હિમાલયથી એક સાધુ આવ્યા હતા. રામાનંદ સ્વામી. એમના કોઈ શિષ્યને ત્યાં ઊતર્યા હતા. બીજે દિવસે સવારે જવાના હતા. એટલે તે રાતે ભજનનો કાર્યક્રમ હતો. વડોદરાના કેટલાક સંગીતકારો એમાં ભાગ લેવાના હતા. સાધુમહારાજના શિષ્યોની સંખ્યા ભક્તિભાવથી ટોળે મળી હતી. શાન્તાબહેન સાંજે પાંચ વાગે મળી આવ્યાં હતાં. એમણે ફોન કર્યો કે સાવિત્રીબહેન જે બાળાના મધુર કંઠને સાંભળવા ઇચ્છે છે તે સિંધુબાળા આજે રાતે સ્વામીજી આગળ ભજનો ગાશે માટે આપણે સૌએ જવું જોઈએ. અમારામાંથી કોઈ પણ સ્વામીને પહેલાં મળ્યું નહોતું. એમનામાં અમને રસ પણ નહોતો. કુતૂહલ કંઈક હતું. પરંતુ આકર્ષણ તો અમારું હતું સિંધુબાળાના દર્દભર્યા કંઠનું. મેં એ છોકરીને પહેલાં સાંભળી હતી. ‘બંસિયા કાહે કો બજાઈ, મેં તો આ રહીથી મોહના’ એ ગીતની મીઠી વેદનાના અજંપાની માધુરી સ્મરણમાં ચમકી ઊઠી. ફોન ઉપર મેં શાન્તાબહેનને હા પાડી. રાતે નવ વાગ્યાનો સમય હતો. અમે સૌ નવ સવાનવે પહોંચી ગયાં. એક તમાકુના વેપારીને ત્યાં સ્વામીજીની બેઠક હતી. અમે ગયાં ત્યારે ‘જય જગદીશ હરે’ની આરતી ગવાતી હતી. પરંતુ આરતી ઊતરતી હતી સ્વામીજીની. આ પ્રથમ ગ્રાસે મક્ષિકા, સ્ત્રીઓનો સમુદાય અંદર હતો. પુરુષો અને બાળકો પણ જેટલાં સમાયાં તેટલાં અંદર હતાં. અમે થોડાક જણ બહાર બેઠા ઊભા હતા. આરતી પૂરી થઈ ગઈ. પ્રસાદ વહેંચાયો. પોણાદસ થઈ ગયા. હજી પેલા સંગીતકારો આવ્યા નહોતા. સવાદસે એ જૂથ આવી પહોંચ્યું. પા કલાક એ સૌને સ્વસ્થ થતાં થયો. પા કલાકે વાદ્યો મળ્યાં. માંડ પોણાઅગિયારે એક ભાઈએ દિલરુબા ઉપર સિતારની પેઠે નખલીથી વગાડવાનું શરૂ કર્યું. કલાનો આનંદ પ્રગટ કરવા કરતાં એમાં હુશિયારી દેખાડવાની કીર્તિગામી મનોવૃત્તિ દોડાદોડ કરી રહી હતી. એ આખું વાદ્યસંગીત નિર્જીવ અને કંટાળો આપનારું બની ગયું. જીવની સાથે એનો મેળ ના બેઠો. પ્રાસ બેસાડવા, મેળ પેદા કરવો એ જેનું કામ તે સંગીત દ્વારા એના યોજકે સંગીત સામે અરુચિ પેદા કરી. આનંદ આપનાર કરણને આપણે જ્યારે સામાન્ય ઉપયોગ માટે વાપરીએ છીએ ત્યારે પરિણામ ભારે કરુણ આવે છે. આ સંગીતથી કંટાળીને ત્રણચાર જુવાન છોકરીઓ અને બેપાંચ જુવાનિયાઓ બહાર નીકળી આવ્યાં. છુટકારાનો શ્વાસ એમણે લીધો. બહારની હવાએ પણ એમને મદદ કરી. બહાર છજામાં એક હીંચકો હતો અને બે ખુરશીઓ હતી. બે શેતરંજી પાથર્યા વિનાની ગડીબંદ પડી હતી. સામે ખૂણામાંથી પાણીની માટલી અને ચાર-પાંચ પવાલાં પડ્યાં હતાં. હીંચકો અને ખુરશીઓ માણસોથી ભરેલાં હતાં. પેલા જુવાનો વાતચીત પરથી કૉલેજના વિદ્યાર્થી, પતિ-પત્ની, મિત્ર અને ભાઈબહેન જેવાં પણ લાગતાં હતાં. એમાંથી એક બહેને પાણી પીવાની ઇચ્છા વ્યક્ત કરી. બીજા એક ભાઈએ નિરાંતે બેસવાની મરજી બતાવી. પણ એમાંથી કોઈ કશું જ કરતું નહોતું. અંદર અંદર વાતો ચાલી. મશ્કરીઓ થવા માંડી. એક જણે કહ્યું કે ઘાટી થઈને પાથરણું પાથરી આપ. બીજી બહેને કહ્યું: એય રામા જરા પાણી આપ, પણ કોઈ પાણી પીતું ન હતું. શેતરંજી પાથરવા કોઈની કમર વળતી નહોતી. એટલામાં એક અભણ જેવી દેખાતી સામાન્ય આધેડ વયની બાઈ બહાર નીકળી. એણે આ ગૂંચવાડો તરત પારખ્યો. ઝડપથી એણે બન્ને શેતરંજી બિછાવી આપી. પેલા લોકોને વગે કરીને બેસાડ્યાં. માટલીમાંથી પવાલે પવાલે સૌને પાણી પિવડાવ્યું.
અડધા કલાકથી પેલાં ભણેલાં ભાઈબહેનો જે મૂંઝવણમાં પડ્યાં હતાં તેનો પાંચ મિનિટમાં ઉકેલ કરીને પેલી બાઈ પાછી અંદર સ્વામીજી પાસે ચાલી ગઈ. પેલાં જુવાનિયાઓ બાઈની આ સહજ સરળતા ઉપર ટોળટપ્પાં કરીને હસી પડ્યાં. મારો જીવ કકળી ઊઠ્યો.
આજનાં આ ભણેલાં ફિશિયારીખોર (Snobs) જુવાનોને પેલી ગઈ કાલની અભણ બાઈની અંતરનિષ્ઠા મશ્કરી કરવા જેવી લાગી! આ આપણું આજનું ભણતર! આ શિક્ષણે જીવનનાં આવાં ખોટાં મૂલ્યો પેદા કર્યાં છે! આવી અવળી દૃષ્ટિ આપી છે! આનાથી અભણતાનો અંધાપો શો ખોટો! સ્પર્શથી, સાંભળીને, વિચારીને, અનુભવીને સાચી વાત તો પકડાય! એ જીવનને, ખોટા શિક્ષણનું ગ્રહણ તો નથી લાગ્યું ને! આ તો વિકાસના મૂળમાં જ આઘાત! આવે ટાણે સમજણ પડે છે. જીવનના પાયાને આધુનિક ભણતરનો લૂણો લાગ્યો છે. એ પાયામાં પરસેવો, સ્વાવલંબન અને સન્નિષ્ઠાની ત્રિવેણી વહાવી સમગ્ર જીવનની પુન:પ્રતિષ્ઠા કરી એને નવપલ્લવિત કરવાનું ભગીરથ સપનું ગાંધીજીની બુનિયાદી કેળવણી પાસે છે. આપણે એ જોઈએ છે?