કોઈ પુત્ર બાપને નામે શોભે છે. કોઈ પુત્ર આપબળે નામાંકિત થાય છે. શહેરોની શોભાની વાત પણ આવી જ છે. કમ્પાલા એ પૂર્વ આફ્રિકામાં યુગાન્ડાની રાજધાની છે માટે એનું સૌન્દર્ય છે એમ નથી. એ શહેરનું પોતાનું વિશિષ્ટ રૂપ છે. સાત ટેકરીઓની વચ્ચે વસેલું આ શહેર સાત બહેનોમાં શોભતા એકના એક ભાઈ જેવું રમણીય લાગે છે. પ્રકૃતિના આ શહેર ઉપર ચારે હાથ છે. દિવસ આથમ્યો હોય, રાત પડી ન હોય અને સંધ્યાએ પાલવ પાથર્યો હોય ત્યારે આછા અંધકારમાં આ શહેર જંપેલા સપના સમું પડ્યું હોય છે. સાત ટેકરીઓની પેલી પારથી ઊતરીને જ્યારે રાત્રિ શહેરમાં આવે છે ત્યારે રોશની ઝબકી ઊઠે છે. જાણે રાત જેવી શ્યામ કોઈ બગાન્ડી મત્ત નવયૌવના શ્વેત હાસ્ય હસી પડે છે. પણ એના વાતાવરણમાં કરુણતાની ગમગીની હોય છે, જિંદગીની ઉષ્મા નથી લાગતી. રાત વીતીને જ્યારે પ્હો ફાટે છે ત્યારે જીવનની વણઝાર પાછી શરૂ થાય છે.
કમ્પાલાના બજારમાં યુગાન્ડાના મૂળ વતની બગાન્ડાને જ્યારે જોયા ત્યારે એમને મળીને એમના અરમાન અને આનંદ. વિષાદ અને વેદના જાણવાની ઇચ્છા થઈ પરંતુ મારી પાસે એમની ભાષાનું વાહન નહોતું, મારી અને એમની વચ્ચે બીજો કોઈ આડતિયો મારે જોઈતો નહોતો. એટલે અમારા યજમાન ડો. મૂળજીભાઈ પટેલને મેં વિનંતી કરી : “ડોક્ટર, આ બગાન્ડાઓનાં સંગીતનૃત્ય દેખાડો.” ડોક્ટર ત્રીસેક વરસથી કમ્પાલામાં રહે છે. એટલે મારો મનસૂબો સમજી ગયા. ડો. મૂળજીભાઈ પટેલ પણ મળવા જેવા માણસ છે. મેં એમને પહેલી વખત ગુજરાતમાં જોયા ત્યારે મારી લાગણી એવી થઈ કે આ માણસ પોતાના વતનમાં પરદેશી લાગે છે. પણ એમની વિલક્ષણતાએ મને આકર્ષ્યો. મંથન અને મથામણ કરીને મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવાનું એમનું કૌશલ આદરણીય લાગ્યું. માણસ ઊંડા અને જબરા લાગ્યા. પછી તો ધીરે ધીરે ઓળખાણ ઓગળીને એમાંથી મૈત્રીનો છોડ ઊગ્યો. એમયા સંકુલ મનની અને નિખાલસ અંત:કરણની વધારે પ્રતીતિ થઈ. જીવન વિષેની એમની કલ્પના અને દૃષ્ટિનો વધારે સમાગમ થયો. એમની વૈજ્ઞાનિક વિચારસરણી અને સંવેદનશીલ ચિત્તંત્ર વચ્ચેનો સંઘર્ષ પણ ત્યારે જ વધારે વરતાયો. વિષયના સૂક્ષ્મ સ્વરૂપને પકડવાની અને એના અતિશય નાજુક અંશને સમજવાની એમની શક્તિ કદીક સહજસ્ફુરણા સુધી પહોંચીને આપણને ચકિત કરી નાંખે એટલી વિલક્ષણ દેખાઈ. દુષ્ટતા ભણીનો રોષ, દીનતા તરફનો સમભાવ, સચ્ચાઈ માટેનો પ્રેમ અને પશ્ચાત્તાપ માટેની ક્ષમાશીલતાએ એમના અંતરાત્માને સંસ્કારિતાની શુદ્ધિ અને સુગંધ બંને આપી છે. આવી રીતે જો આ માણસ અંતરનિષ્ઠ ના હોય તો કમ્પાલાની કરુણતા અને જડતાએ એમની સંવેદનશીલતાને ક્યારનીય રહેંસી નાંખી હોત. ડોક્ટરની મૈત્રી એ કમ્પાલા જવાનું મારું મોટું આકર્ષણ હતું.
મેં એમને બગાન્ડાઓનાં સંગીતનૃત્ય દેખાડવાની વાત કરી ને એ મારા અંતરનો મર્મ સમજી ગયા. એમણે કમ્પાલાથી સાતઆઠ માઈલ દૂર એક જિનરીમાં આ જલસાની ગોઠવણ કરી અને અમે જમીને બે વાગે પહોંચી ગયા. કમ્પાલાના બીજા પણ આઠદસ મિત્રો સાથે હતા. થોડી વારમાં મોટરટ્રક એક ટોળાને ઊંચકી લાવી. તરત જ વાજંત્રોિ શરૂ થયાં, ઢોલ પર દાંડિયા પડ્યા અને બે માણસોએ સૂર અને તાલને સાંધતો અવાજ છૂટો મૂક્યો. ચારછ માણસનું એ ટોળું ગાતું- વગાડતું અમે ઊભા હતા ત્યાં આવી પહોંચ્યું. અમારા પગ પાસે બેસીને એમણે રમઝટ મચાવી દીધી. ડોક્ટરે આશ્ચર્યમાંથી મને ઊંચકીને કહ્યું : “આ લોકોની મહેમાનોને માન આપવાની આ રીત છે.”
જિનમાં એક માંડવો બંધાયો હતો. અમે બેઠા એટલે આજુબાજુના પ્રદેશમાંથી ચારપાંચ બગાન્ડા જમીનદારો પણ આવી પહોંચ્યા. બજવૈયાઓ અને ગાનારાઓ એક બાજુ ગોઠવાઈ ગયા અને સંગીત શરૂ થયું. ધીરે ધીરે તાલ રમણે ચઢ્યો એટલે એક પુરુષ કમ્મરે મૃગચર્મ બાંધીને મજલિસમાં નાચી ઊઠ્યો. એનો થનગનાટ જોઈને એક સ્ત્રીએ પોતાનો અંચળો કાઢી સામે નૃત્ય આરંભ્યું. પેલાં નૃત્યકારોના નિતંબના છંદબદ્ધ હલનચલને તાલ સાથે સુમેળ સાધીને જીવનની એક સંવાદભરી ગતિશીલતા જન્માવી. આ નૃત્ય અને સંગીતે એક વીર્યભરી આરજૂ પ્રગટ કરી અને એમાંથી અરમાનના ફુવારા ઊઠ્યા. સંગીતના આ તાલસૂરો જ્યાં જ્યાં પહોંચ્યા ત્યાં ત્યાંથી બગાન્ડા સ્ત્રીપુરુષો આવી પહોંચ્યાં. સાથે સાથે બગાન્ડાઓ પીએ છે એ દેશી શરાબના વેચનારાઓ પણ શરાબનાં તૂમડાં ભરીને આવ્યા. શરાબ પિવાતો ગયો અને સંગીતની રમઝટ પાછી જામી. સૂરોની ઉશ્કેરણી શરૂ થઈ. તાલનો થનગનાટ સળવળ્યો અને નૃત્ય પાછું શરૂ થયું. તાલની ગતિએ એવું જાદુ કર્યું કે જોવા આવનાર બગાન્ડાઓમાંથી એક સ્ત્રી અને પુરુષ નૃત્યમાં સામેલ થયાં. સૂર અને તાલના સુમેળથી પેદા થયેલી આ ગતિએ અમારા જીવનમાં જામેલી જડતાને પણ હચમચાવીને એમાં ચેતનાની ધ્રુજારી સરકાવી દીધી. પળવાર પ્રાણ જાગી ઊઠ્યો. જીવનનું મૂળગત વીર્યબળ સચેતન થઈ ગયું. અમે જીવતા લાગ્યા. જીવનના કેફની કેવી અદ્ભુત અનુભૂતિ!
સંગીત શમ્યું, તાલ જંપ્યો, નૃત્યકારો ટોળામાં સમાઈ ગયા. પરંતુ વાતાવરણમાં હજી ગતિના ભણકારા ભમતા હતા. ડોક્ટરે મારો હાથ પકડીને જ્યારે ઊઠવાનું કહ્યું ત્યારે હું જાણે મૂર્ચ્છામાંથી જાગ્યો!