અનુનય/સાંજ

Revision as of 00:14, 27 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સાંજ

આછું આછું અજવાળું ને આછેરો અંધાર :
રાત-દિવસની પાંખ પાંખમાં; પાર વિનાનો પ્યાર!

કોણ ગગન-ગોરીને અંગે સૂરજની લઈ સોયું
તારે ત્રોફી ત્રોફી ઝગમગ ઉપજાવે આકાર!

સીમનું સોનું ધીમે ધીમે પડતું આવે ઝાંખું;
તરુઓ ફૂલપરણરંગોના વરજે છે શણગાર.

દિન-પંખીની ચાંચ બિડાતી હવે, ક્ષિતિજને માળે
પાંખો ઓઢી ભરનીંદરમાં પડી ગયા ટહુકાર.

તેજ તણા તંબુની ભીતર શરૂ થવામાં ખેલ :
અંધકારનું રીંછ પ્રવેશે હવે રિંગમોઝાર.

અજવાળે એકલવાયા થૈ વહે ભેદનો ભાર
એકબીજામાં હવે ગળી તે ઢળે એકઆકાર.

૧-૧૧-’૭૩