કવિતા કરીએ છીએ
શબ્દોના કોથળામાં
અર્થોનો ભાર ભરીએ છીએ.
ક્યારેક
પાંખ વગરનાં પતંગિયાંને
ફૂંક મારીને ઉડાડીએ છીએ.
છંદનાં છત્તર ઓઢીને
માથે અલંકારના મુગટ ધારણ કરીને
ચરણમાં મખમલની મોજડીઓ પહેરીને
નીકળે છે સવારી, દબદબાભરી
કવિતાની –
ને આપણે કવિજન તે
ગાલ ફુલાવી ફુલાવી
વાંકાંચૂકાં વાજાં વગાડીએ છીએ.
પણ...
કરોળિયાના પેલા ષટ્કોણી જાળા જેવું
કે મદારીની મહુવર શા
સુગરીના પેલા માળા જેવું
આપણને એવું એવું કંઈ આવડે છે કે…?
૫-૮-’૭૬