અનુનય/શબ્દની શોધ

Revision as of 00:48, 27 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
શબ્દની શોધ

મુરબ્બીએ કહ્યું : કવિ શબ્દ શોધે છે;
ને મેં શબ્દની શોધ આદરી દીધી.
જૂની હસ્તપ્રતોમાંથી મંકોડા પકડતાં પકડતાં
કેડના મંકોડા ઢીલા થઈ ગયા;
શબ્દકોશમાંની કીડીઓનું કટક જોતાં જોતાં
ચશ્માંના કાચ જાડા થઈ ગયા;
પરિચિત પંક્તિઓનો પાઠ કરતાં કરતાં
જીભ જીર્ણજ્વરથી ઝલાઈ ગઈ;
આખરે કંટાળીને મેં શોધ સંકેલી લીધી
ને મૂંગા મૂંગા
ઊંચે આકાશ ભણી જોયા કર્યું –
ધીમે ધીમે કોરું આકાશ
તારાઓથી ભરાવા લાગ્યું
ઊભરાવા લાગ્યું!

૮-૨-’૭૭