બગીચાના છોડની ડાળ ઉપર એક ફૂલ ખીલ્યું,
એ સૂર્યમાં ઝળકતું,
ને સુગંધે છલકતું,
ગાતું,
મલકાતું.
ન કોઈએ એને ચૂંટ્યું,
ન કોઈએ એને સૂંઘ્યું,
કે ન કોઈએ એને કોટના કૉલરમાં મેલ્યું,
કે ન કોઈએ એને અંબોડાની લટમાં ગૂંથ્યું.
સવારથી સાંજ લગી એ ખીલતું રહ્યું.
અને પછી
એક પછી એક
એક પછી એક
એની પાંખડીઓ વેરી, વિખેરીને
એ ધૂળમાં ઢળી ગયું,
એ ધૂળમાં ભળી ગયું.
૨૦૦૪