આપણે ‘અતિ સર્વત્ર વર્જયેત્’નું સૂત્ર કદી પાળ્યું નહિ,
પરસ્પર પ્રેમમાં એવા અંધ કે આઘું પાછું ન્યાળ્યું નહિ.
વર્ષાઋતુની નદીની જેમ ધસમસ ધસ્યા હર્યું,
વચ્ચે વચ્ચે વમળોને સદા ચૂપચાપ હસ્યા કર્યું;
જેણે બન્ને તટ તોડ્યા એ પ્રલયના પૂરને ખાળ્યું નહિ.
હવે સદા વિરહના અગ્નિમાં જ બળવાનું,
હવે અંતે એક માત્ર મૃત્યુમાં જ મળવાનું;
પ્રેમની પાવક એવી જ્વાળામાં તૃષ્ણાનું તૃણ બાળ્યું નહિ.
૨૦૦૯