ઇતિ મે મતિ/અણુ અને વિભુ

Revision as of 09:14, 6 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અણુ અને વિભુ| સુરેશ જોષી}} {{Poem2Open}} કોઈક વાર એમ લાગે છે કે જાણે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અણુ અને વિભુ

સુરેશ જોષી

કોઈક વાર એમ લાગે છે કે જાણે કશું બનતું જ નથી. કશી ઘટના આકાર પામે એવું, એને ઘાટ આપનારું, કોઈ બળ વરતાતું નથી. આમ દોડાદોડી, ધમાલ, ઘોંઘાટ – એ બધું તો ઘણું છે. છતાં કશું ન બનવાની જે એક નિસ્તરંગ સ્થિતિ છે તે એવી ને એવી રહે છે. આવા અનુભવની ક્ષણો ઝાઝી લંબાતી નથી. આવી ક્ષણે(સમયવાચક શબ્દો વાપર્યા વગર છૂટકો નથી!) એવું લાગે છે કે જાણે બધું જ થંભી ગયું છે. આથી આપણે પણ જાણે નિશ્ચિહ્ન બની જઈએ છીએ. ગતિ તો તુલનાના પર આધાર રાખે છે. જો કશું જ ગતિશીલ ન હોય તો તુલના શેની સાથે કરવી? ઘણી વાર એવો અનુભવ પણ થાય છે જ્યારે માત્ર આપણે જ થમ્ભી ગયા હોઈએ એવું લાગે છે. બાકીનું બધું ગતિશીલ લાગે છે. આથી એ ગતિનો ધક્કો વાગે એની પ્રતીક્ષા જ માત્ર કરવાની રહે છે.

કોઈક વાર એથી ઊંધો જ અનુભવ થાય છે. ઘણું બધું એક સાથે બનવા લાગે છે. બારીમાંથી ઝૂકીને જૂઈની કળી મારા તરફ જુએ, શિરીષની ડાળ ઝૂલીને અવકાશમાં આંદોલનનાં લયવર્તુળો વિસ્તારે, મેદાનમાં પવન દોડે, લીમડાના ઝાડ નીચે એક બાળક પોતે પોતાનામાં ખોવાઈ જઈને સમાધિસ્થ બુદ્ધની જેમ બેઠું હોય – આવી બધી નાની નગણ્ય લાગતી ઘટનાઓ દરેક ક્ષણે આગવું સ્વાયત્ત વિશ્વ બની રહે. સૂક્ષ્મ વસ્તુનિરપેક્ષ ચિન્તનથી આ બધું સમજવાનો ઉદ્યમ પણ એક ક્રીડા જ છે. છતાં કશા વ્યવધાન વિના અપરોક્ષ રીતે વસ્તુમાં પ્રવેશવું અને વસ્તુને આપણામાં પ્રવેશવા દેવી – એ સ્થિતિ જ મને ગમે છે. જે પરોક્ષતા આવે છે તે ભયને કારણે ટકી રહેવાની વૃત્તિથી ઊભા કરેલા અન્તરાયોને લીધે આવે છે. કશું નર્યું આપણાથી સહેવાતું નથી. મારા જ નર્યા અસ્તિત્વને હું સહી શકતો નથી. આથી મારું કુટિલ મન મને પ્રશ્ન પૂછે છે : ‘એવું નર્યું અસ્તિત્વ સંભવે ખરું?’

મન તો કદાચ વિરોધો, તુલનાઓ દ્વારા જ જગતને સમજવા ઇચ્છે છે. એમાં પદ માંડવા ને ભૂંસવાની રમત જ ખૂબ ચાલ્યા કરે છે.

આથી મારા જ મનની પકડમાંથી છૂટીને હું ભાગી જઉં છું. પ્રકૃતિમાં ચાલ્યો જાઉં છું. વૃક્ષ છે એથી વિશેષ એને વિશે કહેવાની કશી જરૂર ઊભી થતી નથી. વૃક્ષ એનાં વર્ષોનો ભાર ઝીલતું ઊભું નથી હોતું. એની ઘટામાં વૈભવ છે, સમયનો નર્યો ઢગલો નથી. પણ ઘરમાં જોઉં છું તો દરેક જણ પોતપોતાના સમયના કોશેટામાં છે. વૃદ્ધત્વ આવે તેની સાથે આજુબાજુના સમયનો પરિવેશ ખૂબ જ સંકીર્ણ બની જાય છે. સમય વાઘસિંહને પૂરવા માટેના પિંજરા જેવો બની જાય છે. વીતી ગયેલા સમયનો પટ વિસ્તૃત બને છે ત્યારે જ સમય આમ સંકોચાઈને આપણને સંકોચે છે. એ વિરોધ પણ કદાચ ક્લેશકર બની રહે છે. વય વધતાં ભૂતકાળમાં જીવવાનું વલણ વધે છે એ વાત મને તો સાવ ખોટી લાગે છે. ત્યારે મોટા ભાગની પ્રવૃત્તિ તો ભૂતકાળને ભૂંસવાની હોય છે. ભૂતકાળ વિનાના વર્તમાનમાં, કશા આધાર કે ટેકા વગર ઊભા રહી શકાય ત્યાં સુધી સમય આપણે માટે કાળ બનતો નથી.

મરણ પણ મને ઘણી સંકીર્ણ વસ્તુ લાગે છે. હું મરણને અન્ય લોકમાં જવાના સિંહદ્વાર રૂપે જોઈ શકતો નથી. જેમ વય વધે છે તેમ આપણા માટે સમય પિંડીભૂત, ભારે, સંકુચિત, હ્રસ્વ થતો જાય છે. સમયના આ અનુભવની વાત કરવાનું જરા અઘરું છે. છતાં એ અનુભવ જો કોઈ રીતે વ્યક્ત કરી શકાય તો જ સમયની ભીંસ અને રૂંધામણમાંથી છુટકારો મેળવી શકાય એમ મને લાગે છે. ઘણો સમય આપણા વ્યવહારની બહાર રહી જાય છે. એ આપણા લોહીમાં ઓગળતો નથી, હથેળીમાં ઝીલાતો નથી, આંખમાં સમાતો નથી. વૃક્ષમાં સમય વ્યાપી જાય છે. વૃક્ષો સ્થળ પરત્વે દરિદ્ર ભલે હશે, પણ સમયને એ અંકુરિત થવા દે છે, ફાલવા દે છે, ખરવા દે છે. મૂળથી બંધાયેલાં છતાં વૃક્ષો આકાશમાં મુક્ત છે. સમય સાથેનો મેળ બેસાડવામાં મુશ્કેલી પડે છે ત્યારે જ વેદના થાય છે. વેદના એ આપણા સમયમાંથી ઉતરડાયાની જ વેદના છે. પણ સમય વિશેની વધુ પડતી સભાનતા જ આપણને નિર્બળ તો નથી બનાવી દેતી? એક ક્ષણની સ્વયંપર્યાપ્તતાની મર્યાદાને ભેદીને એમાંથી મુક્ત થઈ જવાની પ્રવૃત્તિ જ સર્જન નથી? કોઈ કવિની એક પંક્તિ વાંચું છું ને તરત જ શબ્દમાંથી આકાશ પ્રકટે છે, એક બ્રહ્માણ્ડ વિસ્તરે છે. શબ્દોમાં અણુ અને વિભુના બે અન્તિમ ધ્રુવોને પોતાના વ્યાપમાં સમાવી લેવાની શક્તિ પ્રકટ કરે તે કવિ. શિશુ માતાના ખોળામાં જ વિશ્વના વ્યાપને પામે તેવું કંઈક આ છે.

કેટલીક વાર કેવળ દૃષ્ટિપાત કરવો એ પણ કેટલું મોટું સાહસ લાગે છે! આપણા દૃષ્ટિપાત વિસ્તરે છે, એના છેડા લચી પડે છે. એમાંથી એક તનાવ ઊભો થાય છે, અત્યન્ત ઉજ્જ્વળ હોવાને કારણે નરી શ્વેત લાગતી એવી કશીક શક્તિ એમાંથી અવતરીને આકાશમાં ભળી જાય છે. આપણી આંખ અને આકાશ જોડાઈ જાય છે. એટલી બધી વિસ્તૃતિ આપણે ક્યાં સુધી સહી શકવાના હતા? પછી કેવળ દૃષ્ટિપાતથી આપણે અદૃશ્ય એવા કેટલાય ઊંચા ઊંચા સ્તમ્ભ ખડા કરી દઈએ છીએ!

બધું જ બનવાની દિશા તરફ ગતિ કરતી એક પ્રક્રિયા છે. આથી ધ્યેય કે લક્ષ્યની વાત કરવા કરતાં અવાન્તર સ્થિતિઓનું વર્ણન કરવાનું જ આપણે માટે તો શક્ય છે. પારગામી દીર્ઘ દૃષ્ટિનો મને લોભ નથી. સમ્મુખ જે છે તેને જ બને તેટલી તાદૃશતાથી જોવાનું બની શકે તો બસ. પણ હવે જાણે જોવાનો બહુ મહિમા રહ્યો નથી. પણ જે જોતો નથી તે બોલે શી રીતે? આંખો બંધ કરીને તપ કરનાર ઋષિ પણ આખરે તો અન્તરમાં દૃષ્ટિ વાળીને જુએ છે.

બીજી બાજુથી આપણા જમાનામાં આપણે શું જોવું તેની સ્વતન્ત્રતા આપણી પાસેથી આપણને ખબર ન પડે એ રીતે છીનવી લેવાઈ છે. ધીમે ધીમે, શું વાંચવું, શું બોલવું, શું વિચારવું એ પણ આપણા પર અકળ રીતે થતા દબાણને વશ થઈને આપણે નક્કી કરતા થઈ જઈશું. ટેલિવિઝન પાસે કલાકના કલાક બેસી રહેનારા પરવશ ગુલામોની પેઢી હવે આવશે, ટ્રાન્ઝિસ્ટરોએ એવા શ્રોતાઓ ઊભા કર્યા હતા.

ના, હું વિકાસ કે પ્રગતિનો વિરોધી નથી. પણ માનવીએ ઉપજાવેલાં સાધનો કેવી રીતે વાપરવાં તે વિશેની મારી વિવેકબુદ્ધિને કુણ્ઠિત કરે એવું કશું હું સહન કરી ન લઉં. આજે તો જ્યાં જોઈએ છીએ ત્યાં પ્રજાનો વિશાળ સમૂહ કશાક વેગીલા પ્રવાહમાં તણખલાની જેમ તણાતો દેખાય છે. લોકશાહી ઊંચી કરવા પૂરતી આપણી એક આંગળીને જ ટકાવી રાખે છે. બાકીના આપણા વ્યક્તિત્વનો એને ખપ નથી. શિક્ષણ સંસ્થાઓ અમુક દૃષ્ટિબિન્દુની માહિતી આપે છે, વ્યક્તિત્વનો વિકાસ કરતી નથી.

સામાજિકતા આપણને સદે અને પથ્ય નીવડે તેટલી જ માત્રામાં સ્વીકારવી જોઈએ. સમાજના એક એકમ તરીકે પણ આપણું કશુંક આગવું હોવું જોઈએ. જો એ ન હોય તો આપણો સમાજ ઓળખાશે શી રીતે? સામાજિકતા આજે તો શાહીચૂસ કાગળ જેવી છે, એ આપણને પૂરેપૂરા ચૂસી લે છે, આપણે ઘાટઘૂટ વગરના એક ડાઘરૂપે જ માત્ર રહી જઈએ છીએ. માનવજાતિના ઇતિહાસમાં આપણે જોતા આવ્યા છીએ કે કોઈક ને કોઈક નિમિત્તે આપણા વ્યક્તિત્વના વિકાસથી ભડકતા રહ્યા છીએ અને એને રૂંધવાના અનેક પ્રયાસો કરતા રહ્યા છીએ. આથી જ તો આપણને ઇષ્ટ નહીં એવી આક્રમકતા આપણામાં પ્રવેશી જાય છે, ખોટા સંઘર્ષો ઊભા થાય છે. આપણે જે કાંઈ સ્વચ્છતાથી અને સંગીનપણે કરી શકીએ તે ભારે દબાણ અને તંગદિલી વચ્ચે કરતા હોઈએ છીએ. આમ આપણી ઘણી શક્તિ આ કૃત્રિમ સંઘર્ષને પહોંચી વળવામાં ખરચાઈ જાય છે, એ શક્તિને બચાવી લેવાના ઉપાય શોધવા પડશે.

21-6-75