આલ્ગૉન્કીન જાતિનું મેનહેટ્ટા—ટેકરીઓનો ટાપુ,
એ પ્રત્યેક ટેકરીની ટચૂકડી ટચૂકડી ટોચે
સપનું સેવ્યું, ‘અંતરીક્ષને માપું,
મારો પ્રાણ અરે, ક્યારેક તો અવકાશમાં પહોંચે!’
એ જ થયું ડચ લોકોનું ન્યૂ એમ્સ્ટર્ડામ,
એમાં અનેક દેવળો, પ્રત્યેકની તીણી તીણી ટોચે
ઝંખ્યું, ‘પૃથ્વીની પાર પણ હશે પવિત્ર ધામ,
મારું હૃદય હા, ક્યારેક જો અવકાશમાં પહોંચે!’
એ જ થયું ન્યૂ યૉર્ક, જ્યાં માનવતા પચરંગી,
એમાં કૈંક સ્કાયસ્ક્રેપરો, એ પ્રત્યેકની ઊંચી ઊંચી ટોચે
અંતે અનુભવ્યું, ‘પૃથ્વીની ભ્રમણરેખાને ઉલ્લંઘી,
મારી ચેતના જુઓ, ઓ અવકાશમાં પહોંચે!’
આ પક્ષીદ્વીપ, આરંભથી હતી એની ઊર્ધ્વદૃષ્ટિની આંખો,
હવે ઊડું ઊડું થૈ રહી એની ભવિષ્યોન્મુખ પાંખો!
૨૦૦૪