પશ્યન્તી/રંગભૂમિ પર ભાષા

Revision as of 05:47, 6 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રંગભૂમિ પર ભાષા| સુરેશ જોષી}} {{Poem2Open}} નાટકપુરાણ લાંબું ચાલ્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રંગભૂમિ પર ભાષા

સુરેશ જોષી

નાટકપુરાણ લાંબું ચાલ્યું. હવે સમાપન કરી લઈને છેલ્લે ભાષા વિશે થોડું વિચારીએ. પ્રેક્ષકોના હૃદયના ઊંડાણને સ્પર્શવા માટે નવી નવી પદ્ધતિ ખોળનાર આર્તો ભાષાને ઝાઝું મહત્ત્વ આપતો નથી. ‘થિયેટર ઓવ્ ક્રુઅલ્ટી’માં તો એ કહે છે કે એ શબ્દોને એના અર્થ ખાતર નહિ, પણ એનાથી થતા ધ્વનિને ખાતર જ મોટે ભાગે વાપરે છે. એ માને છે કે જો કોઈ શબ્દ જુસ્સાથી અને સાચા સ્થાને ભાર મૂકીને ઉચ્ચારવામાં આવ્યો હોય, એ ઉચ્ચારતી વખતે અમુક પ્રકારની પ્રકાશયોજના હોય, એમાં અર્થની નિશ્ચિતતાને સ્થાને સંસ્કારજન્ય મુક્ત સહચારથી ઊભી થતી સાંકેતિકતા હોય તો એ ઘણો કાર્યક્ષમ નીવડે છે. આપણા વિધિનિષેધો અમુક ઉચ્ચારણ તો રંગભૂમિ પર થવા જ દે નહિ. પણ એવા નિષિદ્ધ ગણાતા શબ્દપ્રયોગો ઘણી વાર પ્રેક્ષકના પર સીધો પ્રભાવ પાડે છે ને અસમ્પ્ર્રજ્ઞાત ચિત્તમાં અવરુદ્ધ થઈને રહેલા એવા ભાવોને શબ્દ દ્વારા મુક્ત કરી આપે છે. આર્તો ભાષા કરતાં ક્રિયાને વધુ મહત્ત્વ આપે છે. સૌ કોઈ પોતાની સૂઝ પ્રમાણે ભાષાના ઉપયોગની સમસ્યાનું નિરાકરણ કરવા મથે છે. એની પાછળ સામાન્યત: એક માન્યતા પ્રવર્તતી લાગે છે અને તે એ કે, ફ્રોઇડ કથિત મગ્નચૈતન્યની રચના ભાષાની રચના જેવી છે. લાકાંએ આ સ્પષ્ટ કરીને કહ્યું છે. ભાષા એ જાણે આપણી નિયતિનું મહોરું ઓઢેલું પ્રતીક છે.

આપણે એમ નથી કહેવા ઇચ્છતા કે નાટક લખતાં પહેલાં લેખકોએ ફ્રોઇડ, યુંગ, હાઇડેગર વાંચવા જોઈએ. એ વાંચ્યા હોય કે ન હોય તોય ‘માનવી એવી રીતે વ્યવહાર ચલાવે છે કેમ જાણે એ પોતે જ ભાષાનો રચનારો હોય અને ભાષા પર એનો પૂરો અંકુશ હોય. વાસ્તવમાં વાત એથી ઊંધી જ છે. ભાષાનું જ માનવી પર પ્રભુત્વ રહ્યું છે અને રહેશે.’ હાઇડેગરના આ મન્તવ્યનો એમાં સ્વીકાર થતો હોય એવું લાગે છે. અહીં નાટક પરત્વે આપણે થોડો ફેરફાર કરીને ‘માનવી’ને સ્થાને ‘પાત્ર’ શબ્દ મૂકીશું તો વાત વધુ સ્પષ્ટ થશે. અર્વાચીન રંગભૂમિના ઘણા પ્રયોગશીલ નાટ્યકારોની કૃતિનો મર્મ તો આપણા હાથમાં આવશે. સંવાદાત્મક નાટકોમાં પણ પાત્ર બધું જ કહી દેતા હોતા નથી ને સંવાદને પ્રચ્છન્ન રાખવામાં આવ્યા હોય છે ત્યારેય એમ લાગે છે કે નાટ્યલેખક જાણે પોતાનાં નાટકો અને પોતે જ ભાષાના સ્વામી હોય એવી રીતે વર્તે છે. એ લોકો સભાનપણે જે અભિવ્યક્ત કરવા ઇચ્છતા હોય છે તે જ બોલાય છે ને તે જ નાટકમાં સંભળાય છે.

પણ, ઘણા માને છે તેમ, જો ભાષાનું મનુષ્ય પર પ્રભુત્વ છે અને એ તેની નિયતિ તથા વ્યક્તિત્વને ઘડે છે; ભાષાના નિયમો અર્થવહન માટેનાં વહેવારુ સાધનો હોવાને બદલે ભૌતિક વિજ્ઞાનના નિયમ જેવા હોય, જે માનવ પૂર્વેના હોય ને માનવીના અસ્તિત્વની અનિવાર્યતા અને મહત્ત્વના ઘટકરૂપ બની ગયા હોય તો રંગભૂમિમાં ભાષાને પાત્રોના યથેચ્છ વ્યવહાર માટેનું મુખ્ય સાધન લેખીને કોઈ ચાલે નહિ; એથી ઊલટું ભાષાનું માનવી પર કેવું પ્રભુત્વ છે તે બતાવવાનો જ એમાં પ્રયત્ન થાય. આ દૃષ્ટિબિન્દુનો સ્વીકાર રંગભૂમિમાં પ્રયોજાતા ગદ્યની તાસીર અને મૂલ્યને સાવ બદલી નાખે. આયોનેસ્કો અને એને અનુસરનારા નાટ્યકારોને મન ભાષાને એનું આગવું જીવન છે; એ નાટકના નાયકને પોતાની વાત કહેવા માટેનું સાધન નથી. નાટકમાં તો ભાષા પોતાના વિકાસનો આલેખ આપે છે, એમાં એને માનવીનો કશો ખપ પડતો નથી. માનવીથી નિરપેક્ષપણે એ વિકસે છે. પોતાના નિયમોનું એ માનવીના પર આરોપણ કરે છે. માનવી કશુંક સ્પષ્ટ કરીને કહેવા જતો દેખાય છે, પણ એના અર્થ એના મોઢામાંથી ખેંચી લઈને શબ્દો વડે જ એને પાછળ ધકેલી દેવાતો હોય છે; જે કાર્યો એને કરવાં નહોતાં તેમાં તેને પ્ર્રવૃત્ત કરવામાં આવે છે. શબ્દોએ ચીંધેલી દિશાથી જ એ કાર્યમાં અગ્રસર થતો દેખાય છે. આયોનેસ્કોના નાટક ‘ધ લેસન’માં પ્રોફેસર વ્યાખ્યાન દરમિયાન વિદ્યાથિર્નીનું ખૂન કરી નાખે છે. આ કાર્ય કરવાનો પ્રારમ્ભમાં પ્રોફેસરનો સહેજેય આશય નહોતો. આયોનેસ્કોનાં પ્રારમ્ભમાં નાટકોમાં ભાષા જ નાયિકા અને મુખ્ય પાત્ર બની રહે છે. એ નાટકોમાં ભાષા જાણે માનવીને પદભ્રષ્ટ કરતી દેખાય છે.

હવે રંગભૂમિમાં માનવી કેન્દ્રમાંથી ખસતો જતો લાગે છે. આપણી સામે રંગમંચ પર એકાકી અને સજીવ એવો એક જ પદાર્થ હોય છે અને એ છે ભાષા તથા એ દ્વારા ચાલતો સંવાદ. એ પદાર્થ સાચો છે કે કાલ્પનિક? આપણે કોનો પક્ષ લઈશું? આર્તોએ જેને મહત્ત્વ આપ્યું છે તે કાર્યનો કે ઝ્યાં જેને શબ્દથી જે માયામરીચિકા રચે છે તેનો? આયોનેસ્કો આ બે વચ્ચેનો રસ્તો શોધીને નિરાકરણ લાવી દે છે. ભાષાને પોતાને બોલવા દઈને એને ઢાંકતા આવરણને એ સરી પડવા દે છે. પણ સાથે સાથે એને ‘એબ્સર્ડ’ની સીમા સુધી ખેંચી લઈ જાય છે અને આ અસંગતિ આપણને તર્કપૂર્ણ લાગવા માંડે છે. એ ભાષાને અમાનુષી ગણીને વખોડી કાઢે છે. ‘બાલ્ડ પ્રાઈમા ડોના’ના પ્રારમ્ભના સંવાદોમાં એક સ્ત્રી પોતે શું ખાતી હતી તે વિશે જાહેરાત કરતી હોય છે. પોતે ખાધેલી ઈંગ્લિશ વાનગીઓની વાત કરે છે, કારણ કે પોતે ઈંગ્લિશ છે અને ઈંગ્લેંડમાં છે. એણે ઈંગ્લિશ સોસ ખાધો છે ને છેલ્લે એ કહે છે કે પોતે ઈંગ્લિશ પાણી પીધું છે. આ બધું આમ તો તર્કસંગત લાગે છે. તેણે ગણાવેલી બધી વાનગી ઈંગ્લેંડની જ છે તેય સાચું છે. પણ પાણી સુધ્ધાં ઈંગ્લિશ! આથી જ તો આ બધું બેહૂદું પણ છે, કારણ કે એ ભલે ઈંગ્લેંડમાં હોય, પાણી, હવા અને તેજ તો વિશ્વભરમાં એક જ ગણાય છે. ભાષા, એ જે તર્કને વશ વર્તે છે તેના જ બળથી વસ્તુને એબ્સર્ડની હદ સુધી ખેંચી લઈ જાય અને તે પાત્રની ઇચ્છાની ઉપરવટ થઈને, ભાષા પોતાને અવાસ્તવિક બનાવતી જાય, અતિશયોક્તિ દ્વારા એ પોતાની અવાસ્તવિકતાને છતી કરતી જાય – એવું કશુંક અહીં બનતું લાગે છે.

દરેક રંગભૂમિ પોતાની અંદર કેટલા વિરોધોને શમાવી લેતી હોય છે તેની હંમેશાં જાણ હોય જ છે એવું હોતું નથી. ત્યાં વિરોધ અને સંઘર્ષ જ નાટ્યરચનાની સામગ્રી તરીકે લેખે લાગે એવી દૃષ્ટિ આપણે ત્યાં હજી કેળવાઈ નથી. લોકો સુધી પહોંચવાને નામે એમને કશું ગાંઠે બાંધી આપવાનું લોભી પરગજુપણું જ આપણે ત્યાં દેખાય છે. નાટ્યશાળાનો વિકાસ જ સંસ્કૃતિના સાચા વિકાસની પારાશીશી છે. વાસ્તવિકતા કે ભ્રાન્તિ – બેમાંથી એક્કેયનો પ્રભાવ ન દાખવનારું એવું કશુંક રેઢિયાળ વારેવારે સમજાવીને મૂક્યા કરવાના પ્રયત્નો કરામતને આધારે જીવી શકવાના નથી, એની હવે આપણને જાણ થઈ જવી જોઈએ.

26-6-81