પ્રથમ પુરુષ એકવચન/શરદોત્સવ

Revision as of 12:57, 6 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શરદોત્સવ| સુરેશ જોષી}} {{Poem2Open}} પ્રેમાનન્દ જેવો રસસંક્રાન્ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શરદોત્સવ

સુરેશ જોષી

પ્રેમાનન્દ જેવો રસસંક્રાન્તિમાં કુશળ કોઈ કવિ આ દિવસોમાં આકાશમાં બેઠોબેઠો પ્રકાશમાંથી છાયામાં અને છાયામાંથી પ્રકાશમાં સંક્રાન્તિ કર્યા કરે છે. જ્યારે પ્રકાશ બધે પથરાઈ જાય છે ત્યારે વર્ષાધૌત તડકાની સોનેરી ઉજ્જ્વળતા સહી નથી જતી. થોડી જ વારમાં મેઘનું સ્નિગ્ધ અંજન આંખમાં અંજાઈ જાય છે. આ ભાદ્રપદનો મેઘ તો કોઈનો સંદેશો પહોંચાડવાનીય જવાબદારી લેતો નથી. રવીન્દ્રનાથે એમના એક કાવ્યમાં કહ્યું છે તેમ હવે મેઘ રિક્તપાણિ (પાણી) થઈને કૈલાસભણી સંન્યાસીઓની જેમ ચાલ્યા જાય છે.

હવામાં શરદના ભણકારા છે. વસન્તમાં શરીરમન વિહ્વળ થાય છે તેથી જુદા જ પ્રકારની વિહ્વળતાનો અનુભવ શરદમાં થાય છે. શરીર ખૂબ લાડ માગે છે, મોઢે ચઢાવેલા શિશુની જેમ નાનીનાની હજાર ફરિયાદો કરે છે. કશાકનો પ્રકોપ થાય છે, પિત્તનો કે શેનો તે તો વૈદ્યરાજ જાણે. હૃદય થોડું ઠાવકું થઈ જાય છે. દૃષ્ટિ ફરી આકાશવિહારી થઈ જાય છે. બધું પારદર્શક બનતું જાય છે. શબ્દોને ઘસીમાંજીને ચોખ્ખા બનાવી દેવાના આ દિવસો છે. થોડીક આર્દ્રતાની અપેક્ષા રહે છે. ગરજી ઊઠીને કે ફુત્કાર કરીને બોલવાના પણ દિવસો હોય છે ત્યારે ઉદ્દણ્ડ બનીને બોલવાનો સ્વાદ જ માણ્યા કરીએ છીએ. ઘણી વાર આપણી મર્યાદાઓ જ આપણને વધારે બોલકા બનાવી દે છે. પછી કોઈ વાર બધું ઠરીને નીતર્યું થાય છે.

શરદનો ગુણ છે પારદર્શકતા. શાંત સ્થિર સરોવરના જળમાં એક બીજું આકાશ છવાઈ જતું જોવાના આ દિવસો છે. આંખને અનાવિલ કરી ન નાખવાનું મુહૂર્ત આવી ગયું છે. નદીના કાંઠાઓનાં નિમન્ત્રણો રોજ આવ્યા કરે છે. પગને તળિયે ખંજવાળ આવે છે. કૂણાં કૂણાં ઘાસને ખૂંદતાં બસ ચાલ્યે જ રાખવાનું મન થાય છે. શરદમાં નિરુદ્દેશતાનો નશો ચઢે છે. હેતુ-પ્રયોજન આશય બધું અભરાઈ પર ચઢાવી દીધું છે. જોતી છતાં ન જોતી દૃષ્ટિનો આ ઋતુમાં મહિમા છે : હજી ધાન્ય ખેતરમાં છે, ખળીમાં આવ્યું નથી. હિસાબકિતાબ હજી દૂર છે. ડાંગરથી લહેરાતાં ખેતરો સૃષ્ટિના આનન્દના લયની જેમ આન્દોલિત થતાં દેખાય છે. નદીઓનાં કલુષિત આલોકિત મલિન હૃદય સ્વચ્છ થયાં છે. એની ઉન્માદભરી ચંચળતાને સ્થાને ગામ્ભીર્ય આવ્યું છે.

વૃષ્ટિને બદલે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય ત્યારે જીવનનો લય તૂટી જાય; જીવન જ મરણનું ક્રીડાંગણ બની જાય. આમ તો જળ સ્વચ્છ કરે, પણ એ એના હૃદયમાં કેટલો બધો કાદવ સંઘરતું હોય છે! માતાનાં બે રૂપ હોય છે : સંરક્ષક અને સંહારક. આ વર્ષાના દિવસોમાં નદીના સંહારક રૂપનો જ વધારે પરિચય થયો. પ્રકૃતિની સમતુલા જળવાઈ નથી. પ્રકૃતિ માનવે રચેલી સંતુલનની વિભાવનાને ગાંઠે ખરી! એની સમતુલાનો ખ્યાલ કંઈક જુદો જ હશે! આપણે જ આખરે તો એની જોડે મેળ પાડી લેવાનો રહે છે.

આલ્બેર કેમ્યૂએ કહેલું છે તે આ જળપ્રલયના દિવસોમાં સાચું લાગે છે : માનવીઓ હવે મારામારી કે યુદ્ધના ભયની છાયા નીચે જ એકત્રિત થઈ શકે છે. પણ હીણા માનવીઓ કોઈ પણ સંજોગોમાં પોતાનું હીણાપણું છોડતા હોતા નથી. યહૂદીઓને ગેસચેમ્બરમાં લઈ જતાં પહેલાં હિટલરના અફસરો યહૂદીઓના સોને મઢ્યા દાંત પણ ખેંચી કાઢતા હતા. અહીં મોરબીમાં પણ આપણે સાંભળ્યું કે શબને છેદીને ઘરેણાં ઉતારી લેવાયાં. સડેલા ગંધાતા અનાજને દારૂ બનાવવા માટે લઈ જનારા પણ નીકળ્યા, માનવીની સારપને તો સીમા હશે, એની હીણપતને કદાચ સીમા નથી!

જનતા પણ એક કાદવવાળી નદી છે. એ પણ ઘણી વાર પોતાની સીમાને ભાંગીને જીવનમાં કાદવ વિખેરી જાય છે. માનવરચિત બધી સંસ્થાઓ આ કાદવથી છવાઈ જાય છે. થોડો સમય એવો વીતે છે જ્યારે આ કાદવ જ એક શણગાર છે એવું મનાવા લાગે છે. વળી કોઈ વિભૂતિની રાહ જોઈએ છીએ. એ ધીરજથી બધો કાદવ કરુણાનાં આંસુથી ધોઈ નાખે ત્યારે ફરીથી આપણે બધાં સાજાં-નરવાં થઈએ.

જનતા અને નેતા – આ બેનો સમ્બન્ધ એક ભારી અટપટી વાત બની રહ્યો છે. જનતા ઘેટાનું ટોળું જ બની રહે તે અનિવાર્ય નથી; નેતા જનતાના ભાવિનો નિર્ણય કરવાની પૂરી જવાબદારી પોતાના જ હાથમાં શા માટે રાખે? નેતા જનતાનો હોવા છતાં એ જનતાથી વધુ ને વધુ દૂર જતો જાય છે. એની નજર સામે એની મહત્ત્વાકાંક્ષા છે, જનતા નથી. મોટી કરુણતા એ છે કે આ મહત્ત્વાકાંક્ષા વધુ ને વધુ સંકુચિત થતી જાય છે. આખો દેશ આ સંકુચિતતાના કારાગારમાં પુરાઈ જાય છે. આથી ‘નેતા’ શબ્દ એક અપશબ્દ લેખાવા લાગ્યો છે. આપણને અનુગામી થઈને વર્તવાના સંસ્કાર ગળથૂથીમાંથી મળ્યા છે. ધર્મમાં પણ આપણે કોઈકના અનુયાયી હોઈએ છીએ. ગુરુપરમ્પરામાં આપણી જબરી આસ્થા છે. આથી આત્મનિર્ભરતાનો ગુણ કેળવાતો નથી, પરપ્રત્યયનેયતાની માત્રા વધતી જાય છે.

કોઈ પ્રત્યે પૂજ્ય ભાવ કે સદ્ભાવ હોય તો તે અનિષ્ટ છે એમ હું કહેતો નથી; પણ આ પૂજ્ય ભાવથી સત્ય ઢંકાઈ નહિ જવું જોઈએ. આપણે તો શ્રદ્ધાને નામે આ સત્યની ખોજનો પુરુષાર્થ જ ખોડી દઈએ છીએ. થોડો સરખો અહંકાર નહિ હોય તો આપણું વ્યક્તિત્વ ટકી રહે શેને આધારે? મારાપણું નામે અવગુણ છે એવી માન્યતા ખોટી છે. આપણે નિમિત્તે જે સિદ્ધ થવાનું હોય તે થવા દેવું જ જોઈએ. આ વિશ્વક્રમમાં એની પણ અનિવાર્યતા છે. ખોટી નમ્રતા ઘણી વાર કાયરતા કે લાચારીનું જ પરિણામ હોય છે. આથી જ તો જાતતપાસની પ્રવૃત્તિ નિરન્તર ચાલ્યા કરવી જોઈએ. એમાં પ્રમાદ સેવનાર પોતાને જ સહુથી મોટો અન્યાય કરતો હોય છે.

મિથ્યાભિમાનને તો પારખી લઈને ત્યજી દેવું જ જોઈએ. આ કે તે ક્ષેત્રમાં થોડુંક કામ કર્યું હોય તેથી ફુલાઈ જઈને પોતાનો જ શબ્દ તે અન્તિમ પ્રમાણ છે એમ ઠરાવનારા ઘણા હોય છે. આ પ્રયત્ન જ ભારે દયાજનક હોય છે; પણ તેનો એમને ખ્યાલ આવતો નથી. એમની વાણીનો રણકો થોડો ઉદ્ધતાઈભર્યો હોય છે. એ જે કાંઈ કહે છે તે તે વિષયનું જાણે અન્તિમ વાક્ય હોય એવી અદાથી કહે છે.

આ બધાંની સામે આથી જ તો પ્રેમનો મહિમા કરવામાં આવ્યો છે. એ હૃદયને આર્દ્ર રાખે છે, સહાનુભૂતિને વિસ્તારે છે. કૃપણતાને દૂર કરે છે. છતાં અહંકારના કોટકિલ્લા ભેદીને હૃદય સુધી પહોંચવાનું ઘણું અઘરું છે. પણ એક વાર જો પહોંચી જઈએ તો પછી બધી ગણતરીથી પર એવું કશુંક પ્રાપ્ત થાય છે. કોઈ પણ પ્રકારનો તિરસ્કાર આખરે તો આપણને આપણાથી જ વિમુખ કરે છે. એવો કોઈ ક્રોધ નથી જેનાથી ક્રોધ કરનાર પોતે દાઝતા નહિ હોય!

તડકા છાયાની અવનવી ભાત તૃણાંકુરની હરિયાળી બિછાત પર રચાતી જાય છે; પવનની સુખદ શીતળતા મનને આહ્લાદિત કરે છે. આકાશે હજી વર્ષાનાં ચિહ્નો ભૂંસી નાખ્યાં નથી. છતાં રાતે ચાંદનીનું પોત તો બદલાઈ ચૂક્યું છે. સાંજે આથમતો સૂર્ય જુદા જુદા રંગોની લીલા કરી જાય છે. ગ્રીષ્મના જ દિવસાન્તો મધુર હોય છે એવું નથી; શરદની સાંજ પણ ભારે નયનમનોહર હોય છે.

અત્યારે તો પતંગિયાંઓના ઉડ્ડયનની રંગીન રેખાઓ દૃષ્ટિ સામે અંકાતી જોઈ રહું છું. એની ક્ષણિકતા પછી આગામી કાળનો ભાર નથી. તેથી જ તો એના ઉડ્ડયનની આટલી શોભા છે. ‘ઊડવું’ ક્રિયાપદ પણ પતંગિયાને માટે તો જરા વજનવાળું લાગે. અત્યારે ગામને પાદરે, નદીને કાંઠે, મહાદેવના મન્દિરના ગભારામાં જે શાન્તિ છવાઈ ગઈ હોય છે તે ખૂબ જ સ્પૃહણીય લાગે છે. પછી તો ઘોંઘાટિયા ઉત્સવો શરૂ થઈ જશે. પહેલાં ઉત્સવોમાં સંસ્કૃતિના ઉત્કૃષ્ટ અંશો પ્રગટ થતા, હવે ઉત્સવોમાં માનવી પોતાની હીન રુચિનો જ વધારે પરિચય કરાવે છે. નવરાત્રિની બધી જ રાતો નિદ્રાહીન જશે તેની મને અત્યારથી ચિન્તા થાય છે.

આવા ઉત્સવો ચાલતા હોય ત્યારે શહેર છોડીને દૂર ચાલ્યા જવું જોઈએ. ખળખળ વહેતાં ઝરણાંને સાંભળવું, કોઈ ટેકરીની ટોચે બેસીને દૂર દૂર ચાલી જતી કેડીની રેખાને જોઈ શકાય ત્યાં સુધી જોવી, પુરાણા કિલ્લાના બુરજના બાકોરામાંથી દૂરની વનરેખા પર મીટ માંડવી, તળાવમાંના કમલવનને મુગ્ધતાથી જોવું, અરણ્ય વચ્ચે બેસીને પર્ણમર્મરને સાંભળવો – આવી દરેક ક્ષણ ઉત્સવ જેવી બની જાય. મેં તો બાળપણમાં આવા ઉત્સવો માણ્યા છે એટલે આ દિવસોમાં મને શહેરમાં જરાય ગમતું નથી. એકાદ કવિ જોડે એની સૃષ્ટિમાં હું ભાગી જાઉં છું, અથવા તો સંગીતની સૂરાવલિમાં આત્મવિલોપન કરી દઉં છું. ક્યારેક વળી એકાએક શાન્તિ છવાઈ જાય છે ત્યારે એ શાન્તિને ભરી દેતા પંખીના ટહુકાને સાંભળવા કાન માંડે છે.

10-9-79