‘એકત્ર' સંકલિત શ્રેણી
વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ
The Psychology of Money
Morgan Housel
મોર્ગન હાઉસેલ
(સંપત્તિ, લોભ અને સુખ-સમૃદ્ધિ અંગે હંમેશનું માર્ગદર્શન)
ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ડૉ. ચૈતન્ય દેસાઈ
વિષયપ્રવેશ:
વ્હાલા વાચકમિત્રો, ‘ધન વિશેની આપણી માનસિકતા’ જાણવા જેવો રસિક અને લલચામણો વિષય બીજો કોઈ હશે ખરો? આજે પૈસો, સુખ સંપત્તિ, એશોઆરામ પાછળ આંધળા ને લોભિયા થઈને દોડનારા જમાનામાં મોર્ગન હાઉસેલ પૈસો અને વ્યક્તિ વચ્ચેના સંકુલ સંબંધને સુપેરે સમજાવે છે કે તાર્કિક આર્થિક સિદ્ધાંતો કરતાં મનોવૈજ્ઞાનિક પરિબળોથી આપણાં આર્થિક નિર્ણયો કેવી રીતે ઘડાય છે. આ માટે તેઓ સંશોધન, સરવે, દૃષ્ટિકોણ પ્રસંગો, વ્યક્તિગત લાગણીઓ અને અનુભવો, આપણા આગ્રહો-પૂર્વગ્રહોની આપણા આર્થિક વર્તાવ ઉપર શી અસર થાય છે તેની રસપ્રદ વાત કરે છે. આજે પૈસા મેળવવાનું તો બધાને ગમતું જ હોય છે, તો આપણે લાંબા ગાળાની આર્થિક સ્થિરતા, કેવા નાણાકીય નિર્ણયો/પસંદગીઓ દ્વારા મેળવી શકીએ તેની પણ મનોવૈજ્ઞાનિક સમજ તેઓ આપે છે. એટલું જ નહિ, પૈસાનું અસરકારક અને શાણપણભર્યું વ્યવસ્થાપન કેમ થાય તે બતાવીને અર્થકારણ અને મનોવિજ્ઞાન વચ્ચેના આંતર સંબંધને પણ સમજાવે છે.
લેખક પરિચય :
મોર્ગન હાઉસેલ એક સહયોગી નાણાકીય ફંડના ભાગીદાર છે. વધુમાં તેઓ અર્થશાસ્ત્ર અને નાણાક્ષેત્રના અચ્છા અભ્યાસુ હોઈ motley Fool અને વૉલ સ્ટ્રીટ જર્નલ માટે કટાર લખનારા નાણાકીય પત્રકાર પણ છે. એમનું સચોટ માર્ગદર્શન અને સુરેખ સમજદારી એવાં લોકપ્રિય છે કે એ બદલ એમને ન્યૂયોર્ક ટાઈમ્સ સીડની એવોર્ડ, સોસાયટી ઑફ અમેરિકન બીઝનેસ એડીટર્સ એન્ડ રાઈટર્સ તરફથી બેસ્ટ ઇન બીઝનેસ એવોર્ડ જેવાં ઘણા માન-અકરામ પણ મળ્યાં છે, તો આવો, એમના આ પુસ્તકનો પરિચય મેળવીએ.
પ્રસ્તાવના :
હે આમવાચક, તમને રસ પડે તેવી બાબત, તમારા નાણાકીય નિર્ણયો પાછળ કઈ માનસિકતા રહેલી છે તે જાણવાની છે. શેર માર્કેટ કેવી રીતે કામ કરે છે? શેર ખરીદવાનો કે ભેગા કરવાનો ઉત્તમ સમય કયો? એક ચોક્કસ ઉંમરે નિવૃત્ત થાવ ત્યારે જરૂરી બચત કરવા દર વર્ષે, મહિને કેટલું રોકાણ કરવું?— આવા પ્રશ્નો તમારા વ્યક્તિગત નાણાકીય નિર્ણયો ઉપર અસર કરતા હોય છે. આપણી બધી ગણતરીઓ – સમીકરણો – ડહાપણ હોય તો પણ કંઈક અગત્યનું તો છૂટી જ જતું હોય છે. અને એ છે – માનવીય પરિબળ. Human Factor.... વ્યક્તિ અને તેના પૈસા વચ્ચેનો વાસ્તવિક સંબંધ! લેખક હાઉસેલ કહે છે કે આ હ્યૂમન ફેક્ટર તમારા નાણાકીય-નિર્ણયોને સમજવાની ચાવી છે. લોકો Debt- દેવામાં શાથી ડૂબી જાય છે તે જાણવા માટે તમારે વ્યાજદરનો અભ્યાસ કરવાની જરૂર નથી. પણ બસ આટલું કરો - માનવજાતની ઈર્ષ્યા, લોભ અને આશાવાદના ઇતિહાસમાં ડોકિયું કરી જુઓ. તમને જણાઈ જશે કે માણસ દેવાળિયો કેમ થાય છે, આર્થિક રીતે પાયમાલ કેમ થાય છે. અને આ પુસ્તકમાં તમે જોશો કે— • વ્યક્તિગત અનુભવો એની રોકાણનીતિ-રીતિને કેવી રીતે ઘડે છે? • એક મૂલ્યવાન ચીજ મળવી, એટલે એની સાથે સંબંધિત ૯૯ ફાલતુ ચીજોને પણ સ્વીકારવી - એવું કેમ? • લાલસા-ઈર્ષ્યા કેવી ચીજ છે કે રોકાણકાર પોતાની પાસે, જે કાંઈ હોય તે બધું દાવ પર લગાવવા, અનિશ્ચિતતાભર્યું જોખમ ખેડવા તૈયાર થઈ જાય છે?
ચાવીરૂપ ખ્યાલો :
૧. અર્થતંત્ર અને પૈસાની બાબતમાં દરેકના પોતાના વ્યક્તિગત અનુભવો-અભિપ્રાયો હોવાના.
૧૯૩૦ની વિશ્વની આર્થિક મહામંદી વિશે તો તમે સાંભળ્યું જ હશે....૧૯૨૯માં સ્ટૉક માર્કેટમાં જબરદસ્ત ભૂકંપ આવ્યા પછી એકાદ દશકો સતત મંદીનું મોજું દુનિયાભરમાં રહ્યું. અમેરિકામાં ‘ગરજતી વીસી’ (૧૯૨૦ પછીનાં વર્ષો) ભારે તેજી વરસાવતી હતી તે એકાએક ખોટકાઈ ગઈ... ધંધા ચોપટ થયા, કુટુંબોએ તેમનાં ઘરો-ખેતરો-નોકરી ખોયાં અને તેમની મુશ્કેલીથી કરેલી માંડ બચત(આમ પણ અમેરિકનો બચતની ટેવવાળા ક્યાં હોય છે? પાંચ દિવસની કમાણી શનિ-રવિમાં ઉડાવી દેનારી મોજીલી પ્રજા...) હવામાં ઓગળી ગઈ. ગરીબી-બેકારીનો અજગરભરડો લોકોને ભીંસવા લાગ્યો. ત્યારે ‘अच्छे दिन आयेँगे’ એવું આશાવાદી આલંબન આપનાર કોઈ ભડવીર ત્યાં નહોતો. મંદીનાં ઘનઘોર વાદળ ક્યારે હટશે તેની કોઈ ખાતરી નહોતી. લાખો અમેરિકનોની આ હાલત, એક દંતકથા જેવી બની રહી. પણ દરેક ઘટના કંઈક અગત્યની છાપ છોડી જતી હોય છે. ૧૯૬૦માં જ્હોન એફ. કેનેડી પ્રમુખ થયા ત્યારે મહામંદીના એમના અનુભવ વિશે એમણે જણાવ્યું તો મતદારોને ખૂબ નવાઈ લાગી....તેમનો પરિવાર ૧૯૨૯માં તો પહેલેથી ધનવાન જ હતો. પછીના સતત મંદીના દશકમાં તેમને ઊની આંચ ન આવી. ઊલટાનો વધુ સંપન્ન થયો. ૧૯૩૯માં એમનું ઘર વધુ મોટું અને વધારે નોકર-ચાકરોવાળું હતું - ૧૯૨૯ની સરખામણીમાં....લ્યો, બોલો ! પ્રમુખ સાહેબને મંદી ક્યાં નડી? કેનેડી તો જયારે હાર્વર્ડ ગયા ને મહામંદી વિશે ભણવામાં આવ્યું ત્યારે જ એમને જાણ થઈ કે એમના દેશના નાગરિકો કેવા મુશ્કેલ દૌરમાંથી ગુજર્યા હતા ! નવાઈ કહેવાયને? હા, જરૂર. પણ બધા અમેરિકનોની હાલત એક સરખી નહોતી. કેનેડીએ ચૂંટણી પ્રચારમાં મતદારોને મનાવ્યા કે ‘મારે દેશની હાલત સુધારવી છે’, હું પણ જમીની વાસ્તવિકતાના સમ્પર્કમાં છું જ.’ આપણા બધાના આર્થિક અનુભવો જુદા જુદા હોવાના, માત્ર ગરીબ અને તવંગરના જ નહિ! એક બેરોજગાર ખેતમજૂરનો દીકરો અને મેનહટ્ટનના સફળ શેરબ્રોકરનો દીકરો - બંને જીવનના જુદા જુદા ક્ષેત્ર અને સ્તરમાંથી આવતા હોય છે. પૈસાની બાબત હોય ત્યારે જોખમ અને મળતર જેવી બાબતો વિશે તેઓ તદ્દન અલગ અલગ પાઠો શીખતા હોય છે. પરંતુ, એ જ વસ્તુ ધનવાનોને પણ તેમના વ્યક્તિગત જીવન અનુભવો વિશે સમાન રીતે લાગુ પડતી હોય છે. દા.ત. ઊંચા ફૂગાવાના સમયગાળામાં/મંદીમાં મોટા થયેલા ધનિક વ્યક્તિનો નાણાકીય દૃષ્ટિકોણ, નાણાકીય સ્થિરતા-સમૃદ્ધિના સમયમાં ઉછરેલા એના જેટલા જ ધનિક કરતાં જુદો હશે. આ જુદા જુદા દૃષ્ટિકોણથી મળતા જુદા જુદા બોધપાઠ આપણા પૈસા અંગેના ખ્યાલને પણ ઘડતા હોય છે. આપણને બધાને પણ જાણવાનું મન થાય કે આ દુનિયા કેવી રીતે ચાલતી હશે, પણ આપણને તો એની વાસ્તવિકતાના એકાદ અંશનો પણ ભાગ્યે જ અનુભવ/પરિચય થતો હશે. અને એ જ તો સમજવાની પહેલી બાબત છે કે— ધનની માનસિકતાની વાત આવે છે ત્યારે : આપણે માનતા હોઈએ તેના કરતાં ઘણું ઓછું આપણે જાણતા હોઈએ છીએ. આપણને એમ કે આપણને તો ઘણી ખબર છે, જ્ઞાન છે; પણ તેવું હોતું નથી.
૨. આપણા વ્યક્તિગત અનુભવો, આપણા નાણાકીય નિર્ણયો લેવડાવે છે.
નાણાકીય વર્તનનું મૉડેલ બનાવતી વખતે અર્થશાસ્ત્રીઓ મોટેભાગે અનુકૂળ કલ્પના ઉપર આધાર રાખતા હોય છે - તર્કશીલ માણસો પોતાના લાભકારી નિર્ણયો લેતા હોય તેમાં વધુ વળતર મળવાની શક્યતા રહેતી હોય છે. પરંતુ વાસ્તવિકતા આ સરળ લાગતા ખ્યાલ કરતાં જરાક વધારે ગરબડવાળી છે. જેમ કે લોટરીનો જ દાખલો લઈએ. સરેરાશ નીચી આવક ધરાવતો અમેરિકન એક વર્ષમાં ૪૧૧ ડૉલરની લોટરી લે છે. તો એ જ સમયે, ૪૦% જેટલા સરેરાશ અમેરિકનોને કપરા કાળમાં ૪૦૦ ડૉલર કમાવાનાં પણ ફાંફાં હોય છે તો પણ, તમને નવાઈ લાગશે કે એ જ ૪૦% નીચી આવકવાળો વર્ગ ૪૦૦ ડૉલર ઉપરાંતની લોટરી ખરીદતાં અચકાતો નથી. તો શું આ વર્તન તાર્કિક કે વિચારશીલ છે? એક બાજુ આવકનાં ઠેકાણાં નથી ને ભાઈ, લોટરી પાછળ હવામાં પૈસા ફેંકી આવે છે ! આ ડહાપણનું કામ નથી. અઠવાડિયાની આવક, તે જ અઠવાડિયામાં જાવક બની જતી હોય, બચતનો છાંટો નહિ હોય, તો એશો-આરામ ક્યાંથી થાય? લોટરી માટે ક્યાંથી વેડફાય? હા, તમારા ખિસ્સામાં સપ્તાહને અંતે ૨૦-૩૦ ડૉલર બચતા હોય અને તમે ૫-૧૦ ડૉલરની લોટરી ટિકિટ લેતા હો તો સમજ્યા....લોટરી તો પોષાઈ શકે તેનો જ ખેલ છે. પણ પેલો ખાલી-ખિસ્સે લોટરી રમે છે. તેનું પ્રબળ કારણ- ‘આશા’નું છે! કાશ, મારી લોટરી લાગી જાય, તો એકસામટા પૈસા આવી જાય, મારી ગરીબી મટી જાય, હું જરૂરી વસ્તુ ખરીદી લઉં, અભાવમાં ન સબડું...વગેરે. ધનવાન તો શોખને ખાતર, રમતને ખાતર લોટરી લે તે જુદી વાત છે. આપણે ધારીએ તેના કરતાં ગરીબને લોટરી ખરીદવાના અતાર્કિક ઊભરા આવવા બહુ સામાન્ય છે. ૨૦૦૬માં અલ્રીક મેલ્મેન્ડીયર અને સ્ટીફન નેગલ નામના અર્થશાસ્ત્રીઓએ એક અભ્યાસ હાથ ધર્યો. સર્વે ઓફ કન્ઝ્યૂમર ફાયનાન્સે ભેગા કરેલા ૫૦ વર્ષનાં આંકડા અને માહિતીનો તેમણે અભ્યાસ કર્યો—અમેરિકનો તેમના પૈસાનું શું કરે છે તેનો લાંબો રીસર્ચ પ્રોજેક્ટ લીધો. સંશોધકો જોવા માગતા હતા કે લોકો તેમના પૈસાના રોકાણનો નિર્ણય કયાં પરિબળોને આધારે કરે છે? તેમની રોકાણ તરાહો કેવી છે? પ્રયોજનો-આયોજનો કેવાં છે? એ રોકાણકારો જયારે યુવાન હતા, ત્યારે અમેરિકન અર્થતંત્ર કેવું હતું? તો એમને તારણો મળ્યાં કે - રોકાણકારો તેમના વ્યક્તિગત ઇતિહાસ, અનુભવોને આધારે રોકાણમાં જોખમ લેવાનું વલણ ધરાવતા હતા. પણ એમાં કોઈ સૈદ્ધાંતિક તર્ક નહોતો. એ તો લોટરી ખરીદવા જેવું જ અતાર્કિક ! એમના રોકાણના નિર્ણયોના તાર્કિક આધારો, અર્થશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાં નહોતા. તો પણ તેઓ પોતાની રીતે જ રોકાણ કરતા - અને એ આંતરસ્ફૂરણાથી તાર્કિક નીવડતું પણ ખરું ! દા. ત. રોકાણ કરનારની ઉંમર ૧૫ થી ૨૪-૨૫ હોય ત્યારે ફૂગાવો ચરમસીમાએ હોય, તો તેઓ પાછલી ઉંમરે બોન્ડ્સમાં નાણાં રોકવાનું વલણ નહિ ધરાવે. અને જો એમની તરુણાવસ્થામાં ફૂગાવો કે મંદી નહિ હોય તો તેઓ મોટી ઉંમરે પણ બોન્ડ્સમાં રોકાણ ચાલુ રાખશે - પછી ભલે તે દરમ્યાન ફૂગાવો થોડોઘણો વધતો જાય તો પણ તેમની માનસિકતા તેને સહી લેવાની રહેશે. આવું જ શેરમાં પણ જોવા મળશે. તમારી પ્રારંભિક યુવાનીમાં જો તમે શેરની તેજીથી અંજાયા હશો, તો એમાં જ રોકાણ કરવાની વૃત્તિ રાખશો, અને જો શેરોમાં તે વખતે ઘસાયા હશો-લૂંટાયા હશો તો મોટી ઉંમરે પણ તમે શેર તરફ જોશો પણ નહિ. આવી છે માનસિકતાની રોકાણ પેર્ટન ઉપર અસર ! ધારો કે તમે ૧૯૭૦માં જન્મ્યા હતા. તો તમારી ૧૫થી ૨૫ની આયુમાં S & P શેર ૫૦૦નો હતો તે ૧૦ ગણો વધ્યો. જેણે પણ એમાં પૈસા રોક્યા હશે તે તો તરી ગયા. પરંતુ ૧૯૫૦માં જન્મેલા રોકાણકારોનો શેરનો અનુભવ જુદો જ હતો, કારણ કે એ સમયગાળો તેમના જીવનમાં ઘણો સુષુપ્ત રહ્યો. તો અહીં સમજવા જેવું એ છે મિત્રો, કે માર્કેટ બદલાય તો પણ તેમાં ત્યારે રોકાણ કરવું કે ન કરવું એ નિર્ણય રોકાણકારના પૂર્વાનુભવ ઉપર આધાર રાખે છે. શરૂઆતનાં યુવાનીનાં વર્ષોમાં તમારા મન ઉપર માર્કેટની જે છાપ પડી હોય તે જ તમારા રોકાણવિષયક નિર્ણયોને ઘડનારી બને છે, પછી ભલે વાસ્તવ જગતની સમકાલીન સ્થિતિ ગમે તે હોય.
૩. આજે આપણે જે આર્થિક ખ્યાલો ધરાવીએ છીએ, તે હજી તેની ઐતિહાસિક બાલ્યાવસ્થામાં છે.
એક નાનું પાળેલું કૂતરું, તેના જંગલી પૂર્વજ કૂતરા જેવું નથી લાગતું, બહુ કેળવાયેલું, વહાલું ને ડાહ્યું આજે તો લાગે છે. પણ એના પૂર્વજો વરુ જેવા હિંસક ને તોફાની હતા. તમને નવાઈ ન લાગવી જોઈએ કે આજની કૂતરાની પ્રજાતિને તેની પાછળ ૧૦ હજાર વર્ષોનો ઘરેલુપણાનો ઇતિહાસ છે. છતાં એ પાળેલો સારો ગણાતો કૂતરો પણ ક્યારેક ખિસકોલી કે બિલાડીને જોઈને તેના પર તરાપ મારવાની તેની અંતઃસ્ફૂરણા તેને લોહીપ્યાસો બનાવી દે છે. કૂતરાના માલિકને આથી નવાઈ પણ લાગશે કે છેક નાનપણથી ડોગફૂડ-બિસ્કીટ ઉપર ઉછરેલો મારો કૂતરો આવું જંગલી વર્તન કેમ કરે છે? ૧૦ હજાર વર્ષોનો એનો ઘરેલુપણાનો ઇતિહાસ પણ એની ઊંડી રોપાયેલી લોહી તરસને દૂર કરી શકતો નથી... તમને થશે કે, આ કૂતરા પાળવાની વાત ને પૈસાની માનસિકતા સાથે શું લેવાદેવા? કેમ ઉંધે પાટે વાત ચડી ગઈ? ના, એવું નથી. આપણા આજના નાણાકીય ખ્યાલો જરીપુરાણા છે. નાણાકીય વ્યવસ્થાપનમાં આપણામાંના ઘણા શા માટે આટલા નબળા છીએ? તેનો એક જવાબ છે કે - સમગ્ર જગતના વ્યવસ્થાપનમાં આ નાણાકીય વ્યવસ્થાનો ખ્યાલ પ્રમાણમાં નવો છે. પહેલવહેલું ચલણ ૬૦૦ BC પૂર્વે જ અમલમાં આવ્યું હતું. આજના ટર્કીમાં, લોહયુગના રાજા લીડિયાના Alyattesએ તેના પોતાના સિક્કા મીન્ટમાં બનાવડાવેલા. તોયે તેની તુલના આજના જટિલ નાણાકીય ખ્યાલો જોડે ન થઈ શકે....બીજા વિશ્વયુદ્ધ પહેલાં, મોટાભાગના અમેરિકનો મરતાં સુધી કાર્યરત રહેતા. જીવનકાળ ત્યારે ટૂંકો હતો. તોયે ૬૫ની ઉંમર ઉપરના અડધાથી વધુ લોકો ૧૯૪૦ના દાયકામાં લેબર માર્કેટમાં કામ કરતા. બીજા વિશ્વયુદ્ધ પછી ‘સામાજિક સુરક્ષા’ દાખલ થતાં વસ્તુઓ ઝડપથી બદલાવા લાગી, તોયે મોટાભાગના અમેરિકનો માટે, કામદારોને માટે નિવૃત્તિનો આદર્શ એક પહોંચી ન શકાય તેવો તબક્કો રહ્યો છે. છેક ૧૯૮૦ના દાયકામાં, સરેરાશ માસિક સોશ્યલ સિક્યોરીટીનો ચેક ૧૦૦૦ ડોલરનો આવતો થયેલો, જે ફૂગાવા સામે રક્ષણ આપે તેવો હતો. આના પહેલાં, માત્ર થોડી લાભાન્વિત લઘુમતીના લોકોને જ ૬૦-૬૫ની ઉંમર પહેલાં નોકરી કે કામધંધામાંથી મુક્ત થઈ જવાનું પોષાતું. આનો અર્થ એ થયો કે આપણે આજે નિવૃત્તિનો જે ખ્યાલ લઈને જીવીએ છીએ તે બે પેઢીથી વધુ જૂનો નથી. અરે, ૧૯૭૮ પહેલાં તો ૪૦૧(k) નિવૃત્તિ ફંડનો સિદ્ધાંત અસ્તિત્વમાં જ નહતો. અને Roth IRA રિટાયરમેન્ટ સ્કીમ તો છેક ૧૯૯૮માં આવી. એ જ રીતે બીજી નાણાકીય યોજનાઓ અને ચાવીરૂપ ખ્યાલો પણ કાંઈ વધુ જૂના નથી. હેજ ફંડ લો કે ઇન્ડેક્ષ ફંડ લો બધી વ્યવસ્થાઓ છે. ઉપભોક્તા ઋણ-મોર્ટગેજ, કાર લોન, ક્રેડીટ કાર્ડ-ડેબીટ કાર્ડ જેવાં આર્થિક વિકાસનાં પ્રોત્સાહક પગલાં/સાધનો સર્વસાધારણ બન્યાં. તે પછી, સામાન્ય અમેરિકનને ઉછીના પૈસા લેવાનું, જી. આઇ. બીલે ૧૯૪૪માં સરળ બનાવ્યું
૪. આપણે ધારીએ તેના કરતાં આપણી નાણાકીય સફળતામાં નસીબ/ભાગ્યનો બહુ મોટો ફાળો હોય છે,
મિત્રો! થોડાં વર્ષો પહેલાં, રોબર્ટ શીલર નામના નોબેલ પ્રાઈઝ વીનર અર્થશાસ્ત્રીને લેખકે પૂછેલું— ‘આપ આટલા મોટા અર્થશાસ્ત્રી છો, તો યે રોકાણની બાબતમાં, હજી પૂરેપૂરી ન જાણી શક્યા હો અને તમને સૌથી વધુ જાણવાની ઇચ્છા હોય તેવી કઈ ચીજ છે?’ અર્થશાસ્ત્રીનો જવાબ હતો : ‘ભાગ્ય-નસીબ!’ નાણાકીય સફળતામાં ભાગ્યનો સચોટ કેટલો ફાળો હોય છે તે હજી જાણી શકાયું નથી....(એ તો ઉપરવાળો જ ગોઠવે, તે જ મળે) ભાગ્ય એ તો બહુ ચાતુરી-યુક્તિની કે ગેબી વાત, છે. રોકાણમાં કમાવામાં કે ગુમાવવામાં ‘તમારા નસીબ’ ની ભૂમિકાને કોઈ રોકાણકાર કે ઉદ્યોગસાહસિક સૈદ્ધાંતિક નકારતા નથી, કે ભાઈ, નસીબ તો ભાગ ભજવે જ. પણ કેટલો ને કેવો ભાગ ભજવે તેનાં કોઈ સમીકરણ કે સિદ્ધાંત હજી શોધાયાં નથી. શા માટે એક કંપની કે પેઢી વેપારમાં ખૂબ સફળ થાય છે ને બીજી નિષ્ફળ જાય છે, તેમાં નસીબનો ફાળો કેટલો તે કોણ કાઢી બતાવશે? બીજાઓની સફળતાને આપણે ‘ચાન્સ’ માનવા લલચાઈએ છીએ. અને આપણી નિષ્ફળતા કે ખોટને માટે ‘ભાગ્ય’નો દોષ કાઢીએ. આ બરાબર નથી. પરંતુ ગમે ત્યાં-નફામાં કે ખોટમાં –ભાગ્યની ભૂમિકાને અવગણી શકાય તેવી નથી જ. ભાસ્કર મજૂમદાર નામના અર્થશાસ્ત્રી, એક નવી જ વાત કરતાં કહે છે કે બે સંતાનોની આવક તેમના વજન અને ઉંચાઈ કરતાં નજીકનો સહસંબંધ ધરાવે છે. જો તમારો ભાઈ ધનવાન અને ઊંચો છે, તો તમે તમારી ઊંચાઈ કરતાં વધુ ધનવાન હોવાની સંભાવના છે. આ સહસંબંધ સમજાવવો સરળ છે. એક જ માબાપ દ્વારા એક જ છત નીચે ઊછરેલાં સંતાનોને સમાન તક અને લાભાલાભ મળ્યા હોય છે. જો એક દીકરાને માબાપ, સારી શાળામાં મૂકે છે, તો બીજાને પણ તેમ જ કરશે તો આવા બે ભાઈઓની જોડી શોધી કાઢો, તો તમને જણાશે કે એ બંને લોકો મજૂમદારની થીયરી એમના પરિવારમાં લાગુ પડે છે એવું માનતા નહિ હોય. એ જ માનવ સ્વભાવ કે માનસિકતા છે. આપણે સફળતામાં નસીબની ભૂમિકાને કાંતો વધારે પડતું કાંતો ઓછું મહત્ત્વ આપીએ છીએ. આપણે સખત મહેનત તો કરી, પણ તેનું પરિણામ નિષ્ફળતામાં મળે તો ભાગ્યને દોષ દઈએ છીએ, અને સારું ધારેલું પરિણામ મળે તો આપણી મહેનતને જશ આપીએ છીએ. જો બીજા નિષ્ફળ જાય તો, પાછા આપણે એટલા ઉદાર થતા નથી. એમાં તેમની મહેનતની કચાશ શોધીએ છીએ, કે એ તો આળસુ હતો કે એનામાં આવડત નહોતી વગેરે... કમનસીબે, આપણે સફળતાની સંસ્કૃતિમાં ઉછર્યા છીએ, પણ તે આમાં બહુ કામ આવતી નથી. ફોર્બ્સ માર્કેટમાં મંદી આવી ગઈ હોય અને હોશિયાર મનાતા રોકાણકારો કમનસીબ સાબિત થયા હોય તેના ગુણ ગાતા નથી, પરંતુ અવિચારી અને સરેરાશ રોકાણકારો અચાનક કમાઈ ગયા હોય ને નસીબદાર પૂરવાર થયા હોય તેને વધાવીએ છે, તેની સ્ટોરી છાપીએ છે. આ ચીજ આપણને મૂંઝવણમાં મૂકી દે છે, ખરું ને? કોઈ થીયરી સફળતાની ગેરંટી નથી આપતી અથવા મહેનત યા નસીબ કોને ભરોસે રહેવું તે નથી બનાવતી તો શેરબજારમાં રમવું કેવી રીતે? જ્યાં પૈસાની વાત આવે છે ત્યાં કઈ વસ્તુ કામ કરી જશે કે નહિ કરે તેટલું જ આપણે જોવાનું નથી - આપણે આપણા મોડૅલમાં randomness- યદેચ્છતા-આડાઅવળાપણું-નો પણ થોડો ભાગ રાખવો પડે. તમે આંધળુંકિયાં ક્યારેક કરો, અંધારામાં તીર છોડો ને વળી ક્યારેક લાગી પણ જાય. તેવો પણ થોડો અવકાશ આમાં રાખવો પડે. શીલરની થીયરીને સચોટ અનુસરી ન શકાય અને નસીબ કે ચાન્સની ભૂમિકા ચોક્ક્કસ કેટલા ટકા હશે તે ન કહેવાય, પણ આપણે બધા જોઈએ છીએ તેમ આપણને Luck ઉપર એકાદ હેન્ડલ મળી પણ જઈ શકે. (ન પણ મળે....એ જ તો ‘નસીબ’ કહેવાય, ભાઈ!)
૫. વિશિષ્ટ કિસ્સાઓ ઉપર ધ્યાન કેંદ્રિત કરવા કરતાં અમુક જનરલ પેટર્નને જ નજરમાં રાખી રોકાણ કરશો તો સારું પરિણામ મળશે.
જુઓ ભાઈ, સ્માર્ટ લોકો ઘણીવાર નસીબને નજરંદાજ કરીને, પોતાની અક્કલ-હોશિયારીથી કમાઈ લે છે, અમને તો ખોટ જતી નથી એવો ફાંકો પણ રાખતા થઈ જાય છે. પણ આવી ખોટી –હોશિયારી-ફિશિયારી એકાદ વખત જબ્બર નુકસાન જાય ત્યારે અવળી નીકળી જતી હોય છે. તો પછી, વળી પાછો એ સવાલ ઊભો જ રહે છે કે આપણા નાણાકીય વહેવાર કે રોકાણમાં ચાન્સ કે નસીબને કેટલું મહત્ત્વ આપવું? ચાલો, એ તો ઠીક, પણ તમારે શું ન કરવું જોઈએ તે તમને બતાવું : શેર બજારમાં ફાવેલા કે જીતેલા જે તે વિશિષ્ટ લોકોનાં ઉદાહરણની ઉપર તમારો મદાર ન બાંધો, કે ફલાણાને તો અમુક શેરમાં છપ્પર ફાડ કે નફો થયો, મારા કાકા-મામાએ અમુક કંપનીના શેર્સ ચારેક માસ પહેલાં જ લીધેલા, આજે ડબલ થઈ ગયા... પણ બધું મારા, એવાં ઉદાહરણનાં સફળતાનાં પરિબળો હાલ પણ છે ખરાં? એમને લાભ અઢળક થયો, તો તમને પણ એવો જ થશે એવી ગેરંટી છે ખરી? ના... માટે ઉદાહરણોથી નફા-ખોટનાં ગણિત માંડવાનું માંડી વાળો અને શેરબજારનો વ્યવસ્થિત અભ્યાસ અને સમજદારી દાખવો.. નહિ તો, તમે ગમે તે દિશામાં દોરવાઈ જશો ને ફંગોળાઈ જશો. જહોન. ડી. રૉકફેલરનું નામ તો તમે સાંભળ્યું જ હશે. અમેરિકાનો એક અતિસફળ, ધનાઢ્ય ઉદ્યોગવીર. એમણે જયારે એમની પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી શરૂ કરી ત્યારે એક સમસ્યા આવી. એમણે જ્યારે એ ઉદ્યોગ શરૂ કરવો હતો તે સમયે અમેરિકન સરકાર એવી પરમિશન આપતી નહોતી.. તેણે એક તદ્દન સાદો ઉપાય કર્યો—બસ, એ પરમિશન મળે/ન મળે, તેની માથાકૂટમાં ન પડો. એની અવગણના કરો. તેણે કાનૂની પ્રક્રિયાની ભારે અવગણના કરી, તો ખરેખર, એક ન્યાયાધીશે તો કહેવું પડ્યું કે, ‘મિસ્ટર રૉક્ફેલર, તમારો ધંધો તો એક સામાન્ય ચોર જેવું વર્તન કરી રહ્યો છે!’ પણ રૉકફેલરનો વ્યવસાય જે રીતે પાંગર્યો, તે જોઈને લોકો દંગ રહી ગયા, અને રૉકફેલર, રૉક પરથી ફોલ થવા કરતાં, સંપત્તિના રૉક ઉપર ચઢી ગયા, અને સફળતાનો ઝંડો ફરકાવ્યો... પોતાના ધંધાના નવીનીકરણના માર્ગમાં આડે આવતા જરીપુરાણા કાયદાઓની તેમણે ઐસી કી તૈસી કરી, અને સફળ થઈ, નામ-દામ કમાયા. પણ ધારો કે જો તેઓ નિષ્ફળ ગયા હોત તો? તો શું આજે લોકો એનાં ગુણગાન ગાય છે તે ગાતા હોત ખરા? એને અનુસરે છે તે અનુસરતા હોત? કદાચ નહિ જ, વળી... જો ઠોકર ખાઈને ધંધામાં ભેરવાઈ પડ્યા હોત, કાનૂની ગૂંચોમાં અટવાઈ ગયા હોત તો આજે એ ગુનેગાર, કાનૂનના અપરાધી ગણાયા હોત. અને એમણે એક નકારાત્મક દૃષ્ટાંત પૂરું પાડ્યું હોત કે ભાઈ, ધંધો સ્થાપવો હોય તો આટલું આટલું ના કરશો... હવે વાચક મિત્રો, વિચારો કે રૉકફેલરની ઉપરોક્ત વાતમાં બંને પ્રકારની શક્યતાઓમાં નસીબ કેવો ભાગ ભજવે છે? કાનૂની ચુકાદાઓ જુદા આવ્યા હોત અથવા રાજકીય વાતાવરણ બદલાયેલું હોત તો રૉકફેલરનું ભાગ્ય જુદું પણ હોત. સૌથી વધુ અગત્યનું તો, સદ્ભાગ્ય સારું તો ખરું પણ તેનું અનુકરણ કરવું અશક્ય છે. જો તમે વૉરન બફેટની જેમ સફળતા મળી, તેમ તેનાં દરેક પગલાંની કોપી કરો, તેની બીઝનેસ કારકિર્દીનું અનુકરણ કરો, તો પણ વોરન બફેટના પાંસા સીધા પડ્યા, તેમ તમારા પણ સીધા જ પડશે તેની ખાત્રી ખરી? એટલે ભાઈ, નસીબ તો શતરંજના પાસા જેવું છે. કાંઈ કહેવાય નહિ. તો પછી આ રહ્યો વિકલ્પ : નિષ્ફળતા અને સફળતાની પેર્ટનના પૃથક્કરણને વળગી રહો, એ પેર્ટન જેટલી વધુ સરેરાશ અને કોમન હશે, તેટલી એ તમારા જીવનને વધુ લાગુ પડતી હશે, અને એને આધારે તમારા નાણાકીય નિર્ણયો લઈ શકાશે. અવારનવાર થયેલા અભ્યાસો જણાવે છે કે જે લોકો એમના જીવન માળખાને નિયંત્રિત કરી શકે છે તેઓ, જે નથી કરતા તેના કરતાં સુખી જીવન જીવે છે. જગથી જુદેરા અને જગનો જંગ જીતેલા થોડાક સફળ માનવીઓનાં ઉદાહરણોનું વ્યાપક નિરીક્ષણ કરો અને તે મુજબ તમે પણ અત્યારથી સક્રિય થાવ.
૬. ઈર્ષ્યા તમને અવિચારી અને બેપરવા બનાવી શકે છે :
મૂડીવાદે બે મહત્ત્વનાં શિખર સર કર્યાં:- સંપત્તિનું સર્જન કર્યું અને ઈર્ષ્યાને જન્મ આપ્યો. એક ઉદાહરણ લઈએ : એક રુકી બેઇઝબોલ ખેલાડી એક વર્ષના રમીને ૫૦૦,૦૦૦ ડોલર બનાવે છે. અને ધનના ઢગલામાં આળોટે છે, એમ કહેવાય ને? રમતાં રમતાં આટલી અધધ...ધન-સંપત્તિ મળે? હા... પણ હવે જુઓ. માઈક ટ્રાઉટ જેવા સુપરસ્ટારની ટીમમાં એ રમે તો એને વર્ષે દહાડે ૩૬ મીલીયન ડોલર મળે... એકાએક એને એના કરતાં વધુ કમાતા બીજા પ્લેયરની ઈર્ષ્યા થવા માંડે, અસંતોષ લાગે, અને એ બીજાને જે વધુ મળે છે તે મને પણ મળે તેની ઝંખના કરવા લાગે. તો વળી માઈક ટ્રાઉટ, એના કરતાં વધુ કમાતા કોઈક ઓરની ઈર્ષ્યા કરવા લાગે. અમેરિકાના ટોપ ૧૦ હેજ ફંડ મેનેજરો આ ખેલાડીઓ કરતાં પણ વધારે કમાણી કરે છે - ૨૦૧૮માં આવા એક હેજ ફંડ મેનેજરને મળ્યા હતા ૩૪૦ મીલીયન ડોલર ! એની સામે ખેલાડી માઈક ટ્રાઉટ અને રુકી બેઇઝબોલ પ્લેયર તો બચ્ચાં લાગે, ખરુંને? આવી સરખામણીનો તો કોઈ અંત કે અર્થ નથી... એ બધી લોભ-લાલસાને ઈર્ષ્યાની સીડી છે. મૂડીવાદીની ભાષામાં તો આવી તુલનામૂલક ઈર્ષ્યા હોવામાં કાંઈ ખોટું નથી, નૈતિક રીતે કાંઈ અપરાધ નથી... પણ અહીં એક વ્યવહારુ સમસ્યા છે : ઈર્ષ્યા તમને અવિચારી, બેપરવા, બેદરકાર બનાવી દે છે, આંધળુંકિયાં કરવા પ્રેરે છે. આખરે ‘પર્યાપ્ત’/પૂરતું-enough-એવું સ્ટેશન એમાં ક્યારે આવે? ગુજરાતીમાં કહેવત છે ને - લોભને કદી ન હોય થોભ! ચાલો, આ અંગે Mckinsey નામની અગ્રણી મેનેજમેન્ટ કન્સલ્ટીંગ ફર્મના CEO રજત ગુપ્તાને મળીએ. કલકત્તાની ઝૂંપડપટ્ટીમાં જન્મેલા અને કોર્પોરેટ જગતમાં સફળતાની સીડી આપબળે ચઢેલા રજતભાઈ ૨૦૦૭માં નિવૃત્ત થયા ત્યારે એમની સંપત્તિ ૧૦૦ મીલીયન ડોલરની હતી.. એક સ્લમવાસી પરિવારનું સંતાન આટલું ધનવાન થાય એ અકલ્પનીય છે ને? પછી બીજું શું વધુ જોઈએ? પણ ના, રજત ગુપ્તાને એનાથી વધુ ધનિકોની ઈર્ષ્યા થઈ. એમને મીલ્યનરમાંથી બીલ્યનર થવાની ઝંખના જાગી. ૨૦૦૮માં Goldman Sachsના બોર્ડ મેમ્બર એવાં રજતજીને જાણ થઈ કે વૉરેન બફેટ, નાણાકીય કટોકટીમાં તેમની કંપનીને તરતી રાખવા ૫ બીલીયન રોકવા માગે છે. આ સમાચાર એક કોન્ફરન્સ કૉલમાં સાંભળ્યાની ૧૬ જ સેકન્ડમાં, આ ખબર જાહેર થઈ જાય તે પૂર્વે, રજત ગુપ્તાએ એક હેજ ફંડ મેનેજરને ફોન કર્યો અને ૧૭૫૦૦૦ શેર્સ ગોલ્ડમેનના ખરીદી લીધા... આ એક ઇનસાઈડર ટ્રેડીંગ હતું અને પાક્કું ગેરકાનૂની હતું પણ ગુપ્તાએ તેની પરવા ન કરી. એમણે આટલામાં જ ૧ મીલીયન ડોલર બનાવી લીધા. એના ઉપર કાનૂની કાર્યવાહી થાય તે દરમ્યાન એણે બીજા ૧૭ મીલીયન ઊભા કરી લીધા. જોકે એનાથી તે તરત બીલ્યનર ન બની ગયા, પણ એના ઉપર કેસ થાય, જેલ થાય એ બધાનું સાટું એમણે બેઠાં બેઠાં જ વાળી લીધું ! તો આ ઘટનાનો (અ)નીતિબોધ શું? ઈર્ષ્યા તમને ન કરવાના કૉલ (અને કામ) કરાવે, અને એવાં અનીતિમાન કામોથી મળતા લાભોની તમારે ઊંચી કિંમત ચૂકવવી પડતી હોય છે. એનું હવે આ રીતે વિચારી જુઓ : જો તમને કકડીને ભૂખ લાગી હોય તો તમને ખાવાનું મળતાં જ તમે અકરાંતિયાની જેમ ખાવા પર તૂટી પડશો અને ગળા સુધી ખાશો તો ખાવાનું ગમે તેટલું સારું-સાત્વિક હશે તો પણ તમને ફાયદો નહિ કરે, માંદા પાડશે. આથી વિચારીને વિવેકપૂર્વક ખાવ. આ જ નિયમ રોકાણમાં પણ અપનાવો..તમે સારી તક છોડી દો છો, તો તેનો અર્થ એ નથી કે તમે ગાડી ચૂકી ગયા. તક તો પાછી પણ આવશે. બસ તેને ઓળખીને વર્તો, જેથી પાછળથી પસ્તાવું ન પડે. બીજા શબ્દોમાં કહું તો- રજત ગુપ્તા જેવું ન કરશો.
૭. ધન સંગ્રહ, ધનપ્રાપ્તિ કદાચ સરળ હશે, પણ એને ટકાવી રાખવું મુશ્કેલ છે.
વીસમી સદીના પ્રારંભે, અમેરિકામાં જેસી લીવરમોરથી વધુ સારો સ્ટોક માર્કેટ ટ્રેડર નોંધાયો નહિ હોય. ૧૮૭૭માં એનો જન્મ થયેલો. એણે અમેરિકન શેર બજાર વોલ સ્ટ્રીટ બાંધવામાં મદદ કરેલી. ૩૦ વર્ષની તેની ઉંમર સુધીમાં તેની પાસે ૧૦૦ મીલીયન ડોલરની સંપત્તિ હતી. ૧૯૨૯ની મહામંદીની શરૂઆત પહેલાં લીવરમોરે તેની કારકિર્દીનો ઉત્તમ નિર્ણય લીધો : તેણે ટૂંકા ગાળામાં શેરના ભાવ ગગડી જશે તેવી શરત મારી અને ખરેખર, માર્કેટ તેના કુલ મૂલ્યના એક તૃતિયાંશ જેટલું ધોવાઈ ગયું. જયારે મોટા મોટા રોકાણકારો દેવાળિયાની યાદીમાં આવી ગયા, ત્યારે લીવરમોર હસતે મોઢે ઘરે પહોંચ્યો, એની શરત એ જીતી ગયો હતો, અને મંદીકાળમાં પણ ફાયદામાં હતો. એણે તે સમયે, આજના ૩ બીલ્યન ડોલર જેટલો એને લાભ થયેલો...તો શું આ આપણા લીવરમોર મહાશય પછીથી ખુશ જ રહ્યા હશે? ના, ખાસ નહિ. એટલે જ કહેવાયું છે કે - (શેરમાં) નસીબથી લાભ થઈ જવો, પૈસા બની જવા સહેલા છે, પણ એને ટકાવી રાખવા મુશ્કેલ છે. એકાએક મોટી સફળતા મળી જવી એ કાંઈ સારો પાઠ શીખવી જતી નથી. એના કરતાં માણસ ઠોકર ખાઈને ઉપયોગી પાઠ શીખતો હોય છે, તો, ૧૯૨૯ની મંદીમાં પણ, તગડું કમાઈ જનાર લીવરમોર હવે તો હવામાં ઊડવા લાગ્યો...તે હવે વધુને વધુ શરતો લગાવવા લાગ્યો. અને મોટી ખોટ પણ ખાતો-ખમતો ગયો. અંતે સાવ, લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. તૂટી ગયો, દેવાળિયો થયો. અને ૧૯૪૦માં મેનહટ્ટન ક્લબમાં આપઘાત કરી બેઠો...જાનથી ગયો ! હવે તમને સમજાયું વાચકો, કે ધનવાન થઈ જવું (ગમે તે રીતે) કદાચ સહેલું છે, પણ ધનવાન બન્યા રહેવું, ધન-સંપત્તિ ટકાવી રાખવાં ખૂબ મુશ્કેલ છે. સિનેજગતમાં કે રમતગમતમાં એકવાર સ્ટાર કે સેલિબ્રીટી બની ગયા પછી, તેમને એ પદ પર ટકી રહેવાશે કે કેમ તેનાં ભારે ચિંતા અને તનાવ હોય છે, તેથી તેઓ ઘણીવાર ડીપ્રેશનમાં સરી પડતા હોય છે. નાણાજગતનું પણ એવું જ છે, ભાઈ ! પૈસા બનાવવા એ જોખમ, આશાવાદ અને હિંમતનું કામ છે. જયારે પૈસા ટકાવી રાખવા એ તદ્દન અલગ જ મનોવૈજ્ઞાનિક બોલ ગેઈમ છે. એને ડર હોય છે કે આટલું બધું ભેગું કર્યું છે તે કોઈ છીનવી ન જાય, લૂંટાઈ ન જાય. ધનવાન રહેવું એટલે નમ્રતા જાળવી રાખવી. ૧૯૨૯ પછી લીવરમોર પોતાને જીનીયસ માનતો થઈ ગયેલો કે પોતે કોઈ ખોટું પગલું લઈ જ ન શકે. પણ તેને એ ન સમજાયું કે પૈસા અચાનક આવી મળવા એ તો નસીબનો ખેલ હતો, મહેનત કે ચતુરાઈનો નહિ...અને આવું કાંઈ વારંવાર બન્યા નહિ કરે... આપણામાં ઘણા બધા આવા લીવરમોર હશે. જો કે તેમની જીવનકથા લીવારમોર જેવી કરુણ નહિ હોય. ૪૦% જેટલી પબ્લીકલી લીસ્ટેડ કંપનીઓ સમય જતાં તેની સંપૂર્ણ મૂડી ગુમાવી દેતી હોય છે. ફોર્બ્સની અમેરિકન ૪૦૦ ધનવાનોની યાદીમાંથી ૨૦% લોકોનું ટર્ન ઓવર, મૃત્યુ અથવા પરિવારની આંતરિક ટ્રાન્સફર જેવી બાબતે પૂરું થયું હતું. તો સવાલોનો સવાલ એ છે કે તમારી પાસે ધન-સંપત્તિ હોય/આવી જાય તો એને ટકાવશો કઈ રીતે? બસ, એક જ શબ્દનો જવાબ છે: ખંત, લગન, ધીરજપૂર્વકનો પ્રયાસ ! જે ઉદ્યોગ સાહસિકો સફળ છે તેમણે લાંબાગાળા માટે ટકાવી રાખ્યું હોય છે. આવા લોકોમાં એક સામાન્ય તત્ત્વ જોવા મળે છે તે છે – ડર, ભય ! માઈકલ મોરીટ્ઝ નામના કરોડોપતિ મૂડીવાદી સાહસિક કહે છે, ‘જયારે તમને ગુમાવી દેવાનો ડર હોય ત્યારે, તમે જરા જુદા નજરિયાથી સફળતાને વરી શકે તેવા સક્ષમ સ્ટોકને જોતા રહો. એમનું રીટર્ન એટલું મોટું હશે કે તમારી પાસે જે હતું તે ગુમાવવાનું જોખમ પણ તેમાં વાજબી જણાશે. જયારે તમે આવો દૃષ્ટિકોણ અપનાવો છો, ત્યારે તમને વધુ સારી રોકાણની તકો મળવાની પૂરી શક્યતા છે.
૮. રોકાણની બાબતમાં તમે અડધા નિર્ણયો ખોટા લો, તો પણ ફાયદો મેળવી શકો છો.
Heinz Berggruen નામનો માણસ યુવાનીમાં બહુ આશાસ્પદ જણાતો નહોતો. ૧૯૩૬માં તેને નાઝી જર્મનીમાંથી ભાગી જવા તક મળી ત્યારે ક્યાં જવું, શું કરવું તેની કોઈ દિશા તેના જીવનમાં નહોતી. પણ કેલિફોર્નીયા યુનિવર્સિટીમાંથી સાહિત્યનો અભ્યાસ કરી કળા વિવેચનના ક્ષેત્રમાં તે પત્રકાર થયો. ૧૯૪૦માં તેણે પૉઉલ લી પાસે ૧૦૦ ડોલરનો વોટરકલર ખરીદ્યો. અને એ મોર્ડન આર્ટની એની જીવનભરના પેશનની શરૂઆત પૂરવાર થઈ...ચાલો, ૧૯૯૦માં આવીએ, તો આ હેઈન્ઝભાઈ એક ખૂબ સફળ કળા સંગ્રાહક બની ગયા. સાલ ૨૦૦૦માં, તેણે પોતાનો કળા સંગ્રહ જર્મન સરકારને ૧૦૦ મીલીયન યુરોમાં વેચી દીધો. એમાં ઘણાં બધાં ચિત્રો પાબ્લો પીકાસો, લી, મેટી સેસ, બ્રેક્વીસ જેવા મહાન ચિત્રકારોનાં હતાં; જે અમૂલ્ય હતાં. જેની અંદાજીત કિંમત લગભગ ૧ બીલીયન ડોલર હતી. એ સંગ્રહ દુનિયાનો સૌથી મૂલ્યવાન કળાસંગ્રહ મનાય છે. એટલે કે ચાવીરૂપ સંદેશ છે કે, તમે અડધો વખત ખોટા પણ હો, તોયે ક્યારેક તમારું નસીબનું પાંદડું ફરી જતું હોય છે. આપણા હેઈન્ઝ પાસે કોઈ આવડત કે વિશેષ કૌશલ્ય હતું ખરું? ના...માત્ર એક અણધારી ધૂન, કંઈ કરવાનું હતું નહિ, એટલે કળાસંગ્રહ તરફ વળ્યો, તો એ ધંધો એને ફળ્યો. હોરાઈઝન રીસર્ચ નામની રોકાણની કંપનીની એક વળી રસપ્રદ કહાની છે. એ કંપનીના રીસર્ચ પ્રમાણે, બધા આવા મોટા કળા સંગ્રાહકો એકસરખું જ કામ કરે છે - વ્યાપક પ્રમાણમાં કળાકૃતિઓ ખરીદે છે. તેમાંની કેટલીક કૃતિઓ સંગ્રાહકને માટે હીરાની વીંટી કે સોનાની લગડી સાબિત થાય છે, એટલું સરસ વળતર આપી જાય છે, પણ, હા, એણે ધીરજપૂર્વક એને રાખી મૂકેલી હોવી જોઈએ. બાકી બીજી અન્ય વ્યર્થ કે ક્ષુલ્લક નીવડતી હોય છે, જે એના ગોડાઉનમાં ખોટી જગ્યા રોકે છે અને ધૂળ ખાય છે. એટલે હોરાઈઝન રીસર્ચ રોકાણની ટ્રીક અને ટીપ્સ બતાવતાં કહે છે કે સારી તક ન આવે ત્યાં સુધી રાહ જુઓ, રોકાણ રાખી મૂકો.. એકાદ સુંદર સવારે એવી તક ટકોરો મારતી આવશે કે તમારા પૂરા સંગ્રહનું – રોકાણનું મબલખ વળતર ચૂકવી જશે. હેઈન્ઝનો કળાસંગ્રહ જાણે કે ઇન્ડેક્ષ ફંડ જેવો હતો. ઘણી બધી કલાકૃતિઓના જથ્થામાં એનું જોખમ વહેંચાઈ ગયેલું હતું. એણે કોઈ પસંદગીની કે પ્રશંસાની કૃતિ જોઈ જોઈને ખરીદી નહોતી, એણે તો બસ જયારે જે હાથે ચડ્યું તે ખરીદતો રહ્યો, અને તકની રાહ જોતો રહ્યો. આ વ્યૂહરચના બધાં નાણકીય રોકાણોને પણ લાગુ પડે છે. એને ‘લાંબી પૂછડિયું રોકાણ’ કહેવાય... તમે રોકાણનું પૂછડું લાંબુ કરતા જાવ. અને એમાંથી કોઈક ક્યાંક નસીબવંતુ પાંદડું નીકળી આવે, પણ આની પાછી જટિલતાયે ઘણી છે. પણ કરતા રહો, બસ. તમને થોડીક સારી-સાચી વસ્તુ મળી જાય, તો વધારે ખોટી સંગ્રહાયેલી હોય તેનું વળતર મળી જાય એમ બને... જુઓ ભાઈ, નિષ્ફળતા તો અનિવાર્ય છે, એ તો, આવે જ. પણ ખરી કામની ચીજ કઈ છે?—તમારી સફળતાનો પ્રકાર જરા જુદી રીતે વિચારો, ચિત્ર સંગ્રાહક પાસે એક જ કૃતિ પિકાસોની કે વિન્સેટ વેન ગૉગની પડી હશે તો તે ઢગલો પૈસા આપી જશે, પછી ભલે બીજી ૯૯ ફાલતું કે બિનમહત્ત્વની કૃતિઓ તમારે ત્યાં ધૂળ ખાતી પડી હોય.
સમાપન :
(૧) વર્તનલક્ષી પૂર્વગ્રહો : લેખક હાઉસેલ, પૈસાની વાત આવે ત્યારે માણસનું માનસ કેવું અતાર્કિક વર્તન કરે છે તેની ચર્ચા કરે છે. ખોટથી કેમ દૂર રહેવું, અતિ આત્મવિશ્વાસ હોવો કે ટોળાંની માનસિકતા જેવાં વલણો નાણાકીય નિર્ણય લેતી વખતે સામાન્ય રીતે જોવા મળે છે. (૨) લાંબાગાળાનો વિચાર : પૈસાનાં રોકાણ અને સંપત્તિ-સર્જનની બાબતે લાંબાગાળાનો દીર્ઘદૃષ્ટિયુક્ત વિચાર મહત્ત્વનો હોય છે. લાંબા સમય માટે, તમારે ધીરજ અને વ્યવસ્થિત આયોજનથી સફળતા મેળવવી જોઈએ. (૩) સાદગી અને નમ્રતા : જેમ જીવનમાં, તેમ નાણાકીય આયોજનમાં પણ આ બે ગુણો અનુસરવા જોઈએ. બહુ હોશિયારી મારીને ગમે તેવાં જટિલ રોકાણોમાં ભેરવાઈ પડવા કરતાં નિયમિત થોડી થોડી બચત, ચાદર પ્રમાણે સોડ તાણવી અને બિનજરૂરી જોખમ ટાળવાં જેવા સાદા સિદ્ધાંતો ઉપર ચાલતા રહેવું. (૪) જોખમોને ઓળખો : રોકાણમાં જોખમ(Risk)ના પરિબળને સારી રીતે ઓળખવું જરૂરી છે વિવિધ પ્રકારનાં જોખમો હોય છે—માર્કેટની અસ્થિરતા, ચડ-ઉતર, પૈસા પૂરા ડૂબી જવાનો ભય વગેરેને અસરકારક રીતે નાથતાં આવડવું જોઈએ. (૫) ચક્રવૃદ્ધિ રોકાણની તાકાત : ધન કે સંપત્તિ એક વાર હાથમાં આવી જાય, પછી તેને જોતા તમે લઈને બેસી રહો, તો એ વધે નહિ. પણ એ કેવી રીતે વધતું જાય તેવું આયોજન થવું ઘટે ‘નિયમિત નાની બચત-વધે સતત...’ થોડું થોડું બચાવતા જાવ - ‘કાંકરે, કાંકરે પાળ બંધાય ને ટીપે ટીપે સરોવર ભરાય’ - એ તાકાત બચતમાં છે. (૬) અંગત નાણકીય પાઠ શીખો : આખા પુસ્તકમાં લેખકે નાણાકીય સિદ્ધાંતો ચર્ચતી વખતે જે તે વાસ્તવિક ઉદાહરણો, પ્રસંગો, ઘટનાઓ પણ ટાંક્યાં છે, તે આપણને ઘણા ઉપયોગી પાઠ શીખવી જાય છે. જેમકે કરકસર, ખંત, લગન, બદલાતી પરિસ્થિતિમાં પોતે બદલાવાની તૈયારી વગેરે પાઠો ઉદાહરણ સાથે આપણે ગળે ઉતાર્યાં છે. ટૂંકમાં, સમગ્ર રીતે નજર કરીએ તો આ પુસ્તક The Psychology of Money, આપણા નાણાકીય નિર્ણયોને પ્રભાવિત કરનારા આપણા મનોવૈજ્ઞાનિક પાસા અંગે મૂલ્યવાન માર્ગદર્શન આપે છે. નાણાકીય સુરક્ષિતતા કેમ મેળવવી અને સંપત્તિ –સર્જન કેમ કરવું તેની વ્યવહારુ સલાહ અહીં આપી છે. નાણાકીય નિર્ણયો લેવાની વાસ્તવિકતા, તેના અર્થશાસ્ત્રીય પુસ્તકો કરતાં તદ્દન જુદી અને જટિલ બાબત છે. ઘણા બધા નિર્ણયો—જેમ કે તમે આર્થિક રીતે તૂટી ગયા/રહ્યા હો ત્યારે લોટરીની ટિકિટ લેવી એ તાર્કિક નથી, પણ એનું પણ એની રીતે મહત્ત્વ ને તર્ક હોય છે. તેવું જ શેર બજારમાં રોકાણનું છે. તમારા યુવાનીમાં માર્કેટ અનુભવો, ત્યારનું અર્થતંત્ર વગેરે તમારા રોકાણ નિર્ણયોને અસર કરે છે. તમે સમકાલીન અર્થતંત્ર કે બજાર સ્થિતિનું ઊંડું અર્થઘટન કે અભ્યાસ ન કરતાં જૂના અનુભવો ઉપર વધુ મદાર રાખો છો. આ આપણું મનોવૈજ્ઞાનિક પરિબળ છે. તો પછી ઉત્તમ માર્ગ કયો? ચાલો, થોડુંક નસીબ ઉપર પણ છોડો. ભાગ્યની પણ ભૂમિકા હોય છે. તમારી પાસે જે છે તે ગુમાવી દેવાનો ભય કેળવતાં શીખો અને ક્યારેક શરત પણ લગાવો... ‘ન જાને કિસ રૂપમેં કિસ્મત કબ ઔર કહાં ખીલ જાય !’