પ્રવાલદ્વીપ/મુંબઈનગરી
Revision as of 00:16, 27 March 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''મુંબઈનગરી'''</big></big></center> <poem> ચલ મન મુંબઈનગરી, જોવા પુચ્છ વિનાની મગરી! જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં, વગર પિછાને મિત્રો જેવાં; નહીં પેટી, નહીં બિસ્ત્રો લેવાં, આ તીરથની જાત્રા છે ના...")
ચલ મન મુંબઈનગરી,
જોવા પુચ્છ વિનાની મગરી!
જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં,
વગર પિછાને મિત્રો જેવાં;
નહીં પેટી, નહીં બિસ્ત્રો લેવાં,
આ તીરથની જાત્રા છે ના અઘરી!
સિમેન્ટ, ક્રૉંક્રીટ, કાચ, શિલા,
તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા;
ઇન્દ્રજાલની ભૂલવે લીલા
એવી આ શું હોય સ્વર્ગની સામગ્રી!
રસ્તે રસ્તે ઊગે ઘાસ
કે પરવાળાં બાંધે વાસ
તે પ્હેલાં જોવાની આશ
હોય તને તો કાળ રહ્યો છે કગરી!