(૨૦૧૫ના મેની ૧૮મીએ મારી નેવ્યાશીમી જન્મતિથિ નિમિત્તે ડૉ. પ્રીતિ મહેતા અને ડૉ. રૂપેશ મહેતાએ એમના નિવાસસ્થાને મિત્રમિલન અને રાત્રિભોજન યોજ્યું હતું તે પ્રસંગે વંચાયું.)
વાતમાં ને વાતમાં નેવ્યાશી વર્ષો તો ગયાં, કાલથી નેવુ થશે,
બાકી જે કૈં રહ્યાં જોતજોતામાં જશે, એમાં આયુષ્ય કેવું હશે ?
આજ લગી વરસોવરસ જેવું સુખે ગયું હવે એવું જશે ?
જન્મ પૂર્વે ને મૃત્યુ પછી અંધકાર છે, એ સત્ય હું ગ્રહી શકું,
જન્મ્યા પછી હવે પ્રકાશ મેં જોયો નથી એવું નહિ કહી શકું;
આ જગતમાં પ્રકાશથી વિશેષ એવું કશું જોવા જેવું હશે ?
મારું મોટું સદ્ભાગ્ય ! મને પ્રેમ મળ્યો, મૈત્રી મળી, કાવ્ય મળ્યું;
આયુષ્ય જાણે કે એક સપનું હોય એમ ફૂલ્યું, ફાલ્યું ને ફળ્યું;
અંતે આ દેહ ભસ્મમાં ભળી જશે, પછી જેવું હતું તેવું થશે.
૧૮ મે, ૨૦૧૫