ચાંદરણાં/સમય

Revision as of 15:43, 22 April 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


2. સમય


  • આપણે ઘડિયાળ ભેટ આપી શકીએ તે માટે ઈશ્વરે સમય આપ્યો!
  • ઘડિયાળ વેચાય તે કમાણીનો સમય કહેવાય.
  • સમય સાચવવો હોય તો ઘડિયાળ વેચવી પણ પડે.
  • સમય ગુજરી જાય છે છતાં જીવે છે.
  • સમય તેનો તે જ રહે છે, છતાં માણસનો સમય બદલાય છે.
  • સમયને કાયમની માંદગી એટલે એને ‘‘સાચવવો પડે’’ છે.
  • ઘડિયાળી ઘડિયાળ સુધારે, સમય આપણે સુધારવાનો.
  • સમયની બંધ છીપમાં અંધકારનો ગર્ભ પોષાય છે.
  • ઘડિયાળને પણ બંધ પડવાનું ભવિષ્ય હોય છે.
  • અધીરાઈ સમયનો અર્થ ઝૂંટવી લે છે.
  • સમય બરબાદ કરો, બીજું બધું આપોઆપ બરબાદ થવા માંડશે.
  • સમય બાંધેલી ક્ષણોની ગાંસડી નથી!
  • સમયની માટીમાં બબ્બે માસના અંતરે ઋતુનાં બી વવાય.
  • સૂર્યને જાણીએ તો સમય જાણવાની જરૂર ઓછી.
  • સમય પોતે જ પોતાનો વારસ હોય છે.
  • વિધવા પાસે થોભેલો સમય આગળ વધતો નથી.
  • બકરીનો લંચટાઇમ ઘડિયાળમાં હોતો નથી.
  • સમય જ્યાં વજન (વેઈટ) થઈ જાય તે ‘‘વેઇટિંગ રૂમ’’
  • સમયનું વજન દૂર ફેંકે એવો કોઈ વેઈટ લિફ્ટર છે ખરો?!?!
  • માણસ ધીરજ રાખે પણ ઘડિયાળ ધીરજ રાખતી નથી.
  • ગાલ પર ગુલમહોર ઉગાડે એવો કાળનો તમાચો ક્યાં છે?
  • સમય પ્રેમને શાંત કરે છે, પણ ઘરડો નથી કરતો.
  • પસાર થયેલા સમયને હું ગુજરી ગયેલો સમય કહી શકતો નથી.
  • સમયની રેતી ધરતી પર હોય છે, આકાશ પર હોતી નથી.
  • સમય મને ઘેરે છે, પણ બાંધી શકતો નથી.
  • સમયની કાતર દરજીને પણ વેતરી નાખે.
  • કોઈ ઘડિયાળ એવી નથી, જેમાંથી બધાં કામ માટે સમય કાઢી શકાય.
  • વહેતો સમય વહીને પણ પોતામાં જ જાય છે.
  • સમયના પંદરમા પગથિયે પૂરો ચાંદ દેખાય એવું થોડું છે?
  • ઘડિયાળ જોતી નથી પણ બતાવે છે!
  • ઘડિયાળ બંધ હોય ત્યારે જ નહીં, ચાલતી હોય ત્યારે પણ તટસ્થ હોય છે!
  • વરસ બેસે તે પૂરા બાર મહિને જ ઊઠે!
  • ઘડિયાળનો કાંટો ઊંધો ફેરવો તેથી ગયેલો સમય પાછો ન ફરે!