- પ્રતિબિંબ સિવાય પણ માણસ પોતાની બહાર હોઈ શકે છે.
- માણસ ઊભા રસ્તે જાય છે ત્યારેય રસ્તો સૂતેલો હોય છે.
- માણસ કાંટો થાય તો પવનને પણ ઉઝરડા પડે!
- માણસ બ્લેકબૉર્ડ પર ભુંસાવા માટે લખાયેલો શબ્દ છે.
- માણસની જરૂરિયાતો માણસને સસ્તો બનાવી દે છે.
- ગોળ ગોળ બોલનાર માણસ, ગબડતો નથી પણ ગબડાવે છે.
- માણસ કંઈ દરિયો નથી કે પોતાનામાં જ આંદોલન કરે!
- ભૂતકાળ અને ભવિષ્યકાળની ડબલ સવારીને વર્તમાનમાં ખેંચે તે માણસ.
- હિસાબ માંડશો તો માત્ર માણસ જ ખૂટે છે.
- માણસનો બીજા માણસ પરનો અવિશ્વાસ એને દેવ પાસે પહોંચાડે છે.
- ખોટમાંયે માણસ, ને પુરાંતમાં પણ માણસ!
- માણસની ઇચ્છા જ એની અપૂર્ણતા પ્રગટ કરે છે!
- માટીનો માણસ ધૂળનો માણસ થવા રાજકારણી થાય છે.
- સારા માણસ મૂંગા રહેવાનો અપરાધ પણ કરે છે.
- ધર્મ માણસને પાળે છે, પણ માણસ એને ‘પાલતુ’ બનાવી દે છે.
- ઈશ્વરે અવળા હાથે મૂકેલી જણસ, તે માણસ.
- કોઈપણ સ્થાનને નિર્જન કરવા માણસ હાજર છે!
- માણસ એકલતાના ડરે પરણે છે!
- માણસને કપાસના ફૂલનું રક્ષણ છે એટલું બીજા કોઈ ફૂલનું નથી.
- ગુસ્સો શબ્દની વ્યુત્પત્તિ : માણસ
- પછડાઈને પાછાં પડે તે મોજાં, પછડાઈને આગળ વધે તે માણસ.
- પ્રાર્થના ન કરે ત્યાં સુધી માણસ નિરાધાર નથી હોતો.
- માણસ દિવસે ઊંઘ ભેગી કરીને રાત્રે વાપરે છે.
- માણસ શું છે? આંસુનું એક સરનામું છે.
- માણસ ગુમ થાય છે ત્યારે તે હતો એવા સમાચાર મળે છે!
- એકાંતમાં ખોવાય તેને કોઈ ન જાણે, પણ મેળામાં ખોવાય તેને બધા જાણે.
- માણસ મૂંગો રહે એ માટે રાત્રિ આવે છે.
- સારા માણસો બીજાના અભિપ્રાય પર જીવતા નથી.
- માણસ ઈશ્વરથીયે ન ઉકેલાતી સમસ્યા છે.
- પાઘડી સાચવવા માથું ગુમાવે તેને માણસ કહેવાય.
- વાચાળ માણસ આપણને બહેરા બનાવે છે.
- સમસ્યા માણસ છે, ઉકેલ પણ માણસ છે.
- કેટલાક માણસ, ખુદ સમય માટે તક હોય છે!
- એક માણસ કેટલી બધી જાહેરખબરોનો અનુયાયી હોય છે!
- બીજાઓ એની ભૂલ બતાવે એની માણસ રાહ જુએ છે!
- માણસ પણ લાઇબ્રેરીના નહીં વંચાતા પુસ્તક જેવો હોય છે.
- માણસ ચાલતો નથી, પરિસ્થિતિ એને ધકેલે છે.
- માણસનું સૌથી વધારે રોકાણ ઊંઘમાં હોય છે.
- પહેલાં ‘ઢોરવૈતરું’ કરતો માણસ આજે ‘યંત્રવૈતરું’ કરે છે.
- માણસને ગૌરવ મળે તોયે તે રૌરવ (નરક) પસંદ કરે છે.
- ભય પણ માણસને ‘પરેસવાની કમાણી’ કરાવે છે.
- ભીખને બદલે દાન માંગે તે સારો માણસ કહેવાય.
- સંસ્કારી માણસ પોતાના વિશે સારી ગેરસમજ ફેલાવે છે.
- વારંવાર સરનામાં બદલતો માણસ છેલ્લું સરનામું બદલતો નથી.
- નસીબ માણસોની પસંદગી બદલ્યા કરે છે.
- માણસ તો પોતાના વિના પણ ચલાવી લે તેવો સગવડિયો છે.
- માણસને એકાંત જોઈતું હોય ત્યારે તે નોટોના બંડલ ગણે છે.
- બ્રહ્માએ ઘડતર તો કર્યું પણ ચણતર કરવાનું માણસ પર છોડ્યું.
- કેટલાક માણસો રેલ્વેની મુસાફરીમાં જ નજીક આવે છે.
- સારા માણસો વર્તમાને ભાગીદાર અને ભવિષ્યે હરીફ.
- દરેક કાવતરા પાછળ માણસ જ હોય છે!
- વેદનાનો અનુવાદ કરવા માણસ મૂંગો થઈ જાય છે.
- માણસ કોઈપણ દિશાને ઉગમણી દિશા બનાવી શકે છે.
- દરિદ્રમાં દરિદ્ર માણસને સ્મૃતિનો વારસાહક હોય છે.
- માણસ કેટલો ઉદાર છે, જીવનનું એક વર્ષ ઓછું થયું તેનો ઉત્સવ ઊજવે છે!
- માણસમાં પાણી હોય તો મોજાં ઊઠે, પરપોટા ન થાય.
- માણસ છે એક જ વહાણ, પણ તેને કેટલાં તો લંગર!
- માણસથી માણસ સુધી પહોંચતાં થાકી જવાય છે.
- વિચારોનું ટોળું માણસના એકાતંમાં જ ભેગું થાય છે.
- દરેક મહાન માણસની આગળ એક વિશેષણ હોય છે.
- અજોડ માણસને પણ પડછાયાની જોડ હોય છે.
- માણસમાં હોવું એ માણસ હોવા જેટલું સહેલું નથી.
- માણસ અને ઘરમાં ફેર એ છે કે એકને નામ હોય છે, બીજાંને નામ ઉપરાંત નંબર પણ હોય છે.
- માણસની મદદ વગર શેતાન સફળ થઈ શકતો નથી.
- માણસ હાડપિંજર ન હોય તોયે તે ‘ખોપરી’ હોઈ શકે છે.
- હવે માણસને નહીં, મિસાઈલને દૂરનાં લક્ષ્યો હોય છે.
- સારા માણસના કાનને પણ ખરાબ સાંભળવું ગમે છે!
- હવે સત્ય જ ફાટે ડોળે માણસ સામે જુએ છે.
- માણસ સૂર્ય નથી એટલે એક જ વાર આથમવા માટે ઊગે છે.
- બીજા જુએ છે એટલે માણસ પોતાને જોતો નથી!
- આકાશને શી ખબર, માણસને પોતાનું આકાશ હોય છે.
- માણસના બે હાથ એને સમેટી શકતા નથી કે ફેલાવી શકતા નથી.
- માણસ પોતાના માટે અરીસો અને બીજા માટે દૂરબીન વસાવે છે.
- દરેક માણસ સારો છે, માત્ર દુનિયા જ ખરાબ છે!
- દુનિયા તો સત્ય છે માણસ જ એક ભ્રમણા છે!
- માણસને માર્ગ મળતો હતો, હવે માર્ગને માણસો મળે છે!
- માણસના સંયમની પાળ રેતીની બનેલી હોય છે.
- દરેક માણસ પોતાના પ્રત્યે ઉદાર જ હોય છે!
- મૃત્યુ સિવાયના ભવિષ્યના સપનાં જુએ તે માણસ!
- આદમખોર પ્રાણી કરતાં માણસ વધારે આદમખોર હોઈ શકે છે.
- માણસનો ઇલાજ ઈશ્વર નહીં માણસ છે.