ટેકરીની ટોચ પર ચોથે માળ
વસું મિત્ર મડિયાને ઘેર,
ત્રણ બાજુ ઊછળતો અબ્ધિ
અને એક બાજુ મુંબઈ શું શ્હેર.
સુણી રહું ઘેરું ઘેરું ઘૂઘવતો
અબ્ધિ અહીં દિનરાત ગાય,
જોઈ રહું ક્ષિતિજ પે ઝૂકી ઝૂકી
આભ જે આ મૂગું મૂગું ચ્હાય.
નીચે ત્યાં શું નગરજનોની
નસનસે હશે તરંગનો તાલ?
પરસ્પર મિલનમાં માનવીને
ઉર હશે આવું કોઈ વ્હાલ?
૪–૬–૧૯૫૭