કોણ રે આ આવી રહ્યું પૂંઠે પૂંઠે?
ક્ષણે ક્ષણે પથ પર કોનો તે આ પદધ્વનિ ઊઠે?
નથી કોઈ સંગ,
નયનમાં નથી કોઈ સ્વપનનો રંગ;
હૃદયમાં નથી કોઈ ગતનું રે ગીત,
કેવળ છે સાંપ્રતની પ્રીત;
નથી કોઈ યાદ,
ઓચિંતાનો તોયે કોનો કરુણ આ સાદ –
‘મને મેલી જાય છે ક્યાં આગે આગે?’?
ઓચિંતાનો કોનો તે આ હાથ પડે ખભે?
કેવો ભાર લાગે!
પાછળ હું જોઉં છું તો કોઈ ક્યાંય શોધ્યુંયે ન જડે,
અલોપ જે જોતાંવેંત
એવું તે આ કોનું પ્રેત?
આગળ આ તો યે કોનો પડછાયો પડે?
ક્ષણે ક્ષણે પથ પર કોનો તે આ પદધ્વનિ ઊઠે?
કોણ રે આ આવી રહ્યું પૂંઠે પૂંઠે?
જૂન ૧૯૫૭