ખારાં ઝરણ/મન કરો રમમાણ ક્યાં છે
મન કરો રમમાણ ક્યાં છે?
એક પણ રમખાણ ક્યાં છે?
પાણી પાસે છે ખરાં, પણ,
વાયુ પાસે વ્હાણ ક્યાં છે?
સ્વપ્નની સરહદ હટાવે,
લક્ષ્યવેધી બાણ ક્યાં છે?
કેમ ઊડે છે કબૂતર?
જોઈ લે ભંગાણ ક્યાં છે !
‘જાવ તો સોગંદ છે, હોં’,
એવી ખેંચતાણ ક્યાં છે?
એક પળમાં દેહ છોડું -,
(એવાં) સ્વર્ગનાં ખેંચાણ ક્યાં છે?
જે ગયાં એ તો ગયાં છે,
ક્યાં ગયાં એ જાણ ક્યાં છે?
આ જગતને કોઈનું પણ,
ઠામકું બંધાણ ક્યાં છે?
૨-૧૦-૨૦૦૯