પશ્યન્તી/અનિશ્ચિતતાની વધતી માત્રા

Revision as of 06:18, 6 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અનિશ્ચિતતાની વધતી માત્રા | સુરેશ જોષી}} {{Poem2Open}} જેમ જેમ અનુભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અનિશ્ચિતતાની વધતી માત્રા

સુરેશ જોષી

જેમ જેમ અનુભવનું ફલક વિસ્તરતું જાય છે તેમ તેમ અનિશ્ચિતતાની માત્રા વધતી જાય છે. શ્રદ્ધાથી આવતી નિશ્ચિતતા મને બહુ ખપની લાગી નથી. ઈશ્વરને ખૂંટે બંધાઈને સ્થિર થવામાં મને ઈશ્વરનો દુરુપયોગ કરવા જેવું લાગે છે. મને લાગે છે કે હવે જીવનમાં આગળ વધતાં હું અનિશ્ચિતતાની દિશામાં જ જઈશ. ધર્મને નામે આવતી પ્રમાણભૂતતા એક મર્યાદા ઊભી કરે છે. રોમેન્ટિક કવિઓ જે કાંઈ કહેતા હતા તેના સત્ય વિશે અભિનિવેશપૂર્વક નિશ્ચિતતા પ્રગટ કરતા હતા. પોતે જે અનુભૂતિને પ્રગટ કરતા હતા તેનાં મૂલ્ય વિશે પણ એઓ કશી શંકા ધરાવતા નહોતા. આથી જ તો એઓ પયગમ્બરી છટાથી બોલતા હતા. પણ આજે મારી પાસે એવી દૃઢ પ્રતીતિની કે નિશ્ચિતતાની કોઈ ભૂમિકા નથી. આથી જ હું જે કરું તેની ‘ઓથેન્ટિસીટી’ સ્વીકારાઈ જાય એવો આગ્રહ હું રાખી શકતો નથી.

ગોવર્ધનરામ પાસે ગાંઠ વાળીને સ્વીકારી લીધેલી અમુક નિશ્ચિત જીવનદૃષ્ટિ હતી. સરસ્વતીચંદ્ર પરિવ્રાજક હોવા છતાં એના ભ્રમણનો નક્શો ગોવર્ધનરામે નક્કી કરી આપેલો હતો. આજે જુવાન નવલકથાકારને જીવન વિશે કશીક નિશ્ચિતતાથી કહેતા જોઉં છું ત્યારે મને આશ્ચર્ય થાય છે, ઈર્ષ્યા થતી નથી. નિશ્ચિત થવા માટે, પૂરો નક્શો આંકવા માટે, બધું માપની સીમામાં લાવવા માટે તમારે ક્ષેત્રને મર્યાદિત કરી નાખવું પડે છે. મારા નાના ઓરડાની વાસ્તવિકતા વર્ણવતા હું મૂંઝાઈ જાઉં છું, પણ કોઈ મને એની અમુક એક વિગત વિશે પૂછે તો હું એ વિશે નિશ્ચિતતાપૂર્વક કહી શકું છું. પણ ઓરડો કાંઈ એટલામાં જ સમાઈ જતો નથી. ભીંત પર લટકતાં ફોટા પર સમયના વ્યાપેલાં જુદાં જુદાં થર, એમાં પ્રસરતા અથડાતા ભાગતા જુદા જુદા અવાજો – આ બધાંની વાત કરવા જાઓ તો બધું અમર્યાદિત અને માટે જ અનિશ્ચિત બની જાય.

કાફકા કે દોસ્તોએવ્સ્કી કોઈ કૃતિ પૂરી ન કરી શક્યા એનું આ જ કારણ મને તો લાગે છે. પ્રૂસ્તની વાત પણ એવી જ છે. બાળપણથી જ એને કશુંક લખવાનો ભારે ઉત્સાહ. પણ લખવા બેસે ત્યારે શાને વિશે લખવું તે જ સમજાય નહિ. કાફકાના પિતા એને કશુંક એવું કરવાનું કહેતા જેથી એની વિશિષ્ટ છાપ અંકાઈ જાય. કાફકાને એ જ કરવાનું સૌથી અઘરું લાગતું હતું. આમ અદમ્ય એવી સિસૃક્ષા અને એની સાથે સાથે એ બધા પ્રપંચની નિરર્થકતા – આ બંને લાગણીઓ આ સર્જકોને પીડતી હતી. આથી પ્રૂસ્તની નવલકથા તે નિરૂપણ કરવા યોગ્ય વિષયને માટેની નિષ્ફળ જવા નિર્માયેલી શોધનો આલેખમાત્ર છે. કાફકા પણ ભારે ખંત અને ધીરજથી પોતાની આવી જ નિષ્ફળતાની વાત કરે છે.

આ સંઘર્ષ ભારે કપરો છે. એક વાર એમાં ફસાયા પછી એમાંથી કશી નિશ્ચિતતાને કાંઠે લાંગરવાનું અશક્ય બની રહે છે. આથી જ તો વાસ્તવિકતાના દસ્તાવેજી પુરાવા રજૂ કરી શકાતા નથી. હું મારી જ વાત કરવા જાઉં તો ક્યાંનો ક્યાં અટવાઈ જાઉં છું. સીમા ભુંસાતી જાય છે, બધા પરિચિત આશ્રયો દૂર ને દૂર સરી જઈને ઝાંખા થતા જાય છે. મિલ્ટને આવી જ કશી મૂંઝવણ અનુભવીને ઉદ્ગાર કાઢ્યો હશે, ‘Myself am hell’ અને જો આપણે બીજી વ્યક્તિ સુધી પહોંચવા જઈએ તો તો વળી મુશ્કેલી ઓર વધી જાય છે. એ મુશ્કેલીનો અનુભવ આપણા જમાનામાં સાર્ત્રે પ્રગટ કર્યો છે. ‘No Exit’ નામના નાટકમાં એનું એક પાત્ર અકળાઈને કહે છે, ‘Hell is Other People.’ આથી કોઈ માનવીને, પોતાની અકાળે નિશ્ચિત કરેલી, માન્યતાના ખાનામાં પૂરીને એ માપનો બનાવીને જુએ અને સાથે સાથે માનવનો આદર્શ રજૂ કર્યાનો ઘમણ્ડ રાખે તો એ મને તો અક્ષમ્ય લાગે છે.

કળાકાર કોઈ વિશિષ્ટ પ્રકારનો માનવી છે એવી રોમેન્ટિકોની કલ્પના હતી. એ બોહેમિયન બન્યો; ફૂલણજી, છેલબટાઉ બન્યો. પણ એ બધી જુદા જુદા વેશ ભજવવાની રમત હતી. હવે કાફકા, પ્રૂસ્ત વગેરેએ એ વાત પર ભાર મૂક્યો કે કળાકાર આપણા જેવો જ માનવી છે. એનામાં પયગમ્બરનું કે ક્રાન્તદૃષ્ટાનું આરોપણ કરવાનો કશો અર્થ નથી. એમની કૃતિઓમાંથી પણ આ જ હકીકત ફલિત થતી હોય છે. એનો વિશેષ જો હોય તો તે એટલો જ કે એ કંઈક વધુ વિશિષ્ટતાથી બધું જોઈ સમજી શકે છે. પણ એની પાસે આપણા જમાનાનાં અનિષ્ટોથી બચવાને માટેની કોઈ જાદુઈ કરામત નથી. ઘણાં અનિષ્ટો વચ્ચે જીવવા છતાં એ વિશેની કશી સભાનતા જ ધરાવતા નથી. કેટલાક નવલકથાકારો આ અનિષ્ટોને સહેલાઈથી નિવારવાની યુક્તિઓ બતાવે છે, આ કે તે જીવનની સંકુલતાને જ આંખ આડા કાન કરીને નહિ સ્વીકારવાની અપ્રામાણિકતા છે એવું મને લાગે છે. ‘આ, આ છે’ એવું નિશ્ચિતતાથી કહેવું કેટલું અઘરું છે! કાફકાની નવલકથા ‘The Trial’નું પ્રથમ વાક્ય જ આપણને જુદી આબોહવામાં પ્રવેશ કરાવે છે. ‘કોઈક જોસેફ કે વિશે જૂઠાણું ફેલાવતું હોવું જોઈએ.’ કોઈ ખરેખર આમ કરતું હતું કે નહિ? એ કોણ હતું? આવા પ્રશ્નોના જવાબ મળવાની આશાએ આપણે આગળ ને આગળ વાંચ્યે જઈએ છીએ. બીજી નવલકથામાં એ જાણવાની આપણી ઉત્સુકતા જરૂર સન્તોષાય પણ ખરી. પણ કાફકાની નવલકથામાં એવું બનતું નથી. એનું કારણ એ નથી કે કાફકા કશીક માનસિક વિકૃતિને કારણે વાચકોને પજવવામાં રાચે છે. ઘણા સાધુચરિત વિવેચકોએ કાફકાને મનોરુગ્ણતા બદલ ભાંડવાનું સુખ લીધું છે. માત્ર કાફકાને માટે જ નહિ, પણ જે કૃતિ સન્દિગ્ધ રહે છે, કશી નિશ્ચિતતાની સલામત ભૂમિમાં લઈ જતી નથી તેવી બધી જ કૃતિઓને આવી રીતે ભાંડવામાં આવે છે. નવલકથા પૂરી થતાં બધું નિશ્ચયાત્મક રીતે સ્થાપિત થવું જોઈએ. પશ્ચિમની સંસ્કૃતિ સાથેનો આપણો સમ્પર્ક આપણા માટે ખતરનાક નીવડવાનો છે કે અસ્તિત્વવાદનું ભૂત ભારતની પુણ્યપવિત્ર ભૂમિમાં ટકી રહી શકવાનું નથી તે નવલકથા પૂરી થતાં સ્થાપિત થઈ જવું જોઈએ.

સાચી વાત એ છે કે કાફકા જેવા સર્જકો આપણાં ગૃહીતોને જ પડકારવા ઉશ્કેરે છે. એ થવાની ઘણી જરૂર છે, કારણ કે આ ગૃહીતો ધીમે ધીમે આપણી ચેતનાને જડ બનાવી દે છે. આંધળી ચેતના લઈને જીવવાની એ આપણને ટેવ પાડી દે છે. આથી જોસેફ કે દોષિત હતો કે નહિ એ પ્રશ્ન પૂછીને આપણે શો જવાબ મેળવવા ઇચ્છીએ છીએ તે વિચારવું જોઈએ. જોસેફ કે. કાફકાએ સર્જેલી સૃષ્ટિનું પાત્ર છે, આથી સામાન્ય રીતે આપણે એવી અપેક્ષા રાખીએ કે પ્રશ્નનો જવાબ કાફકાએ નક્કી કરી રાખ્યો જ હશે, પણ કાફકા તો એ દર્શાવી આપે છે કે એ વિશે નિર્ણય કરવાનું જ ભારે કપરું છે. આથી કાફકા એ વિશે કશા નિર્ણય પર આવવાનું કેટલું અઘરું છે તે જ આપણને દર્શાવી આપે છે. એનો હા કે નામાં જવાબ આપવો હોય તો એ આપી દઈ શકે, પણ એ જવાબ આપવો બહુ સહેલો છે. માટે જ એને એમાં વિશ્વાસ બેસતો નથી. આ પ્રશ્ન બારાખડીના અમુક અક્ષરોને બદલે બીજા અમુક અક્ષરો વાપરવાનો નથી.

કાફકાની બીજી નવલકથા ‘The Castle’માંથી એક બીજું ઉદાહરણ લઈએ : એ નવલકથાનો નાયક (એને નાયક કહેવો એ પણ કેવું તો બેહૂદું છે તે કાફકાએ ક્યાં નથી દર્શાવી આપ્યું?) ફ્રીડાનો હાથ પોતાના હાથમાં લે છે અને કહે છે : ‘એના હાથ ખરેખર નાના અને નાજુક હતા, પણ એને નબળા અને કશી લાક્ષણિકતા વિનાના પણ જરૂર કહી શકાય.’ આમ જોઈએ તો આ તુચ્છ વાત ગણાય. પણ વાચક આથી જરૂર મૂંઝાઈ જવાનો. એને પ્રશ્ન થશે, ‘તો પછી ખરેખર એ હાથ કેવા હતા? નાજુક કે નબળા?’ કાફકા અહીં જે કહેવા માંગે છે તે આપણને અજાણ્યું નથી. એને માત્ર એટલું જ કહેવાનું છે કે આ દુનિયામાંથી આપણે કશો અર્થ ઉપજાવવા જઈએ તો એનો અર્થ એ કે એને વિશેની અમુક વિગતોને જ આપણે સ્વીકારીએ છીએ અને તત્પૂરતી બીજી વિગતોને આપણે વિસારે પાડીએ છીએ. આમ જગતની બાદબાકી કરીને જ એને વિશે કશું નિશ્ચિતપણે આપણે કહી શકીએ. તો સર્જક એવું શા માટે કરે?

28-10-81