ઘણાં વરસ પછી અમદાવાદથી બપોરે બાર ને વીસે ઊપડતી ગાડીમાં નીકળવાનુ થયું. દર વખતે રાતે ગજુ રાત મેઈલમાં અને બહુ થાય તો સવારે સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં નીકળવાનું થતું હોવાથી આ સાડાબારની લોકલનું વાતાવરણ કંઈ ક નવું લાગ્યું. પ્રવાસ કરનારાં અને પ્લૅટફૉર્મ ઉપર ફરનારાં બન્ને માણસોની કોટિ જુદી, ફેરિયાઓની ધીમી ગતિ અને દેખાઈ આવે એવી સ્પષ્ટ નિરાશા, ગાર્ડ અને ટિકિટ માસ્તરોની બેફિકરાઈ જોઈને આપણને એમ જ થાય કે ગાડી આજે તો નહીં જ ઊપડે. ગાડીમાં અને બહાર ઘોંઘાટ, ગંદવાડ અને આળસના વિવિધ રંગોનું પ્રદર્શન જોઈને આપણને બેચેની થાય. મને એમ જ થયું કે હું ક્યાં આ ગાડીમાં આવી ભરાયો! ત્યાં તો વીસપચીસ મિનિટની વધારે રાહ જોવડાવીને એ લોકલ આખરે ઊપડી. બીજા વર્ગના ડબ્બામાં બારેજડી, મહેમદાવાદ કે નડિયાદ જતા અમદાવાદી કમિશન એજંટોએ ઘોરવાનું શરૂ કરી દીધું. મારા મનને કંઈ ચેન પડતું નહોતું. મેં કાંકરિયા ભણીની દિશાએ જોઈને દૃષ્ટિને કંઈક આરામ આપવાનો પ્રયત્ન કર્યો. પણ મિલોનાં ભૂંગળાંમાંથી નીકળતા ધુમાડાથી છવાયલા વાતાવરણથી ઘનઘોર થયેલું આકાશ વધારે ઘેરાયેલું લાગ્યું. દિવસ હોવા છતાં સંધ્યાકાળનો આભાસ થતો હતો. એટલામાં ગાડી મણિનગર આવીને ઊભી રહી. કંઈક પવન આવે એ હેતુથી અને કંઈક માણસોનો મેળો જોવાની દૃષ્ટિથી હું આખું બારણું ખોલીને ઊભો હતો. ત્યાં તો એક જુવાન દૂધવાળી ભરવાડણ માથે બે ખાલી પિત્તળના દેગડા લઈને આવી પહોંચી. ત્રીજા વર્ગમાં માણસોની ભીડ ઘણી હતી. લોકો ઉઘાડાં બારણાં રાખીને બહાર ટિંગાયેલા હતા. આ બાઈએ આવીને અમારા બીજા વર્ગના નીચેના પગથિયા ઉપર અંદર બેય દેગડા સરકાવી દીધા અને પોતે ઉપરના પગથિયે એવી રીતે પગ લટકતા રાખીને બેઠી કે દેગડાને આડ મળે અને ગાડીના ધક્કાથી એ નીચે ન પડી જાય. ગાડી ઊપડી. એણે વેગ પકડ્યો. દૂધવાળી બાઈએ બે હાથે બે બાજુના લોખંડી સળિયા પકડ્યા હતા. પુરુષ પણ ભાગ્યે જ બતાવે એવી હિંમત આ બાઈએ બતાવી હતી. જરાક સમતુલા ચુકાય તો બાઈ નીચે પડી જાય અને ગાડીની નીચે આવીને એનો દેહ પિસાઈ જાય એવી ચોક્કસ સંભાવના હતી. એટલે મેં ડરીને કહ્યું: ‘બહેન, ઉપર આવી જાઓ.’
દક્ષિણના પવનને પોતાની પીઠ પર ઝીલીને એણે જવાબ આપ્યો: ‘ભાઈ, ટિકિટ થડ કલાસની છે.’
‘પણ બહેન, તમે સંભાળીને બેસજો. આ તો આગગાડીનું કામ છે.’ મેં ચિંતા બતાવી.
‘ભાઈ, રામ રાખે તેને કોણ ચાખે?’ એણે મારા તરફ જોયા વિના જ જવાબ આપ્યો અને ગરદન હલાવીને પોતાના વાળ પાછળ નાંખ્યા.
શું આ બાઈનો આત્મવિશ્વાસ હશે!
એટલામાં વટવા સ્ટેશન આવ્યું. ગાડીની ગતિ ધીરી પડી. અમારો ડબ્બો આવીને ઊભો રહે તે પહેલાં જ નીચે ઊભેલા એક જુવાન ભરવાડે આ બાઈને અધ્ધરથી ઊંચકી લઈને છાતી સરસી ચાંપીને નીચે ઉતારી દીધી. ગાડી ઊભી રહી તે પહેલાં જ બન્ને જણાં બે દેગડા લઈને હસતાં હસતાં ચાલતાં થયાં.
દામ્પત્યનું નીરોગી સૌન્દર્ય આજે વિરલ થઈ પડ્યું છે. એવા આ આકરા સંઘર્ષ અને સંગ્રામના સમયમાં આ શુદ્ધ અને શ્રમજીવી દંપતી સ્વાભાવિક જીવનનું પ્રતીક બનીને ઉપમા જેવાં રંગદર્શી બની રહ્યાં.
એ જ બાર ને વીસની લોકલ નડિયાદ આવીને ઊભી રહી. મહેમદાવાદ ક્યારે આવ્યું અને ગયું તેનું મને ભાન ન રહ્યું. મારા મનની આંખો આગળ પેલા ભરવાડ દંપતીનું ચિત્ર કોતરાઈ રહ્યું હતું. પેલા જુવાન પુરુષે પોતાની પ્રિયતમાને હળવે ચાલતી ગાડીએથી છાતી સરસી ચાંપીને બાથ ભરીને ઉતારી લીધી એ દૃશ્ય જીવનનું અનુપમ કાવ્ય બનીને મારી આંખોમાં ઊતરીને અંતરમાં બેઠું હતું. મારી એ કાવ્યસમાધિ તોડવાનું પાપ એક બહેનને ફાળે ગયું. નડિયાદથી ગાડી ઊપડી તે જ વખતે એક જુવાન બહેન ખભે એક ચામડાની સુશોભિત બૅગ લટકાવી, હાથમાં એક ફૅશનેબલ પેટી સાથે દાખલ થયાં. બારીમાંથી એમણે નીચે ઊભેલા એક છોકરા જેવા લાગતા પુરુષને કહ્યું: ‘જોજો, ગાડી ચાલે છે, તમે નીચે ઊતરી જાઓ.’ પેલો છોકરો નીચે ઊતરી પડ્યો અને ગાડીની સાથે ચાલવા લાગ્યો. ‘હું એમ. એ.માં ગુજરાતી લેવાની છું. તમે નિરંજનકાકાને કહેજો કે એ પ્રોફેસરને મારે માટે ભલામણ લખે.’
‘જરૂર કહીશ. એ ન હોત તો તું બી.એ.માં પાસ ક્યાંથી થાત?’ પેલા છોકરાએ ગાડી સાથે દોડતાં કહ્યું.
છોકરીએ બારીમાંથી હાથ કાઢ્યો. છોકરાએ હાથ લીધો ન લીધો ત્યાં તો ગાડીના વેગે બન્ને હાથ છૂટી ગયા. પેલી છોકરીએ રૂમાલ હલાવીને પેલા અડધા નિરાશ છોકરાને અડધી આશાનો સંદેશ આપ્યો.
ઉત્તરસંડા આવ્યું. ટિકિટ તપાસનાર અમારા ડબ્બામાં ચઢી આવ્યો. બેત્રણ અમદાવાદી, મહેમદાવાદ – નડિયાદ ઊતરી ગયા હતા. ચારેક નડિયાદી નવા ચઢ્યા હતા. અમે સૌએ ટિકિટ દેખાડી. પેલાં બહેને પણ દેખાડી.
‘બહેન, આ તો આણંદની ઇંટરની ટિકિટ છે. એક્સેસ આપો.’ ટિકિટ તપાસનારે કહ્યું.
‘એક્સેસ શાનો આપું? હું સ્ટેશને આવી ને ગાડી ઊપડી. એટલે મળ્યો તે ડબ્બામાં ચઢી ગઈ. આણંદ ઊતરી પડીશ.’ પેલાં બહેને કહ્યું.
‘આણંદ સુધીનું વધારાનું ભાડું આપો. પાવતી બનાવી દઉં.’ ટિકિટ તપાસનારે સભ્યતા અને શાંતિથી કહ્યું.
‘એમાં મારો ગુનો નથી. મારે બેસવું નહોતું. બેસવું પડ્યું મારે.’ પેલાં બહેને કંઈક કરડી જીભે જવાબ આપ્યો.
‘તમે શું કરવાનાં હતાં તેની સાથે મારે નિસ્બત નથી. તમે શું કર્યું છે તેની સાથે છે. વધારાના પૈસા આપી દો બહેન, હું પાવતી બનાવી આપું.’ ટિકિટ તપાસનારે સહાનુભૂતિ માટે અમારી સામે જોયું.
‘હું આણંદના સ્ટેશનમાસ્તરને ઓળખું છું.’ પેલાં બહેને હવે રુઆબ કર્યો.
‘બહેન, તમે જનરલ મૅનેજરને ઓળખતાં હો તો પણ આ વધારાના પૈસા આપવા પડશે. હું આ ડબ્બામાં ન આવ્યો હોય તો નિરાંતે આણંદ ઊતરી પડત અને વધારાના પૈસા પણ ન આપત. લોકો નકામા રેલવેના નોકરોને લાંચિયા કહે છે. મુસાફરો પણ કંઈ ઓછા અપ્રમાણિક નથી હોતા.’ હવે ટિકિટ તપાસનારની આંખમાંથી સભ્યતાની શરમ ઓસરી ગઈ.
એટલામાં આણંદ આવ્યું. એક બીજો જુવાન છોકરો પેલાં બહેનને લેવા માટે આવ્યો હતો. આણંદના સ્ટેશને ઝઘડો જામ્યો. બોલાચાલી થઈ. પેલાં બહેનનું મોઢું ઊતરી ગયું. લેવા આવેલા જુવાનનું મન ખાટું થઈ ગયું. આખરે માંડ પેલા બહેને પોતાની ખભે ભેરવેલી બૅગમાંથી થોડાક આના પેલા ટિકિટ તપાસનારને આપ્યા. માસ્તરે પાવતી ફાડી આપી. પેલાં બહેન અને પેલો છોકરા જેવો લાગતો જુવાન હતાશ બનીને ચાલ્યાં ગયાં. આગળ બહેન અને પાછળ પેલો ભાઈ.
‘સાહેબ, આ ભણેલાઓ જ આજે દેશને બેઆબરૂ કરી રહ્યા છે.’ ટિકિટ તપાસનાર બબડતો બબડતો બીજા ડબ્બામાં ચાલ્યો ગયો.
વટવાના સ્ટેશને સાક્ષાત્ કરેલું પેલું જીવનના કાવ્ય સમું દૃશ્ય પાછું દૃષ્ટિ સમીપ આવ્યું. ત્યાં તો નડિયાદથી આણંદ વચ્ચે લાંબી થયેલી કદરૂપતાએ પડદો નાંખ્યો.