તરસટકોટક આલો
અમને ખાલીપણાનો પ્યાલો!
અરધાપરધાની અકળામણ
નહીં તડકો, નહીં છાયા;
ખુશી-નાખુશીની ગૂંચવણમાં;
અધમારગ અટવાયા;
ભલાં ઝાંઝવાં જે
ચરણોનાં કહે હરણને ‘હાલો!’
ભર્યા તુંબડાં કદી ન વાગે,
ભર્યા ઘડા ના તરતા;
નિજને ભાર દબાયા ડુંગર
પવન બધેબધ ફરતા!
ભર્યાભર્યાના ભારથી
અમને વ્હાલો અગનપિયાલો!
૭-૧૦-’૭૫