ચાંદરણાં/મૃત્યુ

Revision as of 15:57, 22 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


10. મૃત્યુ


  • મૃત્યુની દિશા બદલાય પણ મસાણની દિશા ન બદલાય.
  • કેટલી બધી માંદગીના વિસામે થાક ઉતાર્યા પછી મોત આવે છે!
  • અંતિમ સરનામું અજાણ્યું છે, પણ તે મૃત્યુ પાસે છે.
  • એટલી બધી સ્મૃતિ ભેગી ન કરો કે નર્યા વિસ્મરણ માટે મોત વહેલું આવે!
  • ડૉક્ટર પોલીસ નથી એટલે મૃત્યુ પર ચાંપતી નજર રાખે છે, એને કાબૂમાં લેતા નથી.
  • આપણે સંયમ રાખીએ તો યમને પણ આવવામાં સંયમ રાખવો પડે.
  • છેલ્લી સાન આવે તે અવસાન કહેવાય.
  • છેવટે પોતાની રાખમાં જ પોઢવાનું છે.
  • યમરાજા તો વગર વરદીએ પણ આવે.
  • છેલ્લા સ્ટેશનથી ટ્રેન પાછી ફરે, માણસ નહીં.
  • મૃત્યુ દિવસને પણ લાંબી રાત બનાવી દે છે.
  • મૃત્યુ પણ એક શરૂઆત હોય છે?
  • બધું પોતાની બહાર હોય એ મરણ છે.
  • મૃત્યુ અજ્ઞાત સ્થળે રહેવાનું જ પસંદ કરે છે.
  • પરમહંસનો હંસલો પણ ઊડી જાય છે.
  • ડૉક્ટરને વિઝિટે બોલાવ્યા વગર મૃત્યુ મોંઘું થતું નથી.
  • જિંદગી સરવાળો કરે છે, મૃત્યુ બાદબાકી.