શહેર, શેરી ને શ્વાન
(ત્રણ મુસલસલ ગઝલ)
શહેર
આ દરિદ્રી જણ નથી, આ શહેર છે,
ફાટલું પ્હેરણ નથી, આ શહેર છે.
સાવ અધ્ધર, શ્વાસની આદત પડે,
ગીધ ચકરામણ નથી, આ શહેર છે.
ચાલવામાં માત્ર પડછાયા હતા,
એથી તો રજકણ નથી; આ શહેર છે.
કાળના સંતાપ શમવાના નથી,
આ ધધખતી ક્ષણ નથી; આ શહેર છે.
ડાકલા વાગ્યા કરે છે રાતદિન,
જાય એ વળગણ નથી, આ શહેર છે.
શેરી
શહેરની શેરી હતી;
સ્તબ્ધતા પહેરી હતી,
ઊંટ બીજું શું કરે?
રેત ખંખેરી હતી;
સાપની છે કાંચળી,
પણ, ઘણી ઝેરી હતી.
બંધ ઘરની બારીઓ;
દૃશ્યની વેરી હતી,
તૂટતા એકાંતમાં,
દેહની દેરી હતી.
શ્વાન
શહેરની શેરીમાં સૂતો શ્વાન છે,
આંખ ફરકે તોય એનું ધ્યાન છે.
કોઈ ઘરનો સહેજ પડછાયો ખસે,
તો તરત સરવા થનારા કાન છે.
એ પગેરું દાબીને જાણી જશે,
આપના વસવાટનું ક્યાં સ્થાન છે?
ખૂબ લાંબા રાગથી રડતો હતો,
આવતા મૃત્યુનું જાણે જ્ઞાન છે.
છેક છેલ્લી ક્ષણ હશે ‘ઇર્શાદ’ની,
શ્વાન જેવો શ્વાન અંતર્ધાન છે.
૨૫-૩-૨૦૦૯