ઈ. સ. 1935, આસો મહિનો, સુદ ચૌદશ. શાંતિનિકેતનથી અલાહાબાદ, બનારસ અને લખનૌ થઈને આગ્રા આવ્યો હતો. ગૂજરાત વિદ્યાપીઠના જૂના મિત્ર પ્રો. ચન્દ્રભાલ જૌહરીના ભાઈને ત્યાં ઊતર્યો હતો. ચન્દ્રભાલે ઓળખાણ આપેલી કે ભાઈ જૂના ક્રાંતિકારી છે. માણસને ઓળખવાની આંખવાળા છે. અમે મળ્યા, બંનેને આનંદ આવ્યો. ઓળખાણ આગળ વધી. વહાલ ઊગ્યું. મિત્રતા બંધાઈ. અમે રાતદિવસ સાથે જ રહ્યા.
બીજે દિવસે શરદપૂનમ હતી. રાતે તાજમહાલ જોવા જવાનું ઠર્યું. જૌહરીએ કહ્યું કે બાર વાગ્યા સુધી માણસોની ભીડ હોય છે. મધરાત પછી જઈએ. મારા અંતરમાં કુતૂહલ હતું. અપેક્ષા હતી. તાજમહાલ જોઈશું. કેવો હશે? કાવ્ય જેવો અદ્ભુતરમ્ય? સપના જેવો અસ્પષ્ટસુંદર? મેં કલ્પનાને વારી. ચાલ સાક્ષાત્ જ કરીએ. અને તાજમહાલ જોયો! શાહજહાં જેવા બાદશાહી પ્રિયતમનું એ પ્રેમતર્પણ! મુમતાઝની સ્મૃતિનો સુદેહ. ગદ્ય જેવો માણસ પણ પીગળીને કાવ્ય બની જાય એવી પ્રીતિનું પંકજ! માનવીના અંત:કરણનો અબજો વર્ષ જૂનો આર્તનાદ! સ્ત્રીની અભીપ્સાનું પરમ સૌભાગ્ય! ચેતન જેમ પદાર્થમાં વસે છે તેમ આરસમાં વસેલા પ્રેમનું જાણે મૂર્તસ્વરૂપ! એ તાજમહાલ જોયો!
અને આમ જુઓ તો? આરસનો મકબરો! ત્યારે આ સર્વ કાવ્યસૌન્દર્ય શાનું? માનવીના મનની કલ્પનાનું, આદમીના અંત:કરણના સંવેદનનું. કવિતા બહાર નથી, કવિના હૃદયમનમાં છે. હવે કવિ સમજાયો. એના અંતરમાં જ કાવ્યઝરણનું મુખ છે, એ પરખાયું. આવી સાંત્વના લેતો લેતો હું તાજની અગાશી પર આવી ઊભો. મેદની ધીરે ધીરે વીખરાતી હતી. દેખી શકાય એટલે દૂર યમુના વહેતી હતી. આકાશ નિરભ્ર હતું. ચાંદની મન મૂકીને વરસતી હતી. શરદની પૂનમનો એ ચંદ્ર કેટલો મુક્ત અને વહાલસોયો લાગતો હતો! પોતાની પ્રિયતમા શર્વરીને એણે પોતાનામાં સમાવીને જાણે જ્યોત્સના રૂપે પ્રગટ કરી ન હોય એવી એના સ્મિતની સંજ્ઞા હતી. થોડી વાર અનિમેષ નેત્રે એને જોયા કર્યો, બસ જોયા જ કર્યો.
પાછા ફરવાની વેળા હતી. ચાંદનીમાં નાહતું કાવ્યસૌન્દર્ય પાછળ મૂક્યું હતું. અંતરની અનુભૂતિ સાથે હતી. બાગમાં પથ્થરના બનાવેલા રસ્તા ઉપર અડધા ભાગમાં ચલાતું હતું. એક બાજુએ થોડીથોડી વારે સરુનાં ગૂંફિત વૃક્ષો આવતાં અને બીજી બાજુ પાણીભર્યા હોજ. ત્યાં એક સરુનું ઝાડ જીવતું જોયું. એની ઓથે એક સ્ત્રી અને એક પુરુષ બંનેને એકબીજામાં મસ્ત થયેલાં જોયાં. દિવસ અને રાત જેવાં આ બે કાળનાં પ્રતિનિધિઓ એક બનીને જીવન સાક્ષાત્ કરતાં હતાં. શાહજહાં અને મુમતાઝના દેહ ભલે અહીં કબરમાં સૂતા. વ્યક્તિ મરી જાય છે પણ વાતાવરણ જીવે છે.
યુરોપની મુસાફરી કરીને ઇટાલીના જીનોઆ બંદરથી લોઈડ ટ્રીએસ્ટીનોની આગબોટ વિક્ટોરિયા પકડવી હતી. અમે એક દિવસ વહેલા જીઓના પહોંચ્યા. આખું બંદર અને શહેર ફરી વળ્યા. સાંજે પાંચેક વાગ્યા હશે. હું થોમસ કૂકની ઑફિસમાં અમારા સામાનની વ્યવસ્થા કરતો હતો ત્યાં વાતવાતમાં મારાથી બોલાઈ જવાયું કે જીનોઆમાં ખાસ કશું જોવા જેવું નથી. પેલો કૂકનો માણસ મારી આંખમાં આંખ પરોવીને પળવાર જોઈ રહ્યો પછી બોલ્યો: ‘તમે અહીંનું સ્મશાન જોયું?’ મેં ના પાડી. અને એના મુખ પર સ્મિત ફરી વળ્યું. એણે કહ્યું: ‘એ સ્થાન આખી દુનિયામાં મશહૂર છે. કદાચ સમગ્ર વિશ્વમાં એ સર્વથી સુંદર કબ્રસ્તાન છે.’ મને થયું કે એ સ્થળ જોવું હોય તો આ રસિયા જીવને પણ સાથે લેવો જોઈએ. કામ પરવારીને અમે નીકળ્યા.
રસ્તામાં વિચારોનો મારો હતો. સ્મશાનનું સૌન્દર્ય માણી શકે એવા રોમનો હજી જીવે છે? સ્મશાન, જ્યાં શરીરની ચિતા ખડકાય છે ને દેહ દટાય છે એ સ્થાન વળી સુંદરતાથી સિંચાયેલું હોઈ શકે? એ સ્થળે તો જીવનનો અંત આવે છે. ત્યાં સૌન્દર્ય જીવે ખરું? વિચારોની સાથે સાથે અમે ધારેલે સ્થળે આવી પહોંચ્યા. આ કબ્રસ્તાન હતું? આ સ્મશાન હતું? ના રે. આ તો જીવનનો બાગ હતો. આ ચમનમાં તો જિંદગી આરામ કરતી હતી. આખો જન્મારો જીવી જીવીને થાકી ગયેલો દેહ પોતાની જનેતા ધરતીની સોડમાં સૂતો હતો. અદ્ભુત, અપૂર્વ, અનુપમ શાંતિ હતી. પંચ મહાભૂત પોતાના મૂળ સ્વરૂપને પામ્યાં હતાં. કેવો સજીવન હતો આ મૌનનો ઉત્સવ! એકલા અંત પામેલા જીવનને જ અહીં શાંતિ હતી? ના, ના. અંત પામનારા જિવાતા જીવનનો પણ અહીં થાક ઊતરતો હતો, સાંત્વના મળતી હતી. અંતરશાંતિની અવિકૃત અનુભૂતિ થતી હતી. મૃત્યુના આંગણામાં જીવનની આવી રમણા! જ્યાં અંત કલ્પ્યો હતો ત્યાં જ પાછો આરંભ! આદિ અને અંતની આ કેવી સનાતન લીલા! અંત:કરણ આશ્ચર્યમુગ્ધ બની રહ્યું.
સંધ્યા ઊતરતી હતી. શાંતિ ગહન બની ગઈ. અજવાળું ઓસરતું જતું હતું. અંધકાર છતો થતો હતો. બરાબર આ સમયે જ એક જુવાન સ્ત્રી આવી. અમે બેઠા હતા એની બાજુની કબર પર એણે ફૂલો ચઢાવ્યાં. કબરને ચુંબન કર્યું અને એની ઉપર એ ઢળી પડી. થોડી વારે ઊઠીને પાછી એણે ચૂમી લીધી. ઊભી થઈને પળવાર એ કબરમાં સૂતેલા જીવનને નીરખી રહી. જિંદગીને પૂજીને જીવંત રહેનારી આ કવિતા વિશેષણ વિનાના નામ જેવી સ્વયંસુંદર લાગી. એણે કોની પૂજા કરી? એનો કવિ અંદર સૂતો હતો?
યુરોપના દેશોમાં ઇંગ્લૅન્ડ મને બહુ ગમે છે. કેમ તે ખબર નથી. ઈ. સ. 1948માં ન્યૂયૉર્કથી નીકળીને અમે ‘ક્વીન ઇલિઝાબેથ’ આગબોટમાં સાઉધમ્પ્ટન ઊતર્યા ત્યારે ઘેર આવ્યા જેવું લાગ્યું. વત્સરાજ વૉટરલૂ સ્ટેશને આવ્યા હતા. લંડન આવ્યા ત્યારે મુંબઈ આવ્યા જેવી લાગણી થઈ. યુરોપના પહેલા પ્રવાસ વખતે લંડનમાં લગભગ ચોવીસ અઠવાડિયાં રહેવાની તક મળી હતી. એટલે લંડન સાથે ઘણી માયા બંધાઈ છે. પીકાડેલી સરકસ પર ઝઝૂમતો રીજેન્ટ સ્ટ્રીટનો ખૂણો, હે માર્કેટનું પેલું નાનું રેસ્ટોરાં, માર્બલ આર્ચ પાસેનું લાયન્સના કોર્નર હાઉસનું ભોંયરું. ગ્રેટ કબરલૅન્ડ સ્ટ્રીટનું 28 નંબરનું અમારું જૂનું ઘર, ટ્રફાલગર સ્કવેરનાં કબૂતરો, સ્ટ્રેન્ડમાં આવેલી સેક્સોની જોડાની મારી જૂની દુકાન, નેશનલ આર્ટ ગેલેરીની એક રળિયામણી બેઠક, દસ માણસોના શ્રોતાજનો સમક્ષ હજારોની માનવમેદનીને સંબોધતો હોય એવો હાઇડપાર્કનો પેલો ઉત્સાહી અજાણ્યો વ્યાખ્યાતા, ડીકન્સની નવલકથામાં ડોકિયું કરતી લીંકન્સ ઈન ફીલ્ડમાં આવેલી પેલી ક્યુરીઓની નાનીશી દુકાન, અનેક અજાણ્યાં સ્ત્રીપુરુષોને જાણીતાં કરતું પીકાડેલી સરકસનું ટ્યૂબસ્ટેશન, ચેલસીનો પેલો વૃક્ષઘટાથી છવાયેલો ‘કવિમાર્ગ’ અને વેસ્ટમિનિસ્ટર એબીમાં અલગ પડી જતો કવિઓનો ખૂણઓ – એ સર્વની સાથે એક સ્વાભાવિક નિસ્બત બંધાઈ હતી. આવું ઘર જેવું લંડન છોડીને એક અઠવાડિયે એડીનબરો જવું પડ્યું. ત્યાંની હેરીઅટ વૉટ કૉલેજમાં કામ નીકળ્યું હતું. એડીનબર પહેલી વાર જતો હતો. સ્કૉટલૅન્ડ એ રાજધાની જોવાનું કુતૂહલ સાર્થક થયું. બીજા મહાયુદ્ધ વખતે ત્યાંના બંદરી મુખ પર્થ ઓફ પર્થ પાસે જ્યાં માઉન્ટબેટન યુદ્ધજહાજોની પીછેહઠ થઈ હતી એ સ્થાન જોયું. ત્યાંની ટેકરી પર આવેલા રાજમહેલના આંગણામાં રોજ સવારે વાગતા સ્કોચ બેગપાઈપના વિખ્યાત બેન્ડની સૂરાવલિ સાંભળીને હૃદય પ્રફુલ્લ થઈ ગયું. હેરીઅટ વૉટ કૉલેજના પ્રિન્ટિંગ ડિપાર્ટમેન્ટના વડા રસ્ટેલને વાતવાતમાં ખબર પડી ગઈ કે મને અંગ્રેજી કવિતા અને નવલકથામાં રસ છે અને ક્યારેક કલમ પણ વાપરું છું. ત્યારે એડીનબરોની એક જાણીતી જગ્યા જોવા મને એ લઈ ગયા. સર વૉલ્ટર સ્કૉટની કોઈ એક નવલકથામાં જે સ્મશાનનું વર્ણન છે તે સ્મશાનમાં અમે જઈને એક બાંકડા પર બેઠા. સામે એક અટૂલું વૃક્ષ ઊભું હતું. એની સાથે સ્કૉટ તારામૈત્રક કરતા એમ કહેવાતું. એ વૃક્ષ એમને મિત્ર જેવું પ્રિય હતું. સ્કૉટ વિષેની લોકવાયકાઓ અને પ્રેમની વાતો થતી હતી. એટલામાં એ સ્મશાનનો સંરક્ષક એક બાટલીમાં પાણી લઈને નીકળ્યો. અમારા બાંકડાની બાજુમાં એક નાનો છોડ હતો. એના ક્યારામાં એણે પાણી રેડી દીધું. છોડને પંપાળ્યો. અમને જોઈને એણે કહ્યું: ‘હવે આ છોડ જ્યારે વૃક્ષ થશે ત્યારે જોજો એનું રૂપ! આ સામેનું ઝાડ મારા દાદાએ વાવ્યું છે અને આ પેલું લહેરાતું વૃક્ષ દેખાય છે એ મારા પિતાનું રોપેલું છે.’ મેં પૂછ્યું: ‘તમે પરંપરાથી અહીંના સંરક્ષકો છો?’ એણે ગૌરવભર્યા સ્મિતથી ઉત્તર વાળ્યો: ‘અમારું એ સૌભાગ્ય છે. અમારું કુટુંબ એ માટે ગર્વ લે છે.’ અને હસતો હસતો એ માણસ ચાલ્યો ગયો.
જ્યાં મૃત્યુ દટાય છે ત્યાં જીવન ઉછેરવાનું સુભગ કાર્ય કરતા આ મહાપુરુષને મારું અંતર નમી પડ્યું. રસ્ટેલને મેં કહ્યું: ‘હવે ચાલો.’ સ્કૉટલૅન્ડનાં ખ્યાતનામ સ્ત્રીપુરુષો જ્યાં સૂતાં હતાં ત્યાં આ અજાણ્યો અંતરશીલ પુરુષ પણ આરામ કરશે એ વિચારે માનવજીવનમાં રહેલાં સમાનતા અને એકતા એકદમ આંખો આગળ ઊપસી આવ્યાં. જીવનનું આશ્વાસન અનુભવ્યું. શાંતિ વળી.
કમ્પાલાથી નીકળવાના દિવસો પાસે આવતા હતા. જે શહેરમાં આપણા મિત્રો વસે છે તે શહેરની સાથે પણ મૈત્રી બંધાઈ જાય છે, માયા જાગે છે, એટલે મિત્રોને છોડતાં જેમ રંજ થાય છે તેમ એ સ્થાન છોડતાં પણ ઉદાસ થઈ જવાય છે. મારી ઉદાસીનતા ડૉ. મૂળજીભાઈ પટેલ પામી ગયા. એમને ખબર હતી કે માત્ર રંજન આ માણસનો રંજ ઓછો નહીં કરે એટલે એમણે ભાઈ રમાકાન્તને કહ્યું કે તમે આ માણસને યુગાન્ડાના રાજા કાબાકાઓનું સ્મશાન દેખાડો. રૂપાળી જગ્યા છે. એમને ગમશે અને ગમગીની પણ એમની કંઈક ઓસરશે. ડૉક્ટર તો ગયા દવાખાને. રમાકાન્ત અને બેત્રણ મિત્રોની સાથે અમે ઊપડ્યા સ્મશાન જોવા. સ્મશાન કે કબ્રસ્તાન એ નામથી મને કદી ગભરામણ નથી થઈ કે નથી થયો વિરાગ. હા, વિચારો ઘણા આવ્યા છે. ઉદાસી પણ વહોરી છે, પણ દુ:ખ તો ક્યારેય નથી થયું. કબાકાઓનું એ સ્મશાન જોવા માટે ખાસ રજાચિઠ્ઠી જોઈએ છે. રમાકાન્તે એ મેળવી લીધી. એક ઊંચી ટેકરી ઉપર આ સ્થળ આવ્યું છે. આમ તો કમ્પાલા આખું ટેકરીઓ ઉપર જ વસ્યું છે. મુખ્ય દરવાજા આગળ મોટરમાંથી અમે ઊતરી પડ્યા. આખા કબ્રસ્તાનની આસપાસ મોટી દીવાલ હતી. મુખ્ય દરવાજો પસાર કરીએ એટલે મોટું વિશાળ મેદાન જેવું આંગણું આવ્યું. એ આંગણાની સામસામે નાનીનાની ઓરડીઓ હતી. અમે ગયા એટલે એ ઓરડીઓમાંથી ચારપાંચ સ્ત્રીઓ નીકળી આવી. અમે મુખ્ય ઘુમ્મટવાળા ઓરડામાં જ્યાં કબર હતી ત્યાં ગયા. ઓરડો અતિશય સાદો હતો. હતું તો લીંપણ, પણ ખૂબ સ્વચ્છ હતું. ભીંતો વલ્કલથી છવાયેલી હતી. વલ્કલનું પણ પોતાનું આગવું વાતાવરણ હોય છે. હતું તો એ કબ્રસ્તાન, પણ જાણે કોઈ મહર્ષિનો આશ્રમ હોય એવું વાતાવરણ હતું. ત્યાંના રક્ષકે અમને કયા રાજાની કઈ કબર એ બતાવીને ઇતિહાસ કહ્યો, એટલામાં તો પેલી બાઈઓ પણ આવીને કબર નમીને એમની આસપાસ બેસી ગઈ. અમે પેલા રક્ષકને પૂછ્યું કે આ બાઈઓ કોણ છે? ત્યારે એણે અમને નવાઈની ભેટ આપીને કહ્યું કે અહીનાં કબાકા રાજકુલમાં એવો રિવાજ છે કે રાજા મૃત્યુ પામે ત્યારે એના શબની સાથે એની પરિણીત સ્ત્રીઓ પણ સ્મશાનમાં જ રહે. પેલા આંગણામાં તમે જે ઓરડીઓ જોઈ તે એ વિધવાઓ માટેની છે. વિધવા રાણી અહીં આવીને સામાન્ય સ્ત્રીઓ બની જાય છે અને પછી મૃત્યુ સુધી અહીં જ રહે છે. આ બધી એ વિધવા સ્ત્રીઓ છે.
સંસ્કાર અને સમજણ સ્મશાનભૂમિમાં પણ જીવનને કેવી સરસ રીતે ઉછેરે છે અને માણે છે એની મને ખબર હતી. અજ્ઞાન અને અવિદ્યા સ્મશાનમાં જિવાતા આ જીવનને કેવું રઝળતું અને રંજભર્યું બનાવી શકે છે એનો અનુભવ પણ થયો. સ્થાન એ જ અને એ જ સંજોગો. માત્ર જીવનાર માણસો જુદાં. જીવનની દૃષ્ટિ પામર માણસને પણ કેવો પરમ બનાવી શકે છે એ જોયું હતું. હવે એ પણ જોયું કે એનો અભાવ માનવીને કેવો ગરીબ, અનાથ અને જિંદગીનો વેઠિયો બનાવી દે છે! ગમગીનીએ ગળું પકડ્યું. પણ તરત જ ભાન આવ્યું કે પામરતા અને પરમતા બંને માનવીનાં જ સર્જનો છે. જીવને ત્યારે કળ વળી.