મેં કહ્યું, ‘મારી સામે જુઓ!’ ત્યાં તમે આંખો મીંચી,
મેં કહ્યું, ‘જરીક ઊંચે જુઓ!’ ત્યાં તમારી દૃષ્ટિ તો નીચી ને નીચી.
હવે તમે તમારા અંતરના એકાંતમાં શું જોતાં હશો?
તમારી અંતર્યાત્રી મૂર્તિને જોઈ જાતને શું ખોતાં હશો?
તમે લજામણીના છોડ પર એવા કેવા જલની ધારા સીંચી?
તમે આંખો મીંચી, તે તમારી લજ્જા એવી તે કેવી કઠોર?
તમે ઊંચે મારી સામે ન જુઓ, એ એવી તે કેવી નઠોર?
તમે એને હુલાવી-ઝુલાવી! એવા કેવા હેમના હિંડોળે હીંચી?
૨૦૦૯