મને હતું જ કે તમે આમ અધવચ અટકશો.
આગળ જવું નથી ? ભલે ! પણ પાછા જવાશે નહિ,
વરસો વહી ગયાં તે તો હવે પાછાં લવાશે નહિ,
તમે જેવા હતા તેવા તો હવે પાછા થવાશે નહિ;
તો પછી તમે સ્મૃતિ ને વિસ્મૃતિની વચ્ચે લટકશો.
તમે અહીં લગી ચાલ્યા, એટલું બીજું ચલાશે નહિ,
થાકી ગયા હો તો મારો આ હાથ ઝલાશે નહિ,
તમે પથ્થર સમા થશો ને હવે જો હલાશે નહિ,
તો પછી તમે જીવનભર શું શૂન્યમાં ભટકશો ?
૨૦૦૬