સિગ્નેચર પોયમ્સ/આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી

Revision as of 02:51, 20 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આંધળી માનો કાગળ

ઇન્દુલાલ ગાંધી


અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્‌,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઈ ગામે;
ગીગુભાઈ નાગજી નામે.
લખ્ય કે માડી! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ!
સમાચાર સાંભળી તારા;’
રોવું મારે કેટલા દા’ડા?
ભાણાનો ભાણિયો લખે છે કે ગીગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે
પાણી જેમ પૈસા વેરે
હોટલનું ઝાઝુ ખાઈશ મા, રાખજે ખરચીખૂટીનું માપ,
દવાદારૂના દોકડા આપણે ક્યાંથી કાઢશું બાપ!
કાયા તારી રાખજે રૂડી;
ગરીબની ઈ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દિ’ પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું
મારે નિત જારનું ખાણું.
દેખતી તે દિ’ દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઈ ન આપે કામ,
તારે ગામ વીજળી દીવા
મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર,
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર,
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.
માંદી માંદી પડી ખાટલે હું પ્રભુના ગુણલા ગાઉં
હવે તો મને એક જ આશા : તારે કાંધે બેસીને જાઉં
મરવા ટાણે ર્‌હેજે પાસે
નહીં તો લોકમાં હાંસી થાશે
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્‌...