અનુનય/ભૂલમાં છોડી દીધેલા

Revision as of 01:08, 27 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ભૂલમાં છોડી દીધેલા

ભૂલમાં છોડી દીધેલા માર્ગ પર
ભૂલથી જ પાછા આવી ચડીએ
ત્યારે ––
ઓળખીતી ધૂળ પર
આપણાં પિછાણનાં પગલાં અંકાય
ઘર ભણી જતા બળદની જેમ
રસ્તો ઉતાવળો ચાલે,
ને ભાર ભરેલું ગાડું
કિચૂડ કિચૂડનો કચવાટ ભૂલીને
હરખના હેલારા મારતું હાલે ––
આજે
ભૂલમાં તમને છોડીને
ભૂલથી જ પાછો તમને મળું છું ત્યારે ––
વ્હાલપના વગડા વચોવચ ઊગેલી
પેલી તરસની ટેકરી ઉપર વાટ જોતા
ઘર ભણી આપણે...

૧૬-૯-’૭૫