જાણે કંઈ થયું જ નથી એમ તમે શાન્ત છો.
તમે અચાનક ધસી ગયા,
બધું અસ્તવ્યસ્ત, છિન્નભિન્ન કર્યું,
અને જ્યારે જે કૈં ધાર્યું’તું તે એકેય કાજ ન સર્યું,
ત્યારે તમે અચાનક ખસી ગયા.
એથી કહું છું તમે શાન્ત નહિ, તમે ક્લાન્ત છો.
હવે તમને એ ભ્રમ થશે
કે જે કંઈ અસ્તવ્યસ્ત, છિન્નભિન્ન થયું હશે
તે વ્હેલુંમોડું આપમેળે થયું ન થયું થશે
અને અંતે બધું જ્યમ હતું ત્યમ હશે.
એથી કહું છું તમે ક્લાન્ત નહિ, તમે ભ્રાન્ત છો.