તે દિવસે તમારા ઘરમાંથી વિદાય થતો હતો
(ત્યારે જાણ્યું ન’તું હું તમારાથી હંમેશ માટે દૂર જતો હતો),
ત્યારે તમે કહ્યું’તું, ‘થોડુંક અધૂરું છે, પૂરું થશે એટલે કહીશ.’
મેં કહ્યું’તું, ‘ત્યાં લગી તમારાથી દૂર રહીશ.’
‘પૂરું થશે એટલે કહીશ’, એ શબ્દોને વર્ષો થયાં,
તમારા મૌનમાં ને મૌનમાં વર્ષો ગયાં;
જાણું નહિ કેમ પણ મેંય તે તમને પૂછ્યું નહિ: ‘પૂરું થયું ?’
મારું એ પૂછવાનું પણ અધૂરું રહ્યું.
કોઈનુંયે ક્યારેય બધું પૂરું થયું હોય છે ?
સૌ મનુષ્યોનું કૈં ને કૈં અધૂરું રહ્યું હોય છે.
અલ્પજીવી મનુષ્યોની એ નિયતિ,
અપૂર્ણ એવા મર્ત્ય મનુષ્યોની એ ગતિ.
ચિતામાં ખોળિયું તો ભસ્મમાં ભળી જતું હોય છે
તો સાથે સાથે જીવનમાં જે અધૂરું રહ્યું તે પણ બળી જતું હોય છે.
૨૧ જાન્યુઆરી, ૨૦૧૬