અનુનય/એક મનામણું

Revision as of 01:21, 27 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
એક મનામણું

અહીં આવો લીલાછમ વન મહીં, વાત કરીએ;
નમેલી ડાળીને હલકહીંચકે બેસી નભ ને
ધરા વચ્ચે વ્હેતા પવનમહીં પાવો બજવીએ.
અહીં આવો મૂકી રીસ, ઝૂકી જતા ઝાડની કને.
કહો તો ગૈએ કૈં ગીત, અગર મૂગાં જ રહીએ
અમસ્તી મસ્તીમાં ગરક બસ ઝૂલ્યા જ કરીએ;

જુઓ પર્ણે ફૂલે
કશા વર્ણે ઝૂલે સમય નિજ છંદે અનુકૂલે!
અને આ ભૃંગોનાં ગીત ઊઘડતાં શાં દલદલે!

ઘડી તો છોડીને રીસ પ્રિય જુઓ વેલા નમણી
વળી આફૂડી શી વળગી તરુને ટોચની ભણી!
તળાવે કેવું આ નભનું રૂપ ધાર્યું નિજ મહીં!
મૃગીયે માની ગૈ : નયન નમતાં શાં રહી રહી!

જરા આવો તો, આ ઘનશીતલ ને શાંત વગડે
ખરું ક્હૌં છું, મોકો સરસ પ્રીતનો આમ બગડે!

૨૧-૭-’૭૨