નવી દિલ્હીમાં ગઈ ધુળેટીને દિવસે એક અનોખો ઉત્સવ ઊજવાયો હતો. દિલ્હીમાંથી ‘શંકર્સ વિકલી’ નામે મશહૂર ઠઠ્ઠાચિત્ર આલેખક શ્રી શંકરનું એક અંગ્રેજી સાપ્તાહિક નીકળે છે. એમાં ઠઠ્ઠાચિત્રો દ્વારા દેશ અને દુનિયાના જીવનના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ ઉપર સંજ્ઞાસૂચક અભિપ્રાય પ્રગટ કરવામાં આવે છે. શંકરની પારદર્શક તેજસ્વી દૃષ્ટિ, નિર્દંશ જીવનદર્શન અને ભાવનામય ઉદારતાને લીધે આ સાપ્તાહિકમાં પ્રગટ થતાં ઠઠ્ઠાચિત્રોએ સમગ્ર દેશમાં એક પ્રકારની પ્રતિષ્ઠા મેળવી છે. જેમને વિષે અભિપ્રાય અથવા સંકેત પ્રગટ થયો હોય તે માણસ પણ એમાં રસ લઈ શકે એવી એની બિનઅંગતતા હોય છે.
શંકર હમણાં બેત્રણ વરસથી દર વર્ષે આ સાપ્તાહિકનો બાળકઅંક પ્રસિદ્ધ કરે છે. આ અંક દરેક વર્ષે વિકાસનું એકએક પગથિયું ચડતો જ જાય છે. આ વર્ષે આ બાળકઅંકમાં આખી દુનિયામાંથી પાંત્રીસ દેશોનાં તેરહજાર ને સાતસો બાળકોએ પોતાનાં ચિત્રો અને લખાણો મોકલીને ભાગ લીધો હતો. એમાંથી ચિત્રાલેખનો માટે એકસોનેવું અને લખાણો માટે સો ઇનામો આપવામાં આવ્યાં હતાં.
આ ઇનામો આપવાનો સમારંભ નવીદિલ્હીના સ્ટેડિયમમાં ધુળેટીને દિવસે બપોરે ચાર વાગે શ્રી જવાહરલાલ નેહરુના પ્રમુખપણા હેઠળ થયો હતો. આ ઉત્સવમાં પ્રમુખ ઉપરાંત બીજાં પણ બેત્રણ આકર્ષણો હતાં. ડૉ. રાધાકૃષ્ણને સૌને આવકાર આપ્યો એ તો સામાન્ય વાત થઈ. પણ એમાં જુદા જુદા દેશનાં બાળકોએ સરસ કાર્યક્રમ આપ્યો એ વાત અસાધારણ મહત્વની અને આકર્ષક હતી. પાંત્રીસ દેશોનાં બાળકો, જેમણે આ હરીફાઈમાં ભાગ લીધો હતો તે તે દેશના રાષ્ટ્રધ્વજોએ હારમાં ઊભા રહીને એકતા ઊભી કરી હતી. એમની આસપાસ લાંબા અને ગોળ ફુગ્ગાઓની હારમાળાએ વાતાવરણને પ્રફુલ્લિત બનાવ્યું હતું અને અસંખ્ય બાળકોની હાજરીએ આખા ઉત્સવમાં પ્રાણ પૂર્યો હતો. નવી દિલ્હીમાં વસનારા જુદા જુદા દેશના લગભગ બધા જ રાજદૂતો પોતાનાં કુટુંબ અને બાળકો સાથે હાજર રહ્યા હતા. એટલું જ નહીં. પરંતુ અમેરિકા, ઇંગ્લૅન્ડ, જાપાન, ઇન્ડોનેશિયા અને બર્માના રાજદૂતવાસનાં બાળકોએ તો કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.
રાયસીની માધ્યમિક બંગાળી કન્યાશાળાની બાળાઓએ રાષ્ટ્રગીતથી પ્રારંભ કર્યો હતો. જાપાનની એક સુકન્યાએ આવીને એક મીઠું ગીત ગાયું હતું. દિલ્હીની સંત થૉમસ માધ્યમિક શાળાનાં બાળકોએ ‘સૂતેલી સુંદરતા’ નામની એક રસિક નાટિકા ભજવી હતી. ઇન્ડોનેશિયાનાં બાળકોએ વિખ્યાત સુમાત્રાનૃત્ય કર્યું હતું. અમેરિકાનાં બાળકોએ તો ત્રણ જુદી જુદી ગીતનાટિકાઓ આપી હતી. દિલ્હીની જાણીતી રાષ્ટ્રીય મુસ્લિમ વિદ્યાપીઠ જામિયા મિલિયાનાં બાળકોએ સરસ કવ્વાલી ગાઈ હતી. એમની આવવાની રીત, સલામ કરીને બેસવાની રીત, કવ્વાલી ગાવાની રસમ – એ સર્વમાં શુદ્ધ મુસ્લિમ સંસ્કારિતા અણીશુદ્ધ પ્રગટ થઈ હતી. પરદેશીઓને એનું આકર્ષણ હતું. એવી જ રીતે જાપાનીસ ગીત અને સુમાત્રાનૃત્ય વખતે પણ સંગીત અને પહેરવેશની સુંદરતાએ ધ્યાન ખેંચ્યું હતું. પણ સરસ નાટિકા તો ભજવી દિલ્હીની પબ્લિક સ્કૂલનાં બાળકોએ. નાટિકાનું નામ હતું ‘સમસ્યા’. એમાં સંગીત અને પરિધાનકલાની નવીનતા અપૂર્ણ હતી. બે છોકરાઓ કાગળ બનીને આવ્યા. એમણે પોતાનું આગમન અને અગત્ય કહ્યાં. બે છોકરીઓ કલમ બનીને આવી. એમણે વળી પોતાનો મહિમા ગાયો. ત્યાં વળી બે છોકરાઓ પાકીટ બનીને આવ્યા. એમણે પોતાનું મહત્ત્વ જાહેર કર્યું. બે છોકરીઓ ટિકિટો બનીને સરી પડી. એટલામાં તો બે બાળકો ટપાલની પેટી બનીને આવી પહોંચ્યાં. એમણે જણાવ્યું કે કાગળ તો લખાયો પણ ટપાલપેટી વિના નાખશો ક્યાં? ત્યાં તો બે ટપાલી નીકળી આવ્યા. કાગળ ટપાલની પેટીમાં તો પડ્યો. પણ એને પોસ્ટઑફિસમાં પહોંચાડશે કોણ? એટલામાં તો આગગાડી નીકળી. ટપાલ ઊપડી. બીજે ગામ પહોંચી ગઈ. બીજા ટપાલીએ આવી એ કાગળ માલિકને પહોંચાડ્યો. ‘પત્ર’ એ જ સમસ્યા હતી અને એનું જ નાટક હતું: સરસ અને સુમેળવાળું. રંગ રાખ્યો અને જમાવ્યો પણ ખરો. બાળકો અને મોટાંઓએ ખૂબ તાળીઓ પાડી.
મારી બાજુમાં એક જુવાન યુગલ બેઠું હતું. ઘણાં રૂપાળાં બાળકો વિષે વાતો કરતાં હતાં. એ બે જણાં. ક્યારેક એમને કોઈ છોકરી ગમતી. ક્યારેક વળી કોઈ નમણો છોકરો. ક્યારેક કોઈની આંખો વખાણતાં, કદી વળી કોઈના નાકની પ્રશંસા કરતાં. કોઈકની વળી ચાલ પસંદ પડતી, તો કોઈની ભાષાની શુદ્ધિ આકર્ષક લાગતી. પરંતુ છેલ્લી નાટિકામાં બે ટપાલી બનીને આવેલા છોકરાઓમાંથી એક છોકરાની ચકોરતા અને ચારુતાએ પેલી જુવાન સ્ત્રીને જાદુ કર્યો. એની આંખમાં એ છોકરો વસી ગયો. એને વિષે એણે વખાણ ચાલુ જ રાખ્યાં. પતિ સાંભળતો હતો. રસ પણ બતાવતો હતો. એટલામાં બર્માના એક છોકરાએ આવીને મોઢેથી વગાડવાનું પેલું વાજું વગાડ્યું. એવો લાંબો શ્વાસ લે ને એવો સૂર કાઢે, તાલ સાચવે ને એણે બંધ કર્યું ત્યારે બાળકો તો ખુશખુશ થઈ ગયાં. ત્યાં તો રંગભૂમિનો રંગ બદલાયો. ઇંગ્લૅન્ડનાં બાળકોએ એક નાટિકા ભજવવા માંડી. એમાં મુખ્ય સ્ત્રીનું કામ કરતી એક નાનકડી બાળાએ મારી પાસે બેઠેલા યુગલમાંથી સ્ત્રીને પોતાની કરી લીધી. પેલી બાઈએ પાછી પોતાના અંતરની પ્રીતિનો અવાજ પ્રગટ કર્યો. શું લાવણ્યવતી છોકરી છે! ધન્ય છે એનાં મા-બાપને! પુરુષ કહે છે કે શું અદ્ભુત શિક્ષણ આપ્યું છે! એનો પિતા કેળવણીકાર હશે! બાઈ કહે કે ના રે, એની માતાની કાળજીનું જ આ પરિણામ છે. બાળકોના બાપ તો રખડતા ફરે છે. બાળકોના ઉછેરનો આધાર જ મા છે. મારું અડધું ધ્યાન જોવામાં અને અડધું પાડોશીની વાતચીત સાંભળવામાં. આંખો નાટિકા જુએ. કાન બાજુમાં થતો સંવાદ સાંભળે. અંતર ખુશી અનુભવે.
એટલામાં દક્ષિણ ભારતનાં બાળકોએ કૃષ્ણલીલાનું નૃત્ય કર્યું. સંગીતમાં સુકોમળ તમિળ લહેંકો, મૃદંગમાં શુદ્ધ તમિળ થડકાર. મંજીરાનો સાથ. પહેરવેશમાં રંગવૈવિધ્ય. એમાં કૃષ્ણ બનેલ છોકરો ભારે રૂપાળો લાગે. મીઠો પણ ઘણો. ગમે તે સ્ત્રીને ગમે એવું પ્રસાદભર્યું એ બાળક, મારી પાડોશણે પાછાં અંતરનાં બારણાં ઉઘાડ્યાં. હાય હાય! આ છોકરો તો જુઓ! રૂપરૂપનો અંબાર. મધુરતાની તો જાણે નદી. પુરુષ પણ ભીંજાયો. સ્ત્રી સાથે સહમત થયો. છોકરો બહુ મીઠડો છે. પણ સ્ત્રીને હજી વધારે રસિક અને ગાઢ સાથ જોઈતો હતો. એટલે બોલી કે એનો મોરપીંછનો મુગટ તો જુઓ! બાળકૃષ્ણ આવો જ હશે! હા, આવો જ હશે! હવે પુરુષ અવાજમાં રસ રેડ્યો જરા. એટલામાં તો ગોપીઓ એની આગળપાછળ વીંટળાઈ વળી. એમાંથી બાળકૃષ્ણે તો રાધાની જ આંગળી ઝાલી લીધી. કેટલો હોશિયાર છે! સ્ત્રીનું હૈયું નાચી ઊઠ્યું. ખરો આ બાળકૃષ્ણ! જોઈતી હતી તે જ ગોપીને પકડી લીધી. પુરુષે સૂર પૂર્યો. બધા પુરુષો અડધાપડધા કૃષ્ણ જ હોય છે એમ હું નથી કહેતી? સ્ત્રીએ આંખોમાં કશુંક આણ્યું હશે. મેં જોયું નહીં. કારણ મારી દૃષ્ટિ નૃત્ય ભણી હતી. પણ પુરુષના જવાબે મારી શંકા સાચી ઠેરવી. એણે કહ્યું કે બહુ ઓછી સ્ત્રીઓ અડધી રાધા હોય છે. પેલી રમણી કંઈક રંગમાં હતી. એણે કહ્યું કે પોતે તો અડધી નહીં આખી રાધા છે. એના ઉત્તરમાં પુરુષ બોલ્યો નહીં. એટલે એણે વર્તનમાં ઉત્તર વાળ્યો હશે. નહીં તો વાણી રોકાય નહીં.
ત્યાં તો કાર્યક્રમ પૂરો થયો અને જવાહરલાલજી રંગપીઠ પર આવ્યા. ઇનામ વહેંચાવા માંડ્યાં. જે દેશનાં બાળકો હાજર ન હોય તે દેશના રાજદૂત આવીને પોતાના દેશનાં બાળકો વતી ઇનામ લઈ જાય. પદ્ધતિ ગમે એવી હતી. સૌથી વધારે ઇનામ જાપાનનાં બાળકોને મળ્યાં. રાજદૂત ઊંચકી ન શકે એટલાં. બીજે નંબરે અમેરિકા. પછી ચાલી નંબરવારી. રશિયાના રાજદૂત આવ્યા ને ત્યાર પછી આવ્યા ઈજિપ્તના એલચી. એ સર્વથી વૃદ્ધ હતા. એટલે નેહરુએ ઇનામોની સાથે પાસેની છત ઉપરથી એક ફુગ્ગો તોડીને એલચીને પણ ઇનામની ભેટ ધરી. આખો સમારંભ હસી ઊઠ્યો. આંતરરાષ્ટ્રીય એકતાની વાતો, ચર્ચાઓ અને પરિષદો કરતાં આવો સમારંભ પોતે જ વિશ્વેઐક્યની સંજ્ઞા જેવો લાગતો હતો. એટલામાં તો પંડિતજીએ જાહેર કર્યું કે સમારંભમાં આવેલા દરેક બાળકને કંઈ ને કંઈ ઇનામ આપવાની વ્યવસ્થા છે. આ જાહેરાત સાંભળીને તો બાળકોની દુનિયામાં ખુશીનો રંગ ઊછળી પડ્યો અને પછી ઘસારો કહે મારું કામ. પંડિતજીને પ્રમુખ તરીકે ભાષણની શરૂઆત કરતાં લગભગ અડધા કલાકથી વધારે વખત નીકળી ગયો. પણ બાળકો મસ્તી, એમની ખુશી, એમનું હાસ્ય, એમની આશા એ બધું એવું સજીવન, એટલું આહ્લાદક અને એવું પ્રફુલ્લિત લાગતું હતું કે આખી સાંજ સોહામણી અને મનોરમ બની ગઈ.
પંડિતજીએ ધીરે રહીને બોલવા માંડ્યું. મારી પાડોશમાં પણ વાતચીત શરૂ થઈ. મને દુવિધા થઈ. કોનું સાંભળું? પંડિતજીનું ભાષણ બિનંગત હતું. પાડોશીઓની વાતચીત અંગત હતી. સાહિત્યમાં આપણે જેને objective અને subjective કહીએ છીએ એને એની અનુભૂતિ થવા માંડી. આંખો જુવે પંડિતજી ભણી. સાંભળવાનો ડોળ પણ ચહેરો કરે. પરંતુ કાન સાંભળે પાડોશીનો વાર્તાલાપ. સ્ત્રીના અંતરમાંથી પેલો કૃષ્ણ થયેલો છોકરો ખસતો નહોતો. પુરુષના મનમાં પણ એની મોહિની તો લાગી જ હતી. બન્નેની વાણીમાં આનો રણકો હતો. એટલામાં પંડિતજીએ બોલતાં બોલતાં પંચવર્ષીય યોજનાને સ્પર્શ કર્યો. એ સાંભળીને પેલી સ્ત્રી બોલી ઊઠી કે દરેક વાતમાં આ લોકો યોજના ને નિયોજનને શું કામ વચમાં લાવતા હશે? મારું ધ્યાન જરાક પંડિતજી તરફ ગયું હતું તે તરત પાછું પાડોશમાં ગોઠવાયું. પુરુષે કહ્યું કે નિયોજન વિના જીવનનું રૂપ બંધાતું નથી. એના જવાબમાં સ્ત્રી તો કૂદી જ પડી. જિંદગીની બધી બાબતમાં નિયોજનને શું બાળવું છે! હમણાં હમણાં આ નિયોજનનો લોકોને હડકવા લાગ્યો છે. કુટુંબમાં અંદાજપત્ર બનાવો. હિસાબ લખો. ટકાવારી પ્રમાણે ખર્ચ કરો. આ તે કંઈ જીવવાની રીત! જરા નિરાંતે જીવવા તો દો. નિયોજનનો આટલો ધખારો શો!
પુરુષ સમજ્યો હોય કે કોણ જાણે પણ એ ચૂપ જ હતો. આ મૌન પેલી સ્ત્રીથી હવે ના સહેવાયું. બોલી: ‘ખોટું કહું છું?’ પુરુષને હવે બોલવું જ પડ્યું. જીવનમાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ના હોય તો એમાં ભલીવાર નથી આવતો. એટલે યોજના ખોટી વસ્તુ નથી. માત્ર એનો તંત ના લેવો જોઈએ. જુઓને આ કુટુંબનિયોજને આપણને જ કેટલી મદદ કરી! નહીં તો આજે આપણાં પગારમાંથી એક પાઈ બચતી ના હોત. પેલી સ્ત્રીમાંથી આખી ને આખી માતા ઊછળી પડી: ‘બળ્યું તમારું કુટુંબનિયોજન! દેવું કરીશું! હું હવે નથી માનવાની…!’ એટલામાં પંડિતજીને હારતોરા થયા. કોલાહલ વધી પડ્યો. મારા કાન તો પાડોશમાં હતા. આંખો ત્યાં ફરી ત્યારે પુરુષે નાકે આંગળી અડાડી હતી. સ્ત્રીની આંખોમાં સમગ્ર વિશ્વનું માતૃત્વ એકાગ્ર થયું હતું!