સ્ત્રી : ચાલો દૂર દૂર... જ્યાં આપણે બે મનમાન્યો પ્રેમ કરીએ,
જ્યાં આપણે બે સાથે જીવીએ ને સાથે મરીએ;
જ્યાં ધૂંધળા આકાશમાં સૂરજ ઊગતો હોય ઝાંખો ઝાંખો,
જાણે અશ્રુથી ચમકતી મારી ચંચલ આંખો;
જ્યાં આપણો શયનખંડ વર્ષોજૂનાં રાચરચીલાથી શોભતો હોય,
છત પરનાં રંગીન સુશોભનો અને ભીંત પરના
ઊંચાઊંડા અરીસાથી ઓપતો હોય,
જ્યાં અંબરનો આછો ધૂપ ચોમેર મહેકતો હોય,
અમૂલ્ય ફૂલોની સુગંધ સાથે ભળીને બહેકતો હોય;
જ્યાં ક્ષિતિજ પારથી આવી આવીને કૈં નૌકાઓ નાંગરતી હોય,
જેના થકી મારી નાનામાં નાની ઇચ્છાઓ પાંગરતી હોય;
જ્યાં આખુંયે નગર આથમતા સૂરજની
રંગબેરંગીન આભા ઓઢતું હોય,
જ્યાં સમગ્ર વિશ્વ સમી સાંજના
સ્નિગ્ધ સઘન અંધકારમાં પોઢતું હોય;
જ્યાં બધું જ સ્વસ્થ, સુન્દર, સમૃદ્ધ, શાન્ત ને ઉન્મત્ત હોય...
પુરુષ : લાગે છે કે બૉદલેરનાં કાવ્યો તમે વાંચો છો,
‘યાત્રાનું નિમંત્રણ’ કાવ્ય વાંચી તમે રાચો છો;
પણ તમે જાણો છો બૉદલેર આવું આવું ઘણું બધું કહેતા હતા,
ને પછી જ્યાં હતા ત્યાંના ત્યાં જ – પૅરિસમાં જ – રહેતા હતા;
તમે પણ જીવનભર ‘ચાલો દૂર દૂર...’ એવું એવું ઘણું બધું કહેશો,
ને પછી આયુષ્યના અંત લગી જ્યાં છો ત્યાંના ત્યાં જ રહેશો.
૨૦૦૭