તિ મારી છે. આ લખાણો શરૂ કરતી વખતે આનંદ જ કારણ હતું. લખતાં લખતાં આનંદ અને અંતરાત્માની અનુકંપા એમ બેવડો લાભ મળ્યો છે. વાંચકોને એ વાંચતાં એકલો આનંદ મળશે તોય ધન્ય થઈશ.
‘અમાસના તારા’ નામ પણ ‘જિપ્સી’ની રીતે આવી મળ્યું છે. મૂળ તો શ્રી ધનસુખલાલ મહેતાએ ભાઈ ગુલાબદાસ બ્રોકરની સત્યકથાઓ માટે સૂચવ્યું હતું. ગુલાબદાસે પછી એનું નામ ‘પુણ્ય પરવાર્યું નથી’ રાખ્યું. આ નામ સાંભળ્યું ત્યારથી ગમી ગયું હતું. ‘જિપ્સીની આંખે’ પ્રસિદ્ધ કરવાની વેળા આવી ત્યારે એ નામ આ સંગ્રહની બંધ બેસી ગયું. એક રીતે આ નામ જ આ લખાણના ગુણઅવગુણ, શક્તિઅશક્તિનું નિદર્શન છે. કોઈનું તેજ વધારે, કોઈનું ઓછું. કોઈનું એટલું ઓછું કે દેખાય પણ નહીં. કોઈનો વળી ઝબકારો જ થાય. પરંતુ એ દરેકે દરેક જીવનના અંધકારને વીંધીને નવજીવનની કેડી ભણી આંગળી ચીંધવાનું કાર્ય જરૂર કર્યું છે.
મિત્રોનાં માયાપ્રીતિ આ લખાણ તરફ સર્વદા રહ્યાં છે. વાંચકોનો સમભાવ તો આ લખાણ પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવાની હિંમત આપે છે. ઘણાં વાંચકોએ પત્રો લખીને આ સાહસમાં ઉત્જેન આપ્યા જ કર્યું છે. ભાઈશ્રી ઉમાશંકર જોષી, વિષ્ણુભાઈ ત્રિવેદી, સ્વામી આનંદ, મનસુખલાલ ઝવેરી અને ગુલાબદાસ બ્રોકર એ સૌ મિત્રોએ પોતાનો હેતભાવ શબ્દરૂપે પ્રગટ કરીને આ પુસ્તકને ગૌરવ આપ્યું છે એ ઋણ મને ઓશિંગણ બનાવે છે.
ભાઈ તારાચંદ રવાણીનો આ પુસ્તક પ્રસિદ્ધ કરવા અને અને એમાં સ્વજન જેવો રસ દેખાડવા માટે આભાર માનું છું.
કિશનસિંહ ચાવડા
10-12-’53 8, અલકાપુરી, વડોદરા
બેન્ગ્લોર સાયન્સ કોંગ્રેસમાંથી આગ્રા જતાં રસ્તેથી આપણા વયોવૃદ્ધ સાક્ષર ડો. કાન્તિલાલ પંડ્યાએ એક કાગળ મને લખેલો: હમણાં ‘પ્રજાબંધુ’માં ‘સંસ્કૃતિ’માંથી ઉદ્ધૃત કરેલું સ્વ. ફૈયાઝખાં ઉપરનું લખાણ જોયું. સંગીત વિષે એટલી જાણકારીથી ગુજરાતી ભાષામાં આવું વર્ણન કરી શકે એવું કોઈ જ ખ્યાલમાં આવતું નથી. આ ‘જિપ્સી’ છે કોણ?
‘સંસ્કૃતિ’માં ‘જિપ્સીની આંખે’ના મથાળા હેઠળ આવતી પ્રસંગમાળા અંગે મને ઠીકઠીક કાગળો મળ્યા હશે, દૂર કચ્છથી, મદ્રાસથી, કલકત્તાથી પણ. રૂબરૂ પણ કહેનારા મળે: અમારાં માજી છે તે ‘સંસ્કૃતિ’ આવે કે ચશ્માં ઠીકઠાક કરીને પહેલાં તો ‘જિપ્સી’ વાંચી જાય. સાહિત્યરસિકો અને સેવકોને મોઢે પણ આવો એકરાર સાંભળ્યો છે. ‘સંસ્કૃતિ’માંથી આ ‘જિપ્સીની આંખે’ના પ્રસંગો ગુજરાતનાં તેમ જ અન્ય ભાષાનાં પત્રોમાં ઉતારાયા છે. જિપ્સીની અપીલનો એક નોંધપાત્ર દાખલો સુરત લેખક-મિલનમાં મુંબઈના ગ્રંથાગાર(પ્રવર્તક પુસ્તકાલય)વાળા શ્રી રસિક ઝવેરીએ આપ્યો હતો: નળબજાર-ભીંડીબજાર તરફ કામ કરતા એક શ્રમિણને એકે પુસ્તક ગમતું ન હતું. લઈ જાય ને મોં બગાડીને બધાં પાછાં આપે. કંટાળીને એનો કાંટો કાઢવા પોતે એને ‘ભારેખમ’ સંસ્કૃતિની ફાઈલ આપી. થોડા દિવસ પછી પેલા ભાઈ આવીને રાહ જોતા બેઠેલા. કૂદીને બૂમ પાડી ઊઠ્યા. ખૂલી ગયું! ખૂલી ગયું!! શું ખૂલી ગયું તો કહે આમાંથી જિપ્સી વાંચીને દિલ ખૂલી ગયું.
જિપ્સી કોણ છે એના શરૂઆતમાં ઘણા તર્ક થયેલા. શાંતિનિકેતનનું કાંઈક આવું એટલે શ્રી. નગીનદાસ પારખ હશે એવો તર્ક થયો. સંગીતનું અને પોંડિચેરીનું થોડુંક આવ્યું એટલે શ્રી. દિલીપકુમાર રોયનું લખાણ હશે એમ પણ મનાયું! કોઈ કોઈએ તંત્રીને પણ ટોપી પહેરાવી દીધી (-જો કે એ રખડુને છેક જિપ્સીની કોટિમાં મૂકી ન શકાય). યુરોપ, આફ્રિકા, અમેરિકા, ચારે ખંડની જાતઅનુભવની વાતો આવે. એવો વિવિધ અનુભવ-વખારી ગુજરાતી ‘લેખક’ શોધવો એ જરીક મુશ્કેલ તો ખરું જ. પણ રાજામહારાજાઓની હવે ઇતિહાસમાં વિલીન થઈ રહેલી વણઝારની ઝીણી જાણકારીપૂર્વક પ્રસંગોએ છેવટે જિપ્સી તે શ્રી કિશનસિંહ ચાવડા છે તે છતું કરી દેવામાં મદદ કરી.
‘અમાસના તારા’ એ જિપ્સીની કૃતિ છે. જિપ્સી એટલે પ્રાણશક્તિના ઉદ્રેકવાળો બહિર્મુખ ફરંદો માણસ. પણ જિપ્સીઓને માત્ર બહિર્મુખ લેખવામાં કદાચ અન્યાય થશે. બાહ્ય જગતમાં ખોવાઈ જતા દેખાતા માણસો ક્યારેક ભીતરની સૃષ્ટિને શોધી રહેલા અંતર્મુખ યાત્રીઓ પણ હોય છે. એ વાતનો અણસારો આ ‘અમાસના તારા’ જરૂર આપશે.
પહેલી છાપ વિવિધતાની પડે એ સ્વાભાવિક છે. ચોખંડ (ખરે જ, ઓસ્ટ્રેલિયા સિવાયના ચાર ખંડની) ધરતીના અનુભવોની વાતો આમાં સંગ્રહાઈ છે. આ 76 પ્રસંગોના પાંચ બહોળા વિભાગો પાડી શકાય : 1. કુટુંબકથાઓ, 2. લાક્ષણિક પાત્રો, 3. સંગીત-અનુભવો, 4. જીવનસમીક્ષક પ્રસંગો અને 5. જીવનમાંગલ્યના કાવ્યને વ્યક્ત કરતી મર્મકથાઓ.
‘પહેલે મન કો મૂંડો, ફિર આતમ કો ઢૂંઢો’–ગાનારા ગોવિંદસિંહ ચાવડા ભક્ત ગૃહસ્થ હતા. એમના વ્યક્તિત્વનો તાપ મહાકોરને માકલી કહી બેસનારી બાને જીવનભર જીરવવાનો છે. પણ સામેથી દીક્ષા લેવાના પ્રસંગે ‘બા’ની નિ:સ્વાર્થ મામિર્ક સલાહને વશ થતાં પણ ગોવંદિસિંહજીને આવડે છે. કુટુમ્બીઓમાં પિતા, બહેન, ફોઈ આદિનાં પાત્ર પોતપોતાની રીતે આકર્ષક છે, પણ ‘બા’–મંગલસૂત્રને સાટે દીકરા માટે સાઇકલની ત્રેવડ કરનાર ‘બા’–ની મૂર્તિ અવિસ્મરણીય નીવડે એવી છે.
ભાતભાતનાં ને જાતજાતનાં લાક્ષણિક પાત્રો આ પુસ્તકમાં મળશે. ગંગાના ઘાટ પર મદારીના નાગને નાદમુગ્ધ કરી દેનાર પખવાજવાદક અજાણ્યો સાધુ, માતૃત્વ વર્ષાવતી અમરિકી મહિલા, કે ‘Alone’ (એકાકી)ની સુરાવલિથી કદરદાનીભર્યું સ્વાગત કરતી તરુણ આંગ્લ માતા, માપબંધીના યુગમાં અત્તરવાળાને કેરોસીન લઈ આવવા કહેનાર પુસ્તકશોખીન મુસ્તફા અલી કે મરીન ડ્રાઇવ ઉપર લોકઠઠ વચ્ચે પણ ગીત ગુંજતા ને ચપટીના તાલદેતા બેરિસ્ટર ઝાબવાલા, ટુવાલ જમીન પર બિછાવી એ તખ્ત ઉપરથી સામાની સલામ ઝીલતા દિલ્હીની શહેનશાહતના છેલ્લા અવશેષ, વનરાજના શબમાં બહાદુરીથી ગોળીઓ ધરબી દેતા ગોરા સાહેબો, સિંહને ભાલાથી વીંધીને લગ્નનો અધિકાર મેળવતો મુસાઈ જુવાન, ‘ગાડીને જવું હોય તો જાય, હું મારી ચાલ નહિ બગાડું’ કહેતા દરબાર, રેંકડી પર પ્રિયતમાને અસવારી કરાવતો સાથી, ‘એ ચીજ’ બ. ક. ઠા., ફક્કડચાચા, નન્નુમીઆં, અફલાતૂન, કૃષ્ણાપ્પા, લાડલીના રઘુરાજસિંહજી, હાજી વજીરમહંમદ, –મનુષ્યજાતિની મનભર વિવિધતાનો ઇશારો આપવા માટે આવી પાત્રમાળા પૂરતી ગણાય.
સંગીતાસ્વાદનના અનુભવોનું આલેખન આ પુસ્તકનું એક અગત્યનું અંગ છે. ચિત્રકલાના આસ્વાદન અંગે થોડુંઘણું લખાય છે. એ જ રીતે સંગીત વિષે પણ ઊંડી સમજદારીપૂર્વક તે તે અનુભવોને ફરી જીવી રહ્યા હોઈએ એ રીતનું વર્ણન થવું જોઈએ. સંગીત, નૃત્ય, ચિત્ર આદી લલિતકલાઓનો પોતે સંવેદેલો સંસ્પર્શ કર્તા સુભગ રીતે શબ્દબદ્ધ કરી શકે છે. સ્વ. ફૈયાઝખાં કે નન્નુ-ઉસ્તાદના સંગીતના વર્ણનમાં એ જોઈ શકાશે.
જીવનને સમીક્ષકની દૃષ્ટિએ જોતાં જે વિસંવાદી ચિત્રો જોવા મળે છે તે કર્તાએ પીંછીના હળવા લહેકાથી અને સમતુલાથી રજૂ કર્યાં છે. આરતીના પૈસામાંથી થતી ચોરી, દીવા માટે ખોરું ઘી બાળતો વણિક, ફ્રી-મૅસન જેવી સંસ્થામાં દાનની પેટીમાંથી નીકળતા ખોટા સિક્કા, વાચકને આવી વીગતો જુદી જ રીતે જીવનને જોવા પ્રેરે એવી છે. દેશમાં પાછા ફરતા ભાવુકને કોઈ અનુભવી ખાદી બદલાની સલાહ આપે છે એ કેવી સણસણતી છે! અત્યારની સ્થિતિ સામેનો પુણ્યપ્રકોપ ‘સ્વરાજ મળ્યું છે તે મરદ હો તો જાળવજો’ એવા એક પાવૈયાના પડકાર દ્વારા પ્રગટ કરીને સમકાલીન પરિસ્થિતિની હાસ્યજનકતા તેમ જ કરુણ બંને એકી સાથે કર્તાએ નિર્દેશ્યાં છે. આ વિસંવાદિતામાંથી ક્યારેક લેખક જોડિયાં દૃશ્યો રજૂ કરી, એક આંખ કુત્સિત દૃશ્ય પર અને બીજી મંગલ પર ઠેરવી, સંવાદિતાના સમ ઉપર પોતાના હૃદયગુંજનને લાવવા મથે છે. ‘અજવાળામાં અને અંધારામાં’, ‘અલ્પતા અને મહત્તા’, ‘હિંદી અને અંગ્રેજ’ અને ખાસ તો ‘જીવનનું કાવ્ય’ જેવા પ્રસંગો આ જાતના છે. પુસ્તકમાં હાસ્ય પણ છે, તે આ વિભાગની કૃતિઓમાં છે. મહારાજાના ‘અનિવાર્ય અસબાબ’માં ધોવાનો પત્થર પણ હોય, વાઈસરોય જે શેરનો શિકાર કરે તેનું માપ લેનારી પટ્ટીમાં પહેલો ફૂટ કાપી લીધેલો જ હોય, જેથી વધુ માપ આવે, — આ પ્રસંગોને પોતાને જ લેખક અંતર્ગત હાસ્ય ખુલ્લું કરવા દે છે, કાંઈ વિવેચન કરવા રોકાતા નથી.
આખા પુસ્તકના મર્મભાગ જેવું જૂથ છે જીવનમાંગલ્યના પ્રસંગોનું, જીવનનું કાવ્ય પ્રગટ કરનાર કણ્યાક પ્રસંગોનું. જીવનની અંતિમ કલ્યાણમયતાની હવા આમ તો લગભગ આખા પુસ્તકમાં ફેલાયેલી છે, પણ ઇટાલિયન કેદીમજૂરોએ બાંધેલા દેવળની કથની ‘હૃદયધર્મનો પ્રસાદ’ અને ‘ગાંધીજીના પુણ્ય પ્રતાપે’ જેવા પ્રસંગો એની સવિશેષ પ્રતીતિ કરાવે છે.
એક પુસ્તક માટે અને એક લેખક માટે આ સારી એવી વિવિધતા ગણાય. વાંચનારને પ્રશ્ન થશે: આ બધું સાચું હશે? એક માણસને આવી જાતના વિવિધ અનુભવો થયા હશે?
લેખકના આ બધા જ જાતઅનુભવો હોય તો પણ એને માટે આપણને આશ્ચર્યભાવ થાય છે, અને જો એમણે કલ્પ્યા હોય તો એમની અમોઘ કલ્પનાશક્તિ માટે આદર થાય એવું છે. પણ આ બંને રીતે જોવાની જરૂર નથી. સંસ્મરણો કોઈ વિશિષ્ટ જનનાં હોય તો તેની કિંમત હોય છે. અમુક લખાણ સંસ્મરણાત્મક છે કે સત્યકથા છે એટલા ખાતર આપોઆપ કિંમતી બનતું નથી. એમાં જીવનનો કોઈ મર્મ છે? જીવનના એકાદ સૌન્દર્યકિરણને પણ એ સાકાર કરે છે?–આ મુખ્ય પ્રશ્ન તો છે. (વિશિષ્ટ જનનાં સંસ્મરણો કે આત્મકથાત્મક લખાણો એ પોતે જે સત્યને સાકાર કરતા હોય છે તેના અનુસંધાનમાં આપોઆપ અર્થગર્ભની જતાં હોય છે.)
નિવેદનમાં લેખકે સાચું જ કહ્યું છે કે પોતે હકીકત સાથે ક્યાંક છૂટ લીધી છે અને Poetic Truth-કાવ્યગત સત્ય-ને વશ વર્તીને રચના કરી છે.
કેટલાકની વાતચીતમાં આપણે જોઈએ છીએ કે આજે એક પ્રસંગ એ કહે અને છ મહિના પછી એ જ પ્રસંગ કહે તો એમાં કોઈવાર ફેર પણ પડી જાય. કેટલાક માણસો વાતચીતના પણ કળાકાર હોય છે. વાણી દ્વારા કોઈક સત્યાંશને એ આકાર આપી રહ્યા હોય છે. ગઈ વખતે અમુક પાસું ખીલવી અમુક સત્યાંશને પ્રગટકરવા મથ્યા હોય, અત્યારે બીજી રીતે ‘બેલ્જિયન કટ’ મૂકી બીજો પહેલુ પાડે અને વધુ ઇષ્ટ સત્યકિરણને પ્રગટાવવા મથે. પ્રસંગકથનમાં સત્યના સૌન્દર્યની શોધ અંગેની એમની મથામણ હોય છે. આવાઓની સ્મૃતિ પ્રસંગને યથાર્થ રૂપેજાળવવા કે રજૂ કરવામાં રાચવાને બદલે સત્યસૌન્દર્યની માગણી પ્રમાણે એ પ્રસંગોને જોનારી ને નિરૂપનારી હોય છે. આવી સ્મૃતિને એક યુરોપીય કવિચિંતકે Creative Memory–સર્જક સ્મૃતિ–નું નામ આપ્યું છે. અલબત્ત, વિજ્ઞાન, જીવનચરિત, આદિમાં એ ન જ ચાલે; લલિત સાહિત્યમાં, કલાપ્રવૃત્તિમાં જ સર્જક સ્મૃતિનો વિલાસ.
શ્રી ચાવડાની સર્જક સ્મૃતિની આ કૃતિઓ જેટલે અંશે માનવજીવનના કોઈ ને કોઈ રહસ્યસૌન્દર્યને સાકાર કરી શકતી હશે એટલે અંશે જ સાહિત્ય તરીકે આસ્વાદ્ય બનશે. એકંદરે એવા સૌન્દર્યની શોધ સિવાય એમની કલમ પ્રવૃત્તિ થતી નથી. નર્યા વર્ણનના કે રહસ્યશોધમાં નિષ્ફળતા મળ્યાના દાખલા જૂજ હશે. નર્યા વર્ણનમાં ક્યારેક માનવભાવ દાખલ કરીને એને એ કેટલું સજીવ કરે છે તે ‘માતૃત્વ’માં જોઈ શકાય છે.
સત્યઘટનાના પાસારૂપે કોઈ અરુચિકર અંશો કોઈને દેખાય તો તે મહાજનો સાથેના નિકટ સંપર્કની કે અનિચ્છાએ પણ ક્યારેક રાજા તરીકે ખપવાની કે અવારનવાર કોઈને ને કોઈને બે પૈસાની મદદ કર્યાની વીગતો આવે છે તે અંગેના હશે. પણ સ્વાનુભવાત્મક લખાણનો કદાચ એ નિર્વાહ્ય દોષ લેખાશે.
‘અમાસના તારા’નું ગદ્ય આસ્વાદ્ય નીવડ્યા વિના નહિ રહે. વાર્તા કે નિબંધમાં શ્રી ચાવડાનું ગદ્ય ક્યારેક પ્રસ્તાર અને પલ્વનનો શોખ દાખવતું. પણ આ જિપ્સીનો પ્રસંગમાળાનો પ્રકાર જ એવો છે કે એમને દોર ઉપર રહેવું પડે. સાચે જ આ પ્રસંગમાળાએ કર્તાના ગદ્યને સુગ્રથિત કર્યું છે અને એમની ખુશબોભરી શૈલીને પૂરી તક આપી છે. કર્તાના હૃદયમાં રૂંધાઈ રહેલું કાવ્ય અહીં ક્યારેક મોકળાશથી પ્રગટ થઈ શકે છે. હીંચકાનુ વર્ણન કે આત્મવિલોપનના ઉત્સવનું નિરૂપણ, સિતારી નન્નુઉત્સાહની વાદનકળાનું આલેખન કે મલ્હારનાં ચાર સ્વરૂપોનું શબ્દાંકન, કાવ્યઘૂંટેલી ગદ્યશૈલીનો પરિચય કરાવે છે. ‘સંગીતની સરહદોનો સૂબો તંબુરો’, ‘આદમિયતની સુગંધ’, ‘જીવનનું અત્તર’, ‘ભણતરનો અંધાપો’ જેવી ઉપમાઓ કે શબ્દાવલિ ‘અમાસના તારા’નું એક નોંધપાત્ર લક્ષણ છે. દિલ્હી સ્ટેડિયમમાં ‘બળ્યું કુટુંબનિયોજન’ કહેતી માતૃત્વ ઝંખતી માનિનીનું, માત્ર કાનની મદદથી કરેલું, વર્ણન (પૃ. 406) લેખકની ધીટ અનુભવદક્ષતાનો પણ ઠીક પરિચય કરાવે છે.
આવા વિવિધ અનુભવોનું મધુ સંચવાની કિંમત પણ આપવી જ પડી હશે તો! પણ આપણે શું? આપણને અત્તરથી કામ. પાંદડીઓ ઉપર શી વીતી તે એ જાણે. જીવનમાં શબ્દની મદદથી પણ કિંચિત્ સૌન્દર્ય પ્રગટ કરી શકાય તો એ ઓછી કૃતાર્થતા નથી. રોમેં રોલાંએ ક્યાંક કહ્યું છે કે આપણે તો છીએ માટીનો પિંડ, કળા છે તો માંહેથી ફૂટી નીકળતું ડોલતું નમણું ફૂલ.
સ્વાનુભવોને કલાઘાટ આપીને જીવનના સૌન્દર્યને પ્રગટ કરતા ટૂચકા, પ્રસંગો, પાત્રો, કથાઓ રજૂ કરવાના આ જાતના પ્રયત્નો બીજી, ખાસ કરીને વિદેશી, ભાષાઓનાં સાહિત્યમાં જોવા મળે છે. આપણે ત્યાં પણ એવો પ્રયત્નો થવા માંડ્યા છે. પણ પોતાની આંતર અભિવ્યક્તિનું સહજ વાહન હોય એ રીતે શ્રી ચાવડાની જેમ ભાગ્યે જ કોઈ લેખકે એ પ્રકાર મોટા પાયા પર ખેડ્યો હોય. ઝીણી સૌન્દર્યસૂઝને લીધે આ સાહિત્યપ્રકારને કલાની કોટિએ પહોંચાડવાની શક્યતાઓ પણ શ્રી ચાવડાની કલમે ભરપૂર વિકસાવી છે. પરિણામે ગુજરાતને એક મનમાં વસી જાય એવું જીવનની મધુર અને મત્ત ખુશબોભર્યું પુસ્તક મળ્યું છે.
ઉમાશંકર જોષી
ડિસેમ્બર 25, 1953 ‘સંસ્કૃતિ’, અમદાવાદ-1