અઢાર અક્ષૌહિણી સેનાની વચમાં
ઊભો છું હું ––
ને મારે સારથિ તો
અશ્વોની રાશ મૂકી દઈ ને
ઊતરી ગયો છે રથમાંથી
હવે હું કોને કહું કે
करिष्ये वचनं तव?
મારતે ઘોડે
ચોરીમાંથી એનું અપહરણુ કરવા
હું મંડપ સુધી આવી પહોંચ્યો છું ––
ને પ્રેયસી તો
મારા ભણી પીઠ ફેરવી ઊભી છે.
થાકેલો અશ્વ ને હતાશ હું
હવે મારે ક્યાં જવું?
હું ઇન્દ્ર, ઇન્દ્રાસનનો ધણી
સામે ચાલીને આવ્યો છું યજ્ઞમાં
સોમ માટે ––
ને ઋષિઓ તો મારા અધિકારની
ઘોર અવગણના કરે છે :
મારા હાથમાંથી વજ્ર સરી પડે છે!
હવે મારે
મારી આવતી કાલની કથામાં
ગઈ કાલના નાયક વગર જ
ચલાવવું પડશે!
૧૭–૪-’૭૫