ઇતિ મે મતિ/આદિમ સંસ્કૃતિના પ્રદેશમાં
સુરેશ જોષી
રાતે કોઈક વાર એકાએક નરી નિ:શબ્દતા છવાઈ જાય છે, ત્યારે ચૈત્ર-વૈશાખના રજાના દિવસોની બપોરે સોનગઢની આજુબાજુની ટેકરીઓ પર એકાન્તમાં જઈને બેસતો તે વેળાની નિ:શબ્દતા મારા મનમાં રણકી ઊઠે છે. સોનગઢના કિલ્લાનાં ખંડેરોની ઈંટોનો માટીનાં પકવેલાં વાસણો જેવો સૂકો રંગ, ઉપર ભૂરું આકાશ અને નિ:શબ્દતાના સૂર સાથે તાલ મેળવીને વાતો આછો પવન – આ બધાંનું એવું તો કામણ અનુભવતો કે વૃક્ષો વચ્ચે, ધરતી વચ્ચે, આકાશ નીચે એ બધાંથી નોખો માણસ બનીને બેઠો છું એ વાત ભુલાઈ જતી. પંખીના ટહુકા, વૃક્ષોનો પર્ણમર્મર, ક્યાંક દૂર ભાંભરતી ગાય એ શાન્તિના પોતને જર્જરિત કરતાં નહોતાં. ત્યારે તો જાત સાથે વાત કરવાની વય નહોતી. મન બહાર દોડીને બધે વ્યાપી જતું. એ શાન્તિનાં સરોવર મનમાં સંઘરીને હું મહાનગર મુંબઈ ગયો હતો. હજી આજેય એ સરોવર સુકાયાં નથી.
આમ છતાં પહેલાં જે શક્ય હતું તે આજે દુર્લભ બની ગયું છે. આ પાસેના લીમડાઓને એકાન્તમાં મળવાનું બનતું નથી. આ પાસે જ ચંપાનાં ખીલેલાં ફૂલનો ગુચ્છો નમતા પહોરના તડકામાં શોભી ઊઠ્યો છે. એને નિનિર્મેષ જોવાનું મન થાય છે, પણ વચમાં કેટલા અન્તરાય! સોનગઢની એ ટેકરી પર, ખુલ્લા અવારિત આકાશ નીચે, બેઠાં બેઠાં હવાને દૂરની ટેકરીઓ પર ભૂરી બનીને છવાઈ જતી જોતાં કેવો રોમાંચ થતો! સૂર્યમાં ચળકતું હવાનું પોત મુગ્ધ બનીને જોયા કરતો. આજે ઉત્તરપશ્ચિમમાં નેપ્થાક્રેકરના ભડકા છે, હવામાં ક્લોરીનની વાસ છે, ક્ષિતિજના છેડા તો દેખાતા જ નથી. દૂરથી કોઈક વાર સોનગઢવ્યારા તરફના આદિવાસીઓને જોઉં છું. હવે તો એ લોકો પણ શહેરી થઈ ગયા છે. એમની દન્તકથાઓ, એમનાં દેવદેવીઓ, એમનાં વાજંત્રોિ, એમના ઉત્સવો, નૃત્યો ને ગીતો – એ બધાંની શી દશા થઈ હશે?
ઓર્લાન્ડો, ક્લોડિયો અને લિયોનાર્ડો ત્રણ ભાઈઓ હતા. બ્રાઝિલમાં અરણ્યઘન પ્રદેશમાં ઊંડે ઊંડે જઈને ત્યાં રહેતી આદિવાસી પ્રજાઓ, ત્યાંની વનસ્પતિ, ત્યાંનાં પશુપંખી – આ બધાંનું સંશોધન કરવા માટે પશ્ચિમ તરફ જવા નીકળેલા સાહસિક સંશોધકોની મંડળીમાં એ ત્રણેય ભાઈઓ હતા. એ મંડળીના બીજા બધા તો પાછા ફર્યા પણ આ ભાઈઓ એ આદિવાસી પ્રજા વચ્ચે જ રહી પડ્યા. ત્યાંનું પ્રાકૃતિક સૌન્દર્ય અને એ આદિવાસીઓની સંસ્કૃતિની સમૃદ્ધિએ એમને આકર્ષ્યા. આ પ્રજાની સંસ્કૃતિને અણીશુદ્ધ રાખવી, જમીનના લોભી વેપારીઓ, હીરાની ખાણ શોધનારાઓ, ચામડાનો વેપાર કરનારાઓ, રબર એકઠું કરનારાઓ – આ બધાથી એ પ્રજાને બચાવી લેવી જોઈએ એવું એ ભાઈઓના મનમાં વસ્યું. આજે એ પ્રજા હેમખેમ રહી છે તે આ ત્રણ ભાઈઓને પ્રતાપ. એમાંનો સૌથી નાનો ભાઈ તો ત્યાં જ મરી ગયો.
આ ઝિન્ગુ જાતિ કુલુએને નદીના પ્રદેશમાં રહે. ત્યાં જંગલમાં રસ્તા નહિ, કેડી પણ નહિ. ઝાડઝાંખરાં કાપીને હાથે રસ્તો બનાવવો પડે. એ પ્રજાને બીજી કહેવાતી સુશિક્ષિત પ્રજાના અસ્તિત્વ વિશે કશી જ જાણ નહિ. આ ભાઈઓ એ લોકો જોડે ભળી ગયા. એ લોકો ખાય તે ખાધું, એમની હસ્તકળા જોઈને એઓ ચકિત થઈ ગયા. એઓ વસ્ત્રો પણ વણે ને માટી પકવીને વાસણ પણ બનાવે. આ ભાઈઓએ એ લોકોમાં જે માંદા હતા તેની દવા કરી, એમને ભેટો આપી ને બદલામાં કશું માગ્યું નહિ. જંગલમાં શાન્તિને વિક્ષુબ્ધ કર્યા વિના કેવી રીતે ચાલવું તે એઓ શીખી ગયા. વરસાદ અને ઠંડીના દિવસોમાં પોતાનું રક્ષણ શી રીતે કરવું તે પણ એઓએ જાણી લીધું. સૌથી વધુ પ્રભાવ એ ત્રણ ભાઈઓ વિશે આ લોકો પર એ પડ્યો કે આ ભાઈઓ માંહેમાંહે કદી લડતા નહોતા. એ લોકોએ આ ભાઈઓની પ્રામાણિકતા જોઈ લીધી. એ પ્રજાના રીતરિવાજ પ્રત્યે પણ એમણે આદર દાખવ્યો. એ લોકોને એમ લાગ્યું કે આ ભાઈઓ પણ બીજી કોઈ જાતિના વડા હશે. કશાક કારણથી એમની જાતિના લોકોને, એમની સ્ત્રીઓને અને એમની જીવનરીતિને છોડીને એઓ અહીં આવીને રહ્યા છે.
મોટો ભાઈ આ પ્રજાની ભાષા ન જાણવા છતાં એમની વાત સમજી લેતો, સૌથી નાનો ભાઈ ગામને ચોરે આદિવાસીઓ વચ્ચે નિરાંતે પગ વાળીને બેસતો કે ઝાડની ડાળી વચ્ચે બાંધેલી ઝોળીમાં સૂઈ રહેતો. વચેટ ભાઈ આ બન્નેથી સાવ જુદો. એ હંમેશાં થેલામાં પુસ્તકો લઈને ફરે : એ રહસ્યમય કાગળને જોતો આખો દિવસ એકાગ્ર ચિત્તે બેસી રહે તેની આદિવાસીઓને ખૂબ નવાઈ લાગે. બહુ ધીમે અવાજે બોલે. આ આદિવાસીઓએ પણ જે જાતિને દુષ્ટ માનીને બહિષ્કૃત લેખેલી તેમની સાથે પણ આ ભાઈઓ ભળી ગયા.
આવા કપરા સંજોગોમાં આ ભાઈઓ શી રીતે ટકી રહ્યા હશે? વચેટ ભાઈ કલોડિયો તો લાગલગાટ નવ વરસ સુધી એ જંગલ છોડીને ક્યાંય બહાર ગયો નહોતો. જંગલમાંના એમના વસવાટ દરમ્યાન બસો વાર તો મેલેરિયાના હુમલા થયા હશે. આ ઉપરાંત એકલવાયાપણું અને ભૌતિક સુખસગવડનો નર્યો અભાવ! આ ભાઈઓએ બે દાયકા સુધી તો કોઈ પણ ધર્મના પ્રચારકોને આ પ્રજાથી દૂર રાખ્યા, કહેવાતા ક્રાન્તિકારીઓને પણ ટાળ્યા. બબ્બે વાર શાન્તિ માટેનાં નોબેલ પારિતોષિક માટે એમનાં નામ સૂચવવામાં આવ્યાં હતાં. પણ એક આદિવાસી કઠિયારાની વિધવાને એના દુ:ખના કપરા દિવસોમાં અર્ધો કોથળો ચોખા મોકલ્યા હતા તે બદલ આભાર માનતી અક્ષરો ન વંચાય એવી ચબરખી એમને સાચવી રાખેલી. નોબેલ પારિતોષિક કરતાં એમને મન એનું મૂલ્ય ઘણું હતું.
આ ઝિન્ગુ જાતિને કહેવાતા સંસ્કૃત સમાજમાં ભેળવી દેવાના પ્રયત્નને આ ભાઈઓએ રોક્યો. એમણે જે અહેવાલ રજૂ કર્યો તેમાં સ્પષ્ટપણે એમણે કહ્યું, ‘અમારા નમ્ર મત પ્રમાણે આ જાતિની સાચી રક્ષા તે એમને ઘટતું માન આપવું અને એમનાં જીવનમૂલ્યો પ્રમાણે એઓ જીવી શકે એવી બાંહેધરી આપવી. આપણી કહેવાતી ‘સંસ્કારી’ પ્રજા એમને ભવિષ્યમાં આત્મસાત્ કરી શકે એવી પરિસ્થિતિ ઊભી કરે નહિ ત્યાં સુધી એમને એ સમાજમાં ભેળવી દેવાનો પ્રયત્ન એમના વિનાશની યોજનાને અમલમાં મૂકવા બરાબર ગણાશે. આપણે હજી એમને આપણામાં ભેળવી દેવા માટે પૂરા તૈયાર થયા નથી.’
આ આદિવાસીઓમાં પ્રચલિત દન્તકથાઓ, એમના આચારવિચાર અને ધામિર્ક વિધિઓને બરાબર સમજવાં હોય તો એ લોકો માનવી અને પશુ, રાત અને દિવસ, પ્રાકૃતિક અને અતિપ્રાકૃતિક વચ્ચેના સમ્બન્ધોને જે રીતે જુએ છે તેને બરાબર સમજી લેવાનું રહેશે. આપણાં સાંસ્કૃતિક વળગણોને ઘડીભર અળગાં કરીશું તો જ એમના લોકસાહિત્યમાં માનવ વિશેનું જે સત્ય પ્રકટ થાય છે તેને આપણે સમજી શકીશું. વાઉરા નામની આદિવાસી જાતિના એક માણસને જ્યારે એમ કહેવામાં આવ્યું કે હવે તો માણસને ચન્દ્ર પર મોકલ્યો છે ત્યારે એને કશું અચરજ થયું નહોતું. ચન્દ્ર આપણે મન જેટલો દૂર છે તેટલો એમને મન નથી. આપણાં બાળકો અને ઘણાં મોટેરાંઓ પણ હવે પુરાણકથાઓ કે રામાયણ-મહાભારતની વાતો જાણતા નથી, પણ આદિવાસીઓ તો એમની આ વંશપરમ્પરાગત ચાલી આવતી કથાઓથી પૂરા વાકેફ હોય છે. એ વાર્તા વાંચવાની નથી હોતી, કહી સંભળાવવાની હોય છે અને એથી એ વધારે જીવન્ત બની રહે છે.
આ ઝિન્ગુ જાતિ વિશે સંશોધન કરવા ગયેલા એક વિદ્વાન લખે છે : ‘મારા બે વર્ષના સંશોધનકાર્ય પછી બાટોવી નદી પરના વાઉરા લોકોની હું વિદાય લેતો હતો ત્યારે એ જાતિના મુખીનો જમાઈ મારી સાથે આવતો હતો. એને સારણગાઠનું દર્દ હતું. એ જાતિના લોકો ઘણા રોગોની અસરકારક દવા જાણતા હોય છે, પણ શસ્ત્રક્રિયા કરવાનું જાણતા નથી. મારી જાતિના લોકો એ જાણે છે એવું મેં કહેલું તેથી એ મારી સાથે આવવા તૈયાર થયો હતો. બ્રાઝિલિયન એરફોર્સના માલવાહક વિમાનમાં અમે જેમ તેમ કરીને જગ્યા મેળવી. એ વિમાન જ એ પ્રદેશને બહારની દુનિયા સાથે જોડનારી એકમાત્ર કડી હતી. છ છાપરાંના ગામમાં રહેનારો એ આદમી પહેલી વાર એ છોડીને બીજી દુનિયામાં જઈ રહ્યો હતો. જતી વેળાએ મારા મનમાં અવઢવ હતી. મારા સમાજને જોતાં આ માણસના મન પર શી અસર પડશે? એને માટે એ જબરો આઘાત હશે તે તો હું જાણતો હતો, પણ એની જિન્દગી બચાવવી એ પણ એટલું જ જરૂરી હતું. મારી સંસ્કૃતિનાં વૈભવઐશ્વર્યથી એ હેબતાઈ જશે અને એથી એના મનમાં અસન્તોષ જાગશે અને એ પોતાની જાતિથી અળગો થઈ જશે એવો મને મનમાં ભય હતો. આથી હું મારી જાતિ વિશે એને ઝાઝી માહિતી આપતો નહોતો. એ લોકો મને મારી જાતિનો મુખી માનતા હતા. હું અહીં માટીનાં વાસણો કેમ બનાવવાં તે શીખવા આવ્યો હતો એવું તેઓ ધારતા હતા. એની ભાષા હું જ એકલો જાણતો તેથી મારે એની પડખે રહેવું જોઈએ એવું મને લાગતું હતું. સાઓ પાઉલોના વિમાનઘરે અમે ઊતરવામાં હતા ત્યારે એણે મને પૂછ્યું કે આ નીચે દેખાય છે તે ગામમાં કેટલાં ઘર હશે? ગગનચુમ્બી ઇમારતની હાર તરફ મેં આંગળી ચીંધી. મેં એને પહેલાં સાઓ પાઉલોની છબી બતાવી હતી. એ લોકોની લીધેલી છબી પણ બતાવી હતી. માણસો સપાટ ટપકાં ટપકાં જેવા હોઈ શકે તે એના માન્યામાં આવતું નહોતું. આથી ગગનચુમ્બી ઇમારતોનું પરિમાણ એના ધ્યાનમાં આવ્યું નહિ.
સાઓ પાઉલો બ્રાઝિલનું ઝડપથી વિકસી રહેલું અને સૌથી દૂષિત વાતાવરણવાળું શહેર છે. પહેલા થોડા કલાક તો એ કશું બોલ્યો જ નહિ. અમે ટેક્સીમાં અમારે નિવાસસ્થાને જતા હતા ત્યારે મૂંગો મૂંગો કેવળ જોઈ રહ્યો. એ મારો હાથ પકડી રાખીને બધું એકાગ્ર ચિત્તે જોતો હતો. એનું આત્મગૌરવ જરાય ઝંખવાયું નહોતું. આજુબાજુ બોલાતી ભાષામાંથી પોતાની ભાષાના શબ્દો સાંભળવા એણે કાન સરવા રાખ્યા હતા. ઝાડની ડાળ વચ્ચે બાંધેલી ઝોળીમાં સૂવાને બદલે સપાટ પોચી પથારીમાં સૂવું, ફલશવાળા જાજરૂનો ઉપયોગ કરવો, જે કાવો પીતો તેને બદલે ચા પીવી, આ બધું એને માટે નવું હતું, પણ એની કશી પ્રતિક્રિયા જોવામાં આવતી નહોતી. એ મારી જોડે ચર્ચા કરે એની હું ધીરજથી રાહ જોઈ રહ્યો હતો.
એકાદ અઠવાડિયા પછી એણે મને એની સાવ પાસે ખેંચ્યો અને મારી આંખમાં આંખ માંડીને વિષાદભરી દૃષ્ટિએ જોતાં એણે સ્વસ્થ અવાજે કહ્યું, ‘અમે કેવી રીતે જીવીએ છીએ તે જોયા પછી તમને આ દુનિયામાં પાછા ફરવાનું શી રીતે ગમ્યું? આ ગંદી હવામાં તમે શ્વાસ શી રીતે લો છો? આટલા બધા ઘોંઘાટ અને વાહનોના એકધારા અવાજ વચ્ચે તમને ઊંઘ શી રીતે આવે છે? જે ખોરાકમાં એનો પોતાનો સ્વાદ નથી તેને તમે શી રીતે ખાઈ શકો છો? જે સ્ત્રીઓ સ્ત્રીઓ તરીકે જીવતાં ગભરાતી હોય એવું લાગે છે ને કાળા કાચ પાછળ આંખો ઢાંકી દે છે તેની સામે તમે સમ્બન્ધ શી રીતે રાખી શકો છો? અને આ ગામના રસ્તા પર સદા બંદૂક લઈને ઊભા રહેતા આ લોકો કોણ છે?’ મેં કહ્યું કે એ તો મુખીના માણસો છે. એણે કહ્યું, ‘તો તમારો મુખી સાચો મુખી નથી લાગતો, નહિ તો એના ગામનું રક્ષણ કરવા આટલા બધા બંદૂકવાળા માણસો જોઈએ? અમારી સાથે રહ્યા પછી તમે અહીં આવ્યા જ શી રીતે?’ મેં એને પૂછ્યું કે એ એની જાતિના લોકોને અહીં એણે જે જોયું તેની વાત કરશે ખરો? એણે કહ્યું, ‘ના, હું કહું તો એ લોકોને મારી વાત પર વિશ્વાસ બેસશે નહિ. તમારે આવી દુનિયામાં રહેવું પડે છે એ જાણીને એ લોકો દુ:ખી થશે. અમારા મુખી ઘરડા છે. એ આ બધું ન જાણે તે જ સારું. કદાચ કોઈક વાર મારા દીકરાને તમારી જાતિ વિશે હું કહીશ, કદાચ નહિ પણ કહું.’ એવી તીક્ષ્ણ દૃષ્ટિએ એણે બધું માપી લીધું.
એક જર્મન કવિએ કહ્યું છે તે યાદ આવે છે : હજી સૂર્યોદય થાય છે, રાત પડવાનું નાટક હજી ભજવાય છે. આ કેવું અચરજ? આ વહેલી સવારે મેં મને જીવતો જોયો. મને રાહત થઈ ને મારી બાજુમાંથી કોઈનો શ્વાસ મને સ્પર્શ્યો. અરે, હજી પૃથ્વી પર લોકો વસે છે ખરા? રેડિયો પર જે નાનું યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં આપણે કરેલી પ્રગતિના સમાચાર છે. આથી મને વિશ્વાસ બેસે છે કે માણસજાત મરી પરવારી નથી. સાંજના છાપામાં મેં વાંચ્યું કે જે લોકો રોજ શાન્તિની વાતો કરતા હતા તેમણે જાતે જ પોતાનો અન્ત આણ્યો. આમ છતાં દરરોજ હજી સૂર્યોદય થાય છે ને રાત પડવાનું નાટક ભજવાય છે.
26-1-81